Sun Jul 26 2026

Logo

જંગની સ્થિતિ વચ્ચે PM મોદીએ નેતન્યાહૂ અને UAE સાથે કરી મહત્વપૂર્ણ વાતચીત; કહ્યું ભારતીયોની સુરક્ષા....

2026-03-02 08:25:00
Author: Devayat Khatana
Article Image

નવી દિલ્હી:  મધ્ય પૂર્વ એશિયા હાલમાં ભીષણ યુદ્ધની ઝપેટમાં છે. ઈઝરાયેલ અને અમેરિકા દ્વારા ઈરાન પર કરવામાં આવેલા હુમલાઓમાં ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનેઇ અને અનેક ટોચના સૈન્ય અધિકારીઓ માર્યા ગયા છે, જેમાં મોટી સંખ્યામાં નિર્દોષ નાગરિકોએ પણ જીવ ગુમાવ્યા છે. આના વળતા જવાબમાં ઈરાને ઈઝરાયેલ, યુએઈ, બહેરીન, કતાર અને કુવૈત જેવા મધ્ય પૂર્વના અનેક દેશો પર આક્રમક મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા છે, જેના કારણે આખા ક્ષેત્રની શાંતિ અને સુરક્ષા જોખમમાં મુકાઈ ગઈ છે.

આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે ટેલિફોનિક વાતચીત કરી છે. પીએમ મોદીએ આ બાબતે સોશિયલ મીડિયા પર માહિતી આપતા જણાવ્યું હતું કે, "વર્તમાન પ્રાદેશિક પરિસ્થિતિ અંગે ચર્ચા કરવા માટે મેં પીએમ બેન્જામિન નેતન્યાહૂ સાથે વાત કરી છે. મેં તાજેતરના ઘટનાક્રમ અંગે ભારતની ચિંતાઓ વ્યક્ત કરી છે અને નાગરિકોની સુરક્ષાને પ્રાથમિકતા આપવા પર ભાર મૂક્યો છે. ભારત દુશ્મનાવટને વહેલી તકે અટકાવવાની જરૂરિયાતનો પુનરોચ્ચાર કરે છે."

 

પશ્ચિમ એશિયામાં ઈરાન દ્વારા કરવામાં આવેલા મિસાઈલ અને ડ્રોન હુમલાઓ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સંયુક્ત આરબ અમીરાત (UAE)ના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. વડાપ્રધાને UAE પર થયેલા હુમલાઓની આકરી નિંદા કરતા તેને 'મુશ્કેલ સમય' ગણાવ્યો હતો અને મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે ભારત UAE સાથે એકજૂથ થઈને ઉભું છે અને આ ક્ષેત્રમાં તણાવ ઘટાડવા, શાંતિ તથા સ્થિરતા જાળવવા માટે પ્રતિબદ્ધ છે.
 

આ સંઘર્ષની અસર ભારતીયો પર પણ પડી રહી છે. UAE સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, શનિવારથી થયેલા ઈરાની હુમલાઓમાં ૧ ભારતીય સહિત અનેક વિદેશી કામદારો ઘાયલ થયા છે, જ્યારે બાંગ્લાદેશ, નેપાળ અને પાકિસ્તાનના ૩ નાગરિકોએ જીવ ગુમાવ્યા છે. વડાપ્રધાન મોદીએ UAEમાં રહેતા વિશાળ ભારતીય સમુદાયની સુરક્ષા અને કાળજી રાખવા બદલ શેખ મોહમ્મદનો આભાર માન્યો હતો. ઉલ્લેખનીય છે કે, UAEમાં લગભગ ૪૦ લાખ ભારતીયો વસે છે અને ભારત માટે તે એક મુખ્ય વેપારી ભાગીદાર છે. PM મોદીએ નેતન્યાહૂ અને UAE સાથે કરી મહત્વપૂર્ણ વાતચીત; કહ્યું ભારતીયોની સુરક્ષા....