નવી દિલ્હી: દેશભરમાં પેપર લીકની ઘટનાઓ સામે જંતર-મંતર પર ચાલી રહેલા ઉગ્ર વિરોધ પ્રદર્શનો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોડી રાત્રે એક વિશેષ વીડિયો સંદેશ જારી કરીને કડક કાર્યવાહીનો સંકેત આપ્યો છે. પીએમ મોદીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, "પેપર લીક એ કોઈ સામાન્ય બાબત નથી, તેનાથી લાખો યુવાનો અને તેમના પરિવારજનોને ભારે પીડા થાય છે."
પીએમ મોદીએ કહ્યું કે, તેમણે સંબંધિત વિભાગોને પેપર લીકના કેસોના ત્વરિત નિકાલ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવાનો નિર્દેશ આપ્યો હતો. વિભાગોએ આ અંગેનો ડ્રાફ્ટ તૈયાર કરી દીધો છે. આ પ્રસ્તાવમાં દોષિતો માટે અત્યંત કડક સજાની જોગવાઈ કરવામાં આવી છે, જેના પર શુક્રવારે કેબિનેટ બેઠકમાં ચર્ચા થશે. કેબિનેટની મંજૂરી બાદ સંસદના ચાલુ સત્રમાં જ આ અંગેનું વિધેયક પસાર કરાવવાનો પ્રયાસ કરાશે.
More strict actions against paper leaks to come in tomorrow’s Cabinet! pic.twitter.com/NRysBukk5U
— Narendra Modi (@narendramodi) July 23, 2026
દેશના યુવાનોનું ભવિષ્ય અમારી સર્વોચ્ચ પ્રાથમિકતાઃ પીએમ મોદી
પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર આ વીડિયો પોસ્ટ કર્યો છે. વીડિયોમાં કહ્યું કે, ‘દેશના યુવાનોનું ભવિષ્ય અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. જે કોઈ પણ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમશે તેને કોઈપણ કિંમતે બક્ષવામાં નહીં આવે’. વીડિયોમાં વિદ્યાર્થીઓને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે, ‘મિત્રો, પેપર લીક કોઈ નાની વાત નથી; તે લાખો વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને ભારે તકલીફ આપે છે. તાજેતરની પેપર લીક ઘટનાઓ બાદ સરકારે અનેક પગલાં લીધા છે, અને દોષિતોની ધરપકડ કરીને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે’.
સરકાર ફક્ત આ પગલાંથી સંતુષ્ટ થવાની નથી
વધુમાં તેમણે જણાવ્યું કે, ‘સરકારની પ્રાથમિક જવાબદારી એ સુનિશ્ચિત કરવાની છે કે વિદ્યાર્થીઓનું એક વર્ષ ન બગડે. પરિણામે, લગભગ 22 લાખ વિદ્યાર્થીઓ માટે શક્ય તેટલા ઓછા સમયમાં પરીક્ષાઓ યોજવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. પરીક્ષાના પરિણામો 19મી તારીખે જાહેર કરવામાં આવ્યા હતા, અને દેશભરના સફળ વિદ્યાર્થીઓ તરફથી ખુશીના અહેવાલો આવી રહ્યા છે. સરકાર ફક્ત આ પગલાંથી સંતુષ્ટ થવાની નથી. આ સાથે સંબંધિત વિભાગોને પેપર લીકના કેસોને હેન્ડલ કરવા માટે ફાસ્ટ-ટ્રેક કોર્ટ સ્થાપવા સૂચના આપી હતી. અથાક પ્રયાસો દ્વારા, વિભાગોએ મોડી રાત સુધી ડ્રાફ્ટ તૈયાર કર્યો અને તેમને સુપરત કર્યો છે.