Tue Sep 22 2026

Logo

કુટુંબ: એક ડાળના પંખી

2026-09-06 10:07:24
Author: Jui Parth
કુટુંબ: એક ડાળના પંખી

જૂઈ પાર્થ

ઓહ, આ કોઈ  સિરિયલ  કુટુંબની વાત નથી, જે સમાજ વ્યવસ્થામાં આપણે રહીએ છીએ એ કુટુંબ-પરિવારની  વાત છે.

કુટુંબ- પરિવાર- ફૅમિલી આ બધા જ શબ્દોમાં એક લાગણી છે. પરિવાર, જ્યાં નિ:સ્વાર્થ પ્રેમ, હૂંફ, સ્વીકૃતિ, આવકાર, અવકાશ, સહયોગ, સંસ્કાર, માન, ગૌરવ મળે છે, મતભેદ થાય છે, પણ મનભેદ નહીં. કોઈવાર વિચાર આવે છે કે આ કુટુંબ વ્યવસ્થાનો વિચાર કોને આવ્યો હશે?! માતા-પિતા, ભાઈ-બહેન, સાસુ-સસરા, દીકરા- વહુ, દીકરી-જમાઈ આ બધાં જ એક પરિવારના સૌથી નજીકના સભ્યો કહેવાય. સહેજ દૂરનું કુટુંબ જોઈએ તો તેમાં મામા-માસી, ફોઈ-કાકા વગેરે સંબંધોનો સમાવેશ થાય. 

કુટુંબ એક સામાજિક વ્યવસ્થા હોવાનાં કારણે સામાજિક વિજ્ઞાન એટલે કે સોશ્યલ સાયન્સનો વિષય બની જાય છે, જેમાં જુદાં-જુદાં સોશ્યોલૉજિસ્ટ સંશોધનો કરી પોતપોતાના સિદ્ધાંતો અને મંતવ્યો રજૂ કરે છે.

ભારતનાં બહુ જાણીતાં પ્રથમ મહિલા સોશ્યોલૉજિસ્ટ ઈરાવતી કર્વે કુટુંબને તેના કાર્ય મુજબ બે વિભાગમાં વહેંચે છે-આવશ્યક કાર્ય અને અનાવશ્યક કાર્ય.

 એ ઘર હોવું, જાતીય સંતોષ, બાળકોને જન્મ આપવો, બાળ ઉછેર, દરેક સભ્યની માનસિક જરૂરિયાત સંતોષવી વગેરેને આવશ્યક કાર્ય ગણાવે છે. જ્યારે સામાજિક-ધાર્મિક-સાંસ્કૃતિક કાર્ય વગેરેને અનાઆવશ્યક કે વૈકલ્પિક કાર્યો કહે છે. જ્યૉર્જ બર્નાર્ડ શો કહે છે :  અ વફાાુ રફળશહુ શત બીિં ફક્ષ યફહિશયિ વયફદયક્ષ. અર્થાત્ એક સુખી પરિવાર એ સ્વર્ગ પ્રવેશ પહેલાંનો સમય છે. જગતભરની પ્રજા પોતપોતાની રીતે પરિવારને ખૂબ મહત્ત્વ આપે છે. આમેય કુટુંબ રંગસૂત્રોના આધારે નથી બનતું, તે બને છે અને સિંચાય છે પ્રેમ. આમ પ્રેમ, વફાદારી, સત્યવચન અને નિષ્ઠાથી કુટુંબનું ભવિષ્ય ઉજ્વળ બને છે.

કુટુંબને બે પ્રકારમાં વહેંચી શકાય. સંયુક્ત કુંટુંબ અને વિભક્ત કુટુંબ. સંયુક્ત કુટુંબ એટલે એવો પરિવાર કે જેમાં એક કે તેનાથી વધુ પેઢીઓ એકસાથે એક ઘરમાં રહે છે. દાદા-દાદી, દીકરો-વહુ, પૌત્ર-પૌત્રી કે પછી બે ભાઈનાં પરિવાર એકસાથે એક છત નીચે રહે છે. વિભક્ત કુટુંબ એટલે જેમાં પતિ પત્ની અને બાળકો એકસાથે રહે છે. ભારતીય સંસ્કૃતિમાં રાજા રજવાડા કે તેનાં કરતાં પણ પહેલાંના સમયથી સંયુક્ત કુટુંબ વ્યવસ્થા વધુ પ્રચલિત છે. જ્યારે પશ્ર્ચિમના દેશોમાં વિભક્ત કુટુંબો વધુ જોવા મળે છે. પહેલાંના સમયમાં એક ઘરમાં પરિવારના 10-15 સભ્ય એકસાથે એક જ ઘરમાં રહે તે સામાન્ય હતું. સમય જતાં લોકોની માનસિકતા બદલાઈ, ધીરજ અને સહન શક્તિ ખૂટ્યાં, કામથી અલગ શહેરમાં જવાનું થયું, મોંઘવારી વધી, ક્યાંક ને ક્યાંક લોકોના મન પણ ટૂંકાં થયાં, કૌટુંબિક ભાવના ઘટી, ભેગા રહેવાનો મોહ ઓછો થયો અને ખભેથી જવાબદારીઓનો બોજ ઓછો થયો. આને માત્ર પાશ્ર્ચાત્ય સંસ્કૃતિની આડ અસર તો ના જ કહી શકાય, કારણ કે બન્ને પ્રકારનાં કુટુંબના ફાયદા અને ગેર ફાયદા હોય છે.

સંયુક્ત કુટુંબમાં હૂંફ છે, પરિવારનું કોઈ ને કોઈ સદસ્ય સતત સાથે છે માટે એકલતા નથી અનુભવાતી, કામ અને જવાબદારીઓ વહેંચાઈ જાય છે, બાળકોમાં સંસ્કારનું સિંચન કરવા બે પેઢી હોય છે, સંસ્કારની સાથે નવી પેઢી સંસ્કૃતિ, પરંપરા અને રિવાજો વગેરે પણ સહેલાઈથી શીખી જાય છે. ઘરના વડીલ ઘરની મુખ્ય વ્યક્તિ, વહીવટ પણ એ જ કરે અને આર્થિક તેમજ સામાજિક નિર્ણયો પણ એ જ લે. તો સામે વિભક્ત કુટુંબમાં વૈચારિક સ્વતંત્રતા છે, નિર્ણયની દિશા એક જ છે, ઘરના વહીવટો ઓછા છે, જવાબદારીઓ અને અપેક્ષાઓ ઓછી છે, પણ બેમાંથી કોઈ વ્યવસ્થા સારી એ તોલવું મુશ્કેલ છે.

કહે છે ને કે ઘર હોય ત્યાં વાસણ તો ખખડે, જેમ કુટુંબ મોટું એમ જવાબદારીઓ વધુ, કામ વધુ, એકમેકનાં મન પારખવાં ને લાગણી સાચવવી વગેરે. ઘરના  વડીલે  લીધેલો નિર્ણય દરેકને ન ગમે અને માન્ય ના પણ હોય. આમ અજાણતા કોઈનું ને કોઈનું તો મન ખાટું થતું જ હોય. કોઈ તેને સ્વીકારી શકે તો કોઈ ન સ્વીકારી શકે. આમ ભોગ બંને પક્ષને આપવો પડતો હોય છે. આમાં વાંક નથી સંસ્કારનો હોતો કે નથી સંસ્કૃતિનો હોતો. સમય બદલાય તેની સાથે રહેણી કરણી, કૌટુંબિક ભાવના, માનસિકતા અને પ્રથા બદલાવવાની જ. માટે કયા પ્રકારનું કુટુંબ સારુંં તે મત બાંધવો અઘરો છે.

કુટુંબીજનો સાથે સારા સંબંધ હોવા એ વધુ મહત્ત્વનું છે. સંયુક્ત કે વિભક્ત એ મુદ્દો ગૌણ છે. અલગ રહેવા છતાં જો પિતા કે ભાઈ અડધી રાત્રે તમારી પડખે ઊભા હોય એ વધુ અગત્યનું છે. બીજી બાજુ એક જ ઘરમાં રહી અબોલા રાખતા હોય તો તેનાથી વધુ કરુણતા કોઈ નથી. માનવ સંબંધો બહુ નાજુક હોય છે. પરિવારને જેટલો પ્રેમ આપો તેનાથી સવાયો મળવાની ગૅરંટી હોય છે. પરિવાર એક એવી સંસ્થા છે જે આપણા સુખે સુખી અને દુ:ખે દુ:ખી છે. માટે ઈશ્વરે જેને પણ સારું ઘર કુટુંબ આપ્યું હોય તેના માટે એનો હૃદયપૂર્વક આભાર માનવો જ રહે છે. આ વિશે બોલો, તમે શું કહો છો?