Mon Oct 05 2026

Logo

PM ગતિ શક્તિ પોર્ટલથી MSME વિકાસને મળશે નવો વેગ

2026-09-17 10:11:00
Author: Mumbai Samachar Team
PM ગતિ શક્તિ પોર્ટલથી MSME વિકાસને મળશે નવો વેગ

ગાંધીનગર: કેન્દ્ર સરકારના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયની ‘રૅઇઝિંગ એન્ડ એક્સેલરેટિંગ એમએસએમઈ પરફોર્મન્સ’ (RAMP) યોજના અંતર્ગત ગુજરાત સરકારના MSME કમિશનરેટ દ્વારા ‘PM ગતિ શક્તિ પોર્ટલ સાથે મેન્યુફેક્ચરિંગ MSMEનું મેપિંગ’ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવી રહ્યો છે. 

આ પ્રોજેક્ટ અંતર્ગત ‘ઉદ્યોગ પોર્ટલ’ પર નોંધાયેલા મેન્યુફેક્ચરિંગ MSME એકમોનું GIS આધારિત જિયો-ટેગિંગ અને મેપિંગ કરવામાં આવશે. આ કામગીરી માટે ગુજરાત ઈન્ફો પેટ્રો લિમિટેડ (GIPL)ને જવાબદારી સોંપવામાં આવી છે.

પ્રોજેક્ટના ભાગરૂપે GIPLના અધિકૃત પ્રતિનિધિઓ દ્વારા MSME એકમોની મુલાકાત લેવામાં આવશે. આ મુલાકાત દરમિયાન એકમોનું જિયો-ટેગિંગ કરવા ઉપરાંત જરૂરી માહિતીનું એકત્રીકરણ અને ચકાસણી કરવામાં આવશે. રાજ્યના તમામ MSME એકમોને GIPLના અધિકૃત પ્રતિનિધિઓને જરૂરી સહકાર આપવા તેમજ મેપિંગ માટે જરૂરી માહિતી ઉપલબ્ધ કરાવવા વિનંતી કરવામાં આવી છે.

GIS આધારિત આ મેપિંગથી રાજ્યના MSME એકમો અંગેનો સંકલિત અને સુવ્યવસ્થિત ડેટાબેઝ તૈયાર કરવામાં મદદ મળશે. આ ડેટાના આધારે રાજ્યમાં માળખાકીય સુવિધાઓના આયોજન, નીતિ ઘડતર અને વિવિધ યોજનાઓના વધુ અસરકારક અમલીકરણમાં ઉપયોગી માહિતી ઉપલબ્ધ થશે.

આ ઉપરાંત, MSME ક્ષેત્રના એકમો અંગેનો ડેટા PM ગતિ શક્તિ પોર્ટલ સાથે સંકલિત થવાથી ડેટા આધારિત આયોજન અને નિર્ણય પ્રક્રિયાને વધુ સુદૃઢ બનાવી શકાશે. GIS આધારિત મેપિંગ દ્વારા MSME એકમોના સ્થાન અને સંબંધિત વિગતોને વધુ વ્યવસ્થિત રીતે ઉપલબ્ધ કરાવી શકાશે, જેનાથી MSME ક્ષેત્રને જરૂરિયાત આધારિત સહાય અને સુવિધાઓ પહોંચાડવામાં પણ મદદ મળશે.

રાજ્યના MSME ક્ષેત્રના વિકાસ માટે ડેટા આધારિત આયોજન અને નિર્ણય પ્રક્રિયાને વધુ અસરકારક બનાવવાની દિશામાં આ પ્રોજેક્ટ મહત્વપૂર્ણ બની રહેશે. આ પ્રોજેક્ટના સફળ અમલીકરણ માટે રાજ્યના તમામ સંબંધિત MSME એકમો અને ઉદ્યોગ સંગઠનોને GIPL તથા તેના અધિકૃત પ્રતિનિધિઓને સંપૂર્ણ સહકાર આપવા તેમજ જરૂરી માહિતી ઉપલબ્ધ કરાવવા MSME કમિશનરની કચેરીની યાદીમાં જણાવાયું છે.