Tue Mar 10 2026

Logo

ખામેનેઈની હત્યા પર પીએમ મોદી કેમ મૌન? સોનિયા ગાંધીએ વિદેશ નીતિ સામે છેડ્યો જંગ!

6 days ago
Author: Devayat Khatana
Article Image

નવી દિલ્હી:  ઈઝરાયલ અને અમેરિકાના સંયુક્ત હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી  ખામેનેઈના મોતના મામલે ભારતમાં રાજકીય ગરમાવો આવ્યો છે. કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ મામલે મૌન રહેવા બદલ આકરી ટીકા કરી છે. સોનિયા ગાંધીએ અખબારમાં પ્રકાશિત એક લેખમાં સરકારના મૌનને 'કર્તવ્યહીનતા' ગણાવી છે અને આક્ષેપ કર્યો છે કે આનાથી ભારતની વિદેશ નીતિની દિશા અને વિશ્વસનીયતા પર ગંભીર સવાલો ઉભા થયા છે.

સોનિયા ગાંધીએ પોતાના લેખમાં વિગતવાર જણાવ્યું હતું કે, 1 માર્ચના રોજ ઈરાને પુષ્ટિ કરી હતી કે અમેરિકા અને ઈઝરાયલના ટાર્ગેટેડ હુમલામાં તેમના સર્વોચ્ચ નેતાની હત્યા કરવામાં આવી છે. તેમણે ઉમેર્યું કે, જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે વાતચીત ચાલી રહી હોય ત્યારે કોઈ પદ પર બેઠેલા રાષ્ટ્રાધ્યક્ષની હત્યા એ સમકાલીન આંતરરાષ્ટ્રીય સંબંધોમાં એક ઊંડો ઘા સમાન છે. આ ઘટનાના આંચકા કરતા પણ વધુ ચોંકાવનારી બાબત ભારત સરકારનું મૌન છે, જે કોઈ તટસ્થ વલણ નથી પરંતુ પોતાની જવાબદારીમાંથી પીછેહઠ કરવાનું પ્રતીક છે.

વડાપ્રધાન મોદીના વલણની ટીકા કરતા પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, શરૂઆતમાં વડાપ્રધાને અમેરિકા-ઈઝરાયેલના મોટા હુમલાને નજરઅંદાજ કર્યો હતો. પીએમ મોદીએ માત્ર યુએઈ (UAE) પર ઈરાનના જવાબી હુમલાની નિંદા કરવા સુધી જ પોતાને સીમિત રાખ્યા હતા, પરંતુ તે પહેલાં બનેલી ઘટનાઓ વિશે કંઈ પણ બોલવાનું ટાળ્યું હતું. સોનિયા ગાંધીના મતે, વડાપ્રધાને પાછળથી માત્ર 'ઊંડી ચિંતા' અને 'સંવાદ તથા મુત્સદ્દીગીરી' જેવી સામાન્ય વાતો કરી છે, જે આંતરરાષ્ટ્રીય કાયદાઓના ઉલ્લંઘન સામે સ્પષ્ટ વલણ લેવામાં ભારતની નિષ્ફળતા દર્શાવે છે.

અંતમાં, સોનિયા ગાંધીએ માગણી કરી છે કે જ્યારે બજેટ સત્રના બીજા ભાગ માટે સંસદ ફરી શરૂ થાય, ત્યારે આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાના પતન અને સરકારની આ "પરેશાન કરનારી ચુપકીદી" પર કોઈ પણ બચાવ વગર ખુલ્લી ચર્ચા થવી જોઈએ. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે જ્યારે કોઈ વિદેશી નેતાની લક્ષિત હત્યા પર આપણો દેશ સાર્વભૌમત્વ કે આંતરરાષ્ટ્રીય કાયદાનો સ્પષ્ટ બચાવ નથી કરતો, ત્યારે તે વિશ્વ સ્તરે ખોટો સંદેશ આપે છે.