Mon Jul 27 2026

Logo

પીએમ મોદી સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન રહેવાના જવાહરલાલ નહેરુનો રેકોર્ડ તોડશે, જાણો વિગતે

2026-06-02 17:41:00
Author: Chandrakant Kanoja
Article Image

નવી દિલ્હી : પીએમ મોદી એક નવો રેકોર્ડ બનાવવા જઇ રહ્યા છે. પીએમ મોદી પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુનો ચૂંટાયેલા વડાપ્રધાન રહેવાનો રેકોર્ડ નવ જૂનના રોજ તોડશે. આ દિવસે પીએમ મોદીને તેમના ત્રીજા કાર્યકાળના બે વર્ષ પૂર્ણ થવા જઇ રહ્યા છે. પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ 4397 દિવસ એટલે કે 12 વર્ષ 14 મહિના સુધી વડાપ્રધાન રહ્યા હતા.પીએમ મોદીને  9 જૂનના રોજ ચૂંટાયેલા વડાપ્રધાન પદ પર  4398 દિવસ થશે. 

ઐતિહાસિક સિદ્ધિ બદલ અભિનંદન આપતો ઠરાવ પસાર કરાશે 

પીએમ મોદીના આ રેકોર્ડના પગલે 10 જૂનના રોજ એનડીએના  મુખ્યમંત્રીઓની બેઠકમાં  ઐતિહાસિક સિદ્ધિ બદલ અભિનંદન આપતો ઠરાવ પસાર કરવામાં આવશે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી અને ટીડીપીના વડા એન. ચંદ્રબાબુ નાયડુ ઠરાવ રજૂ કરશે. જ્યારે  અન્ય સાથી પક્ષોના નેતાઓ ઠરાવને સમર્થન આપશે. આ ઠરાવમાં વડાપ્રધાન તરીકે છેલ્લા બાર વર્ષની સિદ્ધિઓ વર્ણવવામાં આવશે. 

પંડીત જવાહરલાલ નેહરુએ 13 મે, 1952 ના રોજ શપથ લીધા હતા 

ઉલ્લેખનીય છે કે, દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુએ 13 મે, 1952 ના રોજ  પ્રથમ વાર ચૂંટાયેલા 
વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. તેમણે 4397 દિવસ એટલે કે 12 વર્ષ 14 મહિના સુધી  ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે સેવા આપી હતી.

જવાહરલાલ નેહરુનો સંપૂર્ણ કાર્યકાળ 6130 દિવસ 

જયારે 9 જૂનના રોજ, પીએમ મોદી તેમનો રેકોર્ડ તોડશે. તેમજ ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે સતત 4398 દિવસ એટલે કે 12 વર્ષ અને 15 દિવસ પૂર્ણ કરશે. 15 ઓગસ્ટ, 1947 ના રોજ નેહરુ વડા પ્રધાન બન્યા હોવા છતાં, તેઓ પહેલી લોકસભા ચૂંટણી સુધી વચગાળાની સરકારના વડા હતા. 27  મે, 1964 ના રોજ તેમના મૃત્યુ સુધી નહેરુ વડા પ્રધાન રહ્યા. જો જવાહરલાલ નેહરુનો સંપૂર્ણ કાર્યકાળ ઉમેરવામાં આવે તો, તે 6130 દિવસ થાય છે. જેમાં તેમણે વચગાળાની અથવા બિનચૂંટાયેલી સરકારનું નેતૃત્વ કરેલા 1733 દિવસનો સમાવેશ થાય છે.

સતત ત્રણ ચૂંટણીઓ જીતનારા પ્રથમ બિન-કોંગ્રેસી વડાપ્રધાન 

પીએમ મોદીએ આ પૂર્વે અનેક  ઐતિહાસિક સિદ્ધિઓ હાંસલ કરી છે. જેમાં તે  સૌથી લાંબા સમય સુધી આ પદ પર રહેનારા પ્રથમ બિન-કોંગ્રેસી વડાપ્રધાન છે. તેમણે ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના 2,272 દિવસના કાર્યકાળને પણ પાછળ છોડી દીધો છે. તેઓ સતત ત્રણ ચૂંટણીઓ જીતનારા પ્રથમ બિન-કોંગ્રેસી વડાપ્રધાન પણ છે. તેમજ ચૂંટાયેલી સરકારના વડા તરીકે સતત સૌથી લાંબા કાર્યકાળનો રેકોર્ડ પણ તેમના નામે છે.

ચૂંટાયેલી સરકારના વડા તરીકે 9,000 થી વધુ દિવસ પૂર્ણ કર્યા

ઉલ્લેખનીય છે કે, તેમણે 7 ઓક્ટોબર, 2001 ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. ત્યારથી તેઓ સતત સરકારના વડા તરીકે સેવા આપી રહ્યા છે. તેમણે 7 ઓક્ટોબર, 2001 થી 22 મે, 2014 સુધી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે અને પછી 26 મે, 2014 થી અત્યાર સુધી વડાપ્રધાન તરીકે કાર્યરત છે. આમ, પીએમ મોદીએ ચૂંટાયેલી સરકારના વડા તરીકે 9,000 થી વધુ દિવસ પૂર્ણ કર્યા છે.