Sun Mar 15 2026

Logo

પીએમ મોદીએ 48 કલાકમાં 8 દેશના નેતા સાથે કરી વાતઃ ઓમાન, કુવૈત અને કતારના પ્રમુખો સાથે સુરક્ષા અને શાંતિ અંગે ચર્ચા

1 week ago
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હી: પશ્ચિમ એશિયામાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે વધી રહેલા સૈન્ય સંઘર્ષે સમગ્ર વિશ્વમાં ચિંતા જગાવી છે. આ અસ્થિર વાતાવરણ વચ્ચે ભારતે પોતાના લાખો નાગરિકોના હિતોના રક્ષણ માટે સક્રિય રાજદ્વારી અભિગમ અપનાવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે બપોરે ખાડી ક્ષેત્રના પ્રમુખ નેતાઓ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. 

આ સંવાદનો મુખ્ય ઉદ્દેશ્ય હાલમાં થઈ રહેલા હુમલાઓ વચ્ચે પ્રાદેશિક સ્થિરતા જાળવવાનો અને ત્યાં વસતા અંદાજે 90 લાખ ભારતીય નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો હતો. ભારત માટે પશ્ચિમ એશિયામાં શાંતિ જળવાઈ રહેવી વ્યૂહાત્મક અને માનવીય બંને દૃષ્ટિએ અનિવાર્ય છે.

વડા પ્રધાન મોદીએ સૌથી પહેલા ઓમાનના સુલતાન હૈથમ બિન તારિક સાથે મંત્રણા કરી હતી. વાતચીત દરમિયાન તેમણે ઓમાનની વર્તમાન સુરક્ષા સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી અને ત્યાં સ્થાયી થયેલા ભારતીય સમુદાયના કલ્યાણ વિશે વિગતો મેળવી હતી. ઉલ્લેખનીય છે કે ઓમાનમાં મોટી સંખ્યામાં ભારતીય પ્રોફેશનલ્સ અને કામદારો કાર્યરત છે.

ત્યાર બાદ, પીએમ મોદીએ કુવૈતના ક્રાઉન પ્રિન્સ શેખ સબાહ અલ-ખાલિદ સાથે પણ ચર્ચા કરી હતી. બંને નેતાઓએ સુરક્ષા સહયોગ અને પરસ્પર સમન્વય પર ભાર મૂક્યો હતો, જેથી ક્ષેત્રમાં વધતા તણાવની અસર ભારતીયો પર ન પડે.

કતારના અમીર શેખ તમીમ બિન હમદ અલ થાની સાથેની વાતચીતમાં વડા પ્રધાન મોદીએ કતાર પર થયેલા હુમલાઓની સખત શબ્દોમાં નિંદા કરી હતી. પીએમ મોદીએ કતાર સરકારનો આભાર માન્યો હતો કે તેમણે મુશ્કેલ સમયમાં પણ ભારતીય સમુદાયને પૂરતું સમર્થન અને સુરક્ષા પૂરી પાડી છે. કતારના ઊર્જા અને બાંધકામ ક્ષેત્રમાં ભારતીય નાગરિકોનું યોગદાન ઘણું મોટું છે. વડા પ્રધાન મોદીએ ખાતરી આપી હતી કે ભારત આ સંકટના સમયમાં સંવાદ અને શાંતિ સ્થાપવા માટે તમામ પ્રભાવશાળી દેશોના સંપર્કમાં છે.

48 કલાકમાં 8 દેશના નેતાનો સંપર્ક

ભારતની આ કૂટનીતિક ગતિશીલતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે છેલ્લા 48 કલાકમાં વડાપ્રધાન મોદીએ સંયુક્ત આરબ અમીરાત (UAE), ઈઝરાયેલ, સાઉદી અરેબિયા, જોર્ડન, બહેરિન, ઓમાન, કુવૈત અને કતારના ટોચના નેતાઓ સાથે સીધો સંપર્ક સાધ્યો છે. 

ખાડી દેશોમાં ડ્રોન અને મિસાઈલ હુમલાની વધતી ઘટનાઓ વચ્ચે ભારતની પ્રાથમિકતા પોતાના નાગરિકોને આંચ ન આવે તે જોવાનું છે. વડા પ્રધાન મોદીએ તમામ નેતાઓને અપીલ કરી છે કે આ સંઘર્ષને અટકાવવા માટે મંત્રણા જ એકમાત્ર રસ્તો છે અને ભારત આ માટે દરેક શક્ય સહયોગ આપવા તૈયાર છે.