Tue Sep 08 2026

Logo

પત્ની ને પ્રેરણામૂર્તિ?

2026-09-06 08:17:15
Author: Vinod Bhatt
પત્ની ને પ્રેરણામૂર્તિ?

વિનોદ ભટ્ટ

હમણાં જ ક્યાંક વાંચ્યું કે પત્નીને જશ આપવાની બાબતમાં લેખકો તદ્દન નગુણા હોય છે. આ વાંચીને એક લેખક લેખે નહીં, પણ એક કલમઘસુ હોવાના નામે અમારું માથું શરમથી ઝૂકી ગયું, પણ ધડ પરથી નીચે પડી ના ગયું, કદાચ ધડે તેને પડવા ન દીધું એટલા પૂરતું આશ્ર્વાસન લઈ શકાયું.

ડેન બ્રાઉન નામના લેખકે બીજા એક લેખકના પુસ્તકમાંથી ‘વર્ડ બૅંક રૉબરી’ કરી, ઉઠાંતરી કરી, પકડાઈ ગયો ત્યારે તેણે કૉર્ટમાં પોતાનો બચાવ કરતાં તેની પત્ની બ્લિથને ઢાલ તરીકે ધરી દેતાં તેણે કહી દીધું કે ‘મારું કામ તો માત્ર પુસ્તક લખવાનું જ છે, 
બાકી એને માટેની સામગ્રી ભેગી કરવાનું, ખાંખાંખોળા કરી સંદર્ભ વગેરે તારવવાનું કામ મારી પત્નીએ કર્યું હતું, એટલે તેણે શેમાંથી શું ઊંચક્યું એની ખબર મને કેવી રીતે પડે? એટલે આ પુસ્તક અંગેનો અપજશ લેવા જેવું કામ કોઈએ કર્યું હોય તો એ કામની કર્તા મારી બેટર હાફ કે બિટર હાફ, જે ગણો તે એ છે, હું નહીં. અરે, મેં તો મારી વિદુષી પત્નીનો મારા આ પુસ્તકમાં આભાર માનતાં લખ્યું પણ છે કે તેની મદદ વગર આ પુસ્તક ન થયું હોત.’

આ ડેન બ્રાઉન શબ્દાર્થમાં નસીબદાર છે. એ પોતે આમ તો ઘોડાઓનો જોકી છે અને લેખનનો અનુભવ પણ તેને ઘોડાની રેસનો અહેવાલ છાપામાં લખવા જેટલો જ છે. ભણતરમાં તે ઊઠાં સુધીય ભણ્યો નહીં હોય, છતાં તેનાં પુસ્તકો ગરમાગરમ પફની પેઠે વેચાય છે, બેસ્ટ-સેલર્સ છે. તેની પત્ની મૅરી સ્કૉલર છે, માસ્ટર ડિગ્રી ધરાવે છે. પરદેશમાં આ સુખ ખરું. મુરતિયા સામે જ જોવામાં આવે છે, તે કેટલું ભણ્યો છે એ બાબત છોકરીઓ ખાસ ખણખોદ કરતી નથી. આપણે ત્યાં હમણાં-હમણાંનું વાજું બગડયું છે. હજી થોડા દિવસ પહેલાંની વાત છે. એક વરરાજા જાન જોડીને પરણવા ગયો. લગ્નમંડપમાં જ ક્ધયાએ તેને પહેલા ધોરણમાં ભણતા છોકરાને પુછાય એવો ગણિતનો દાખલો પૂછ્યો કે ‘બોલો, સત્તરમાં છ ઉમેરીએ તો કેટલા થાય? સત્તરમાં છ ઉમેરતાં તું કહીશ એટલા થઈ જશે, મારામાં એટલી ત્રેવડ તો છે.’ પરંતુ પરણવા આવેલ આ છોકરો સવાલ સાંભળીને ગભરાઈ ગયો, જવાબ ન આપી શક્યો, ગણિતમાં નાપાસ થયો ને ક્ધયાએ રિજેક્ટ કર્યો. પરિણામે તેને પરણ્યા વગર લીલા તોરણે પાછા ફરવું પડ્યું. જ્યારે આપણે વરઘોડાના નહીં, પણ ઘોડાઓના જોકી ડેન બ્રાઉનની વાત કરીએ તો એને તો ભાગ્યશાળીનાં ભૂત રળે એવું છે. તેની સ્ત્રી ભલે કદાચ પતિને સુધારી શકતી નહીં હોય, ક્ધિતુ તેના અંગ્રેજી સ્પેલિંગ્સ અને વાક્યરચનાઓને સુધારી આપે છે. શક્ય છે કે વરનાં આખેઆખાં પુસ્તકો ભૂતિયા લેખક બનીને તે લખી આપતી હશે. પણ એ બાપડીને ઘોસ્ટ રાઇટિંગના પુરસ્કાર પેટે શું મળ્યું? જશને માથે જૂતાં જેવું જ થયું ને! તફડંચીનો આરોપ તેના પર આવ્યો.

હવે આપણા લેખકોની વાત. આપણા ભારતીય લેખકો આવી બાબતમાં સાવ કાઢી નાખવા જેવા નથી. ઉદાહરણ તરીકે, વ્યાકરણનો ભાષ્યકાર વાચસ્પતિ મિશ્ર. તે પાણિનિના અષ્ટાધ્યાયી વ્યાકરણ ટીકા લખી રહ્યો હતો. ત્યારે તેની પત્ની ભામતી તેને લખવામાં સહેજ પણ ખલેલ ન પહોંચે એ રીતે સમયસર ભોજનાદિ આપતી ને આથમતી સાંજે તેના ઓરડામાં દીવો કરી જતી. વર્ષો સુધી એ સ્ત્રીએ અથાકપણે એ ક્રમ જાળવ્યો. આ પરથી લાગે છે કે એ જમાનામાં ટેક્સ્ટબૂકની ગાઇડો લખનાર જ નહીં, વ્યાકરણ લખનારને આર્થિક સ્થિતિ પણ સધ્ધર હશે. (બાઇ ધ વે, આ વખતે વ્યાકરણ નહીં આવડવાથી દસમા ધોરણની વાર્ષિક પરિક્ષામાં ગુજરાતી વિષયમાં કુલ એક લાખ એકસઠ હજારથીય વધુ વિદ્યાર્થીઓ નાપાસ થયા.) હા, ચોક્કસ સધ્ધર હશે. તો જ તે વર્ષો સુધી ઘરમાં બેસીને લખી શક્યો હશે.

અને એક દિવસ એવું બન્યું કે એ નારી - ભામતી દીવો લઈને વ્યાકરણકારના ઓરડામાં આવતી હતી ત્યારે તેના કંગનના રણકારથી ધ્યાનભંગ થયેલ તે પુરુષે એ સ્ત્રીને આશ્ર્ચર્યથી પૂછયું કે ‘આપ કોણ છો?’ ભામતીની જગ્યાએ અન્ય કોઈ માથાફરેલ સ્ત્રી હોય તો એ જ ક્ષણે જીભ કચરીને મરી જાત, અથવા તો કોઈ નારીસંરક્ષક સંસ્થાનાં બારણાં ખખડાવત. આવી અવહેલના! પણ એ સ્ત્રી ખાનદાન હતી. તેને કદાચ પેલા રાજા દુષ્યન્ત અને શકુન્તલાનો કિસ્સો યાદ આવી ગયો હશે. પોતાની પત્નીને ભૂલી જવામાં પુરુષોને અનેરો આનંદ આવતો હોય છે એ પણ તેને યાદ આવી ગયું હશે. એ પુરુષને આનંદ-સમાધિમાંથી હાર્ડ ફૅક્ટ - વાસ્તવમાં ખેંચી લાવવા ભામતીએ ધીરજથી માહિતી આપી કે ‘આજ દિન સુધી જેનો ભાર મેં તમને જણાવા દીધો નથી એ હું તમારી ભાર્યા છું.’ મારું નામ ભામતી છે અને તમારું નામ વાચસ્પતિ મિશ્ર. ગ્રંથ લખવામાં તમે એવા તો ખોવાઈ ગયા હતા કે તમે સંસાર માંડ્યો છે એનું પણ તમને ભાન ન હતું. લો, આ જુઓ આપણું મૅરેજ સર્ટિફિકેટ. કહીને પેલા હૈયાસૂનાને કદાચ લગ્નનું પ્રમાણપત્ર પણ બતાવ્યું હશે, જે જોઈ વાચસ્પતિની વાચા હરાઈ ગઈ હોય એમ પણ બને. એ પણ શક્ય છે કે પોતાની પત્નીથી પ્રભાવિત થયેલ તે પહેલો પુરુષ હોય. એ જ ક્ષણે પત્નીને પ્રસન્ન કરવા તેણે ઘોષણા કરી દીધી કે ‘હે આર્યા! તારા ત્યાગની હું કદર કરું છું ને અત્યારે હું જે લખી રહ્યો છું એ ગ્રંથ ‘ભામતી-ટીકા’ તને જ અર્પણ કરું છું. તેને તારા નામ સાથે જોડું છું. (તેના કૉપીરાઈટ પણ તારા જ રહેશે, પ્રકાશકના નહીં.)’ આમ તેની પત્ની તેના પુસ્તક જોડે જોડાઈ ગઈ. ભામતી નામની આ નારી કદાચ પહેલી જ પત્ની હશે, જેને પોતાના પતિના પુસ્તકનું અર્પણ મળ્યું હશે.

વાલ્મીકિએ રામાયણ રચ્યું, પરંતુ પૂર્વાશ્રમના પોતાની લૂંટફાટના ધંધામાં તેમના પરિવારનાં સભ્યો ફક્ત ને ફક્ત નફામાં જ ભાગીદાર રહેવા માગે છે, નુકસાનમાં નહીં, એની જાણ થતાં જ પોતાનું વાલિયો નામ, ધંધો વગેરે આટોપી લઈ, કુટુંબ સાથે કિટ્ટા કરી વાલ્મીકિ બનવા જંગલમાં ચાલ્યા ગયેલા એટલે રામાયણ જેવો ગ્રંથ પત્નીને અર્પણ કરવાની વાત તો બાજુએ રહી, તેને કદાચ બતાવ્યો પણ નહીં હોય.

લખાયેલ પુસ્તકની અર્પણવિધિની પ્રથા કેટલી પુરાણી છે એની ખબર નથી. કવિ કાલિદાસ તેનું એકાદ નાટક પેલી ગણિકા કે જેને ત્યાં તેનું ખૂન થયાનું કહેવાય છે તેને અર્પણ કર્યું હશે કે કેમ એની માહિતી એક પણ સંસ્કૃત ગ્રંથમાંથી મળી આવતી નથી. પત્ની અહીં વચ્ચે ક્યાંથી આવવાની!
*
આપણે ત્યાં પત્નીથી અંજાવાનો લેખકોમાં પહેલેથી રિવાજ નથી. આપણા નવલકથાકાર કનૈયાલાલ મુનશી પણ તેમનાં પ્રથમ પત્ની અતિલક્ષ્મીથી જરા પણ અંજાયા નહોતા. પોતાની આત્મકથામાં અતિલક્ષ્મી માટે મુનશીએ નોંધ્યું છે : ‘હું શું અને કેવું લખું છું એમાં તેને રસ નહોતો, પણ મારા ખડિયામાંની સહી ઓછી થાય ત્યારે તે ઉત્સાહથી ખડિયો સહીથી ભરી દેતી.’ એ જમાનામાં મુનશીએ ખુમારીવાળાં ને મારફાડ સ્ત્રીપાત્રો રચેલાં, પણ પત્ની લેખે એવું સ્ત્રીપાત્ર પામી શક્યા નહોતા. નવ વર્ષનાં અતિલક્ષ્મીને પરણવા તેઓ મનથી તૈયાર ન હતા, પણ સગાઈ થઈ ગઈ હતી એટલે પિતાશ્રી આગળ વિરોધ કરી શકેલા નહીં, એટલે આ અભણ સ્ત્રી જોડે તેમને પરણવું પડેલું. મુનશીની ઝંખના એવી કે પત્ની સાથે બેસીને કેન્ટ કે સ્પેન્સર વાંચી શકે અને અંગ્રેજીમાં પ્રેમવિવાદ કરી શકે એવી છોકરીને પરણવું, પણ તેમના મનની મનમાં જ રહી ગઈ. (બાઇ ધ વે, મુનશીનું અંગ્રેજી પણ ખાસ વખાણવા જેવું નહોતું જેની કબૂલાત તેમણે આપકથામાં કરી છે.)

બીજા એક વાર્તાકાર-નવલકથાકાર હતા, જેઓ બે દસકા પહેલાં જ સદ્ગત થયા છે એટલે તેમનો નામોલ્લેખ નથી કરતો. તેઓ ઘણા લોકપ્રિય હતા. એક વાર મને તેઓ ફરિયાદ કરતા હતા : ‘મારા હજારો ચાહકો છો, પણ મારી પત્ની જ મારું કશું વાંચતી નથી, અભણ છે. જો કે મારી કોઈ વાર્તા છપાયાના પુરસ્કારનો મનીઓર્ડર આવે ત્યારે તે ઉત્સાહથી અંગૂઠો પાડીને એ રૂપિયા લઈ લે છે.’ આને વિનોદ ટ્રેજેડી કહું કે કૉમેડી એની ખબર પડતી નથી. ખરી વાત છે. એક સમય આવી પત્નીને પુસ્તક અર્પણ કરવામાં આવે તો એથી પતિ કે પત્નીને શો ફેર પડવાનો!

અલબત્ત, વાચસ્પતિ મિશ્રમાંથી પ્રેરણા લઈને કેટલાક સર્જકોએ ગંભીર યા અ-ગંભીરપણે પોતાની પત્નીને જ પુસ્તક અર્પણ કર્યાં છે. ઉ. ત., એક જાણીતું અર્પણ: ‘મારી પત્નીને, જેની ગેરહાજરી વગર હું આ પુસ્તક લખી શક્યો ન હોત.’ મારી વાત કરું તો મેં પણ મારી પત્ની નલિનીને મારું એક પુસ્તક અર્પણ કરતાં લખ્યું છે : ‘પ્રિય નલિનીને... જેની એક પણ સલાહ - તેને પરણવા સુધીની પણ મેં અવગણી નથી...’

તો એક લેખકે પત્નીને બદલે પોતાના વહાલા કૂતરાને પુસ્તક અર્પણ કર્યું છે. આ અર્પણમાં તેણે શું લખ્યું છે એની ખબર નથી, પણ થાય છે કે અર્પણમાં તેણે આવું કશુંક લખવું જોઈતું હતું : ‘વિલિને ઍટ લીસ્ટ તેને તો ખબર છે કે પોતાના માલિક સામે ક્યારેય ન ભસાય - ભૂંડા લાગીએ.’

પત્ની પર ઘણા લેખકોએ હાસ્ય-વ્યંગ-લેખો લખ્યા છે. પણ કોઈ કવિએ તેનાં હયાત પત્ની પર ગંભીરપણે કવિતા કરી હોવાનું મારા ગળે ઝટ ઊતરતું નથી. મારા પરિચિત પાંચ-સાત કવિઓને પણ આ અંગે મેં પૂછયું છે. એ બધાનું નિખાલસપણે કહેવું એટલું જ છે કે પત્ની ક્યારેય પ્રેરણામૂર્તિ થઈ શકતી નથી. ધારો કે કોઈ કવિ માલતી નામની તેની પત્ની પર કવિતા લખતો હોય તો પણ એ લખતી વેળાએ તેના મગજ કે હૃદય મધ્યે કોઈ બીજી જ માલતી હોય છે.

કવિ નર્મદ તો સુધારક હતો અને તેનું સ્ત્રીદાક્ષિણ્ય પણ એ સમયના યુવાનોમાં ઈર્ષ્યાપ્રેરક હતું. પત્નીઓ સિવાયની ઘણી સ્ત્રીઓને તે ચાહતો. રિસાય ત્યારે કવિતા થકી મનાવી પણ લેતો. તો પણ કવિતામાં તો શું, પુસ્તકના અર્પણમાંય ઝિલાવાનું સદ્ભાગ્ય નર્મદની બેમાંની એક પણ સ્ત્રીના નસીબમાં નહોતું.

તો કવિ દલપતરામે ત્રણ-ત્રણ લગ્નો કર્યાં હતાં, છતાં પોતાની ત્રણ પૈકી એકાદ  પત્ની માટે તેમણે ખીજમાં પણ કોઈ જોડકણું રચ્યું નથી. કવિના મનને કોણ પામી શક્યું છે!