Wed Sep 02 2026

Logo

સંકટ વધ્યુંઃ સરકારે તાબડતોબ બોલાવી CCSની બેઠક, આટલા મુદ્દા પર ચર્ચા થઈ શકે

2026-03-01 20:00:00
Author: Mumbai Samachar Team
સંકટ વધ્યુંઃ સરકારે તાબડતોબ બોલાવી CCSની બેઠક, આટલા મુદ્દા પર ચર્ચા થઈ શકે

નવી દિલ્હીઃ મિડલ ઈસ્ટ એશિયામાં યુદ્ધના સંકટ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેબિનેટ કમિટી ઓફ સિક્યોરિટી એટલે સીસીએસની તાત્કાલિક બેઠક બોલાવી છે. આ બેઠકમાં શક્ય છે કે મધ્ય પૂર્વમાં ઊભા થયેલા સંકટને મુદ્દે ચર્ચા થઈ શકે છે. આ મીટિંગના રાતના દસ વાગ્યાના સુમારે યોજવામાં આવશે.

ઈરાન-ઈઝરાયલ/અમેરિકા વચ્ચેના યુદ્ધ વચ્ચે એવિયેશનથી લઈને ટ્રેડ પર ગંભીર સંકટ ઊભા થયા છે, તેમાંય વળી ભારતના લાખો નાગરિકો ખાડી દેશમાં ફસાયા છે, ત્યારે સરકારને પણ વહેલી તકે સુરક્ષિત પાછા લાવવાની પણ અપીલ કરવામાં આવી છે. મિડલ ઈસ્ટમાં ઊભા થયેલા તણાવને કારણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ બેઠક બોલાવવામાં આવી છે.

હાઈ લેવલ મીટિંગમાં મિડલ ઈસ્ટના વર્તમાન હાલત તથા ભારતીય નાગરિકોની સુરક્ષા અને સુરક્ષિત પાછા લાવવા મુદ્દે ચર્ચા થઈ શકે છે. અન્ય મહ્ત્તવની બાબતમાં એનર્જી સપ્લાય સંભવિત અસર અને ક્ષેત્રીય સ્થિરતા સંબંધિત મુદ્દે ચર્ચા થઈ શકે છે. હાલમાં મધ્ય પૂર્વમાં યુદ્ધને કારણે મિલિટરી ઓપરેશન અને વળતી કાર્યવાહીને કારણે ગ્લોબલ માર્કેટ પર ઊભા થયેલા સંકટ તથા ક્રૂડ ઓઈલના ભાવ પર અસર પડી શકે છે. આ સંજોગોમાં એનર્જી ઈમ્પોર્ટર દેશ માટે પરિસ્થિતિ  પર વધુ ધ્યાન આપવાનું જરુરી છે.

વિદેશમાં ફસાયેલા ભારતીય પર ચર્ચા
સીસીએસ બેઠકમાં સંરક્ષણ, વિદેશ અને ગૃહ મંત્રાલયના સિનિયર અધિકારી ઉપસ્થિત રહેશે. શક્ય છે કે વિવિધ દેશના દૂતાવાસને એલર્ટ રહેવાની સાથે જરુરિયાત ઊભી થઈ તો ભારતીય નાગરિકોને સુરક્ષિત લાવવાની પણ વ્યવસ્થા ઊભી કવરામાં આવશે. હવાઈ માર્ગે નહીં તો દરિયાઈ માર્ગે પણ ભારત લાવવાની પ્રક્રિયા હાથ ધરી શકાય છે. અહીં એ જણાવવાનું કે ભારત પરંપરાગત રીતે સંતુલિત રીતે વ્યૂહાત્મક વલણ અપનાવે છે, તેમાંય વળી સરકારનો પ્રયાસ રહે છે કે વૈશ્વિક ધોરણે શાંતિ અને સ્થિરતા માટે ચર્ચા અને વ્યૂહાત્મક ધોરણે પ્રયાસ કરવામાં આવે, જેથી આજની બેઠકનું વિશેષ મહત્ત્વ આંકવામાં આવી રહ્યું છે.