Sun Apr 26 2026

Logo

પીએમ મોદીની લોકોને અપીલ, કહ્યું વસ્તી ગણતરીમાં સામેલ થવું જવાબદારી

2026-04-26 16:21:35
Author: Chandrakant Kanoja
Article Image

નવી દિલ્હી: પીએમ મોદીએ આજે મન કી બાત કાર્યક્રમમાં અનેક મુદ્દાઓ સાથે મહત્વના એવા વસ્તી ગણતરીના મુદ્દે પણ લોકોને અપીલ કરી હતી. તેમણે કહ્યું કે વર્ષ 2027માં દેશ માટે મહત્વનું એવું વસ્તી ગણતરી અભિયાન શરૂ થવાનું છે. તેમજ આ માત્ર એક સરકારી કવાયત નથી પરંતુ દરેક નાગરિકની જવાબદારી છે.તેમણે લોકોને આશ્વસત કર્યા કે તેમના દ્વારા આપવામાં આવતી માહિતી સંપૂર્ણપણે સુરક્ષિત અને ગુપ્ત રહેશે. 

1.2 કરોડ પરિવારો માટે ઘરની યાદી બનાવવાનું કામ પૂર્ણ

પીએમ મોદીએ જણાવ્યું હતું કે જે રાજ્યોમાં 'સ્વ-ગણતરી' પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે.ત્યાં 'ઘરની યાદી' બનાવવાનું કામ પણ શરૂ થઈ ગયું છે. અત્યાર સુધીમાં  1.2 કરોડ પરિવારો માટે ઘરની યાદી બનાવવાનું કામ પૂર્ણ થઈ ગયું છે. તેમણે ઉમેર્યું હતું કે આ વખતે વસ્તી ગણતરીમાં ભાગ લેવાનું  વધુ સરળ બનાવવામાં આવ્યું છે. તેમણે નોંધ્યું હતું કે લોકો વિગતો જાતે દાખલ કરી શકશે. 

ભારતે પવન ઊર્જા ક્ષેત્રે એક મોટું સીમાચિહ્ન હાંસલ કર્યું 

આ ઉપરાંત પીએમ મોદીએ જણાવ્યું કે, ભારતે પવન ઊર્જા ક્ષેત્રે એક મોટું સીમાચિહ્ન હાંસલ કર્યું છે. દેશની કુલ પવન ઊર્જા ઉત્પાદન ક્ષમતા હવે 56-ગીગાવોટ ના આંકને વટાવી ગઈ છે.તેમણે વીજળી બચાવવા અને સ્વચ્છ ઊર્જા અપનાવવાના મહત્વ પર ભાર મૂક્યો. તેમણે ભારતના વિકાસ માટે સૌર અને પવન ઊર્જાને આવશ્યક ગણાવી. પીએમ મોદીએ ભવિષ્યની સુરક્ષા માટે સૌર અને પવન ઊર્જાના વિકાસને મહત્વપૂર્ણ ગણાવ્યો.

પરમાણુ વૈજ્ઞાનિકોએ એક મોટી સિદ્ધિ હાંસલ કરી 

પીએમ મોદીએ દેશના પરમાણુ વૈજ્ઞાનિકોએ એક મોટી સિદ્ધિ અંગે પણ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે  પરમાણુ વૈજ્ઞાનિકોએ  ભારતની પ્રતિષ્ઠામાં વધારો કર્યો છે. તમિલનાડુના કલ્પક્કમ ખાતે ફાસ્ટ બ્રીડર રિએક્ટરે મહત્વપૂર્ણ સિદ્ધિ મેળવી છે. આ  પરમાણુ રિએક્ટર સંપૂર્ણપણે સ્વદેશી ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું છે.

હાલમાં વૈશ્વિક તણાવમાં બુદ્ધના ઉપદેશો વધુ મહત્વપૂર્ણ

આ ઉપરાંત મન કી બાતમાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે ભગવાન ગૌતમ બુદ્ધનું જીવન અને સંદેશ આજે પણ એટલો જ સુસંગત છે. તેમણે આપણને શીખવ્યું કે શાંતિ આપણામાંથી શરૂ થાય છે અને તેમણે દર્શાવ્યું કે પોતાના પર વિજય એ સૌથી મોટી જીત છે. હાલમાં વિશ્વ જે તણાવ અને સંઘર્ષોનો સામનો કરી રહ્યું છે તેને ધ્યાનમાં રાખીને, બુદ્ધના ઉપદેશો વધુ મહત્વપૂર્ણ બન્યા છે.

પીએમ મોદીએ નોંધ્યું હતું કે દક્ષિણ અમેરિકાના ચિલીમાં એક સંગઠન ભગવાન બુદ્ધના ઉપદેશોનો સક્રિયપણે પ્રચાર કરી રહ્યું છે. આ કાર્ય લદ્દાખમાં જન્મેલા ડ્રુબ્બોન ઓત્ઝર રિનપોચેના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ સંગઠન લોકોના જીવનમાં ધ્યાન અને કરુણાને એકીકૃત કરવા માટે કાર્ય કરી રહ્યું છે.

વાંસ ક્ષેત્રમાં ઉત્તર-પૂર્વે મેળવેલી સફળતાથી શીખવું જોઈએ

મન કી બાતમાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે, વર્ષ 2017 માં કાયદામાં સુધારો કરીને અમે વાંસને 'વૃક્ષો' ની શ્રેણીમાંથી દૂર કર્યો હતો. જેમાં લીધે  સમગ્ર ઉત્તર-પૂર્વમાં વાંસ ક્ષેત્ર ખીલી રહ્યું છે. પીએમ મોદીએ ટિપ્પણી કરી હતી કે ઉત્તર-પૂર્વ આપણા બધા માટે 'અષ્ટલક્ષ્મી' સમાન છે. દેશના લોકોએ  વાંસ ક્ષેત્રમાં ઉત્તર-પૂર્વે મેળવેલી સફળતા વિશે શીખવું જોઈએ.