Tue Sep 08 2026

Logo

ભારતીય સંસ્કૃતિ વત્તા અંતરિક્ષ એટલે... પ્રાચીન વેધશાળાઓથી લઈને અનંત અંતરિક્ષ સુધીની અવિરત યાત્રા

2026-09-06 10:12:00
Author: Bharat Mehta
ભારતીય સંસ્કૃતિ વત્તા અંતરિક્ષ એટલે... પ્રાચીન વેધશાળાઓથી લઈને અનંત અંતરિક્ષ સુધીની અવિરત યાત્રા

ભરત મહેતા

 અનંત વિસ્તરેલું નીલવર્ણી આકાશ માનવજાત માટે સદાય એક અકળ વિસ્મય રહ્યું છે. ક્ષિતિજ પાર ટમટમતા અગણિત તારાઓ અને બદલાતી ઋતુઓ સાથે બદલાતાં નક્ષત્રોને જોઈને માનવીએ પોતાના અસ્તિત્વનાં મૂળ શોધવાનો સનાતન પ્રયાસ કર્યો છે. વિશ્વની અન્ય સભ્યતાઓ માટે અવકાશ કદાચ માત્ર ભૌતિક પદાર્થો, વાયુઓ કે શૂન્યતાનો સમૂહ રહ્યો હશે; પરંતુ ભારતીય ચિંતન પરંપરામાં આકાશ ક્યારેય માત્ર ‘ખાલી જગ્યા’ નહોતું. તે પંચમહાભૂતનું પ્રથમ, અતિ સૂક્ષ્મ અને સર્વવ્યાપી તત્ત્વ છે, જેમાં સમગ્ર સૃષ્ટિનો અનાહત નાદ, શબ્દ અને ચેતના સમાયેલા છે. ઋગ્વેદના ઋષિઓના ધ્યાનાવસ્થામાં સ્ફુરેલા વૈદિક મંત્રોથી લઈને આજે શ્રીહરિકોટાના પ્રક્ષેપણ મંચ પર ગર્જના કરતા રોકેટો સુધીની ભારતની આ યાત્રા માત્ર કોઈ ટેક્નોલોજીકલ પ્રગતિ નથી, પરંતુ આપણી હજારો વર્ષ જૂની દાર્શનિક અને વૈજ્ઞાનિક ચેતનાનો અવિરત પ્રવાહ છે.

નાસદીય સૂક્ત: વૈજ્ઞાનિક જિજ્ઞાસાનું પ્રથમ પ્રસ્થાનબિંદુ: ભારતીય સંસ્કૃતિમાં અવકાશ સંશોધનની શરૂઆત કોઈ અત્યાધુનિક લેબોરેટરીમાં નહીં, પરંતુ પ્રકૃતિ સાથેના અતૂટ તાદાત્મ્ય અને ગહન આત્મમંથનમાંથી થઈ હતી. ઋગ્વેદનું પ્રસિદ્ધ ‘નાસદીય સૂક્ત’ બ્રહ્માંડના સર્જન અને રહસ્યો અંગે જે પ્રશ્નો ઉઠાવે છે, તે આજે પણ આધુનિક કોસ્મોલોજીના વૈજ્ઞાનિકોને સ્તબ્ધ કરી મૂકે છે. ‘ત્યારે સત્ પણ નહોતું અને અસત્ પણ નહોતું... અંધકારમાંથી આ સૃષ્ટિનું સર્જન કઈ રીતે થયું? કોણ જાણે છે?’ આવા નિખાલસ દાર્શનિક પ્રશ્નો પૂછવાની નિર્ભયતા એ જ ભારતની વૈજ્ઞાનિક જિજ્ઞાસાનું પ્રથમ પ્રસ્થાનબિંદુ હતું.

આર્યભટ્ટ - પ્રાચીન ખગોળશાસ્ત્રની ક્રાંતિ: પ્રાચીન ભારતમાં ખગોળશાસ્ત્ર માત્ર ધાર્મિક માન્યતાઓ કે કર્મકાંડ પૂરતું સીમિત નહોતું; તે ગણિત, ભૂમિતિ અને પ્રત્યક્ષ વેધ પર આધારિત એક અત્યંત વિકસિત વિજ્ઞાન હતું. વેદાંગ જ્યોતિષથી શરૂ થયેલી આ પરંપરા ગુપ્ત યુગમાં તેની ચરમસીમાએ પહોંચી. પાંચમી સદીમાં માત્ર ત્રેવીસ વર્ષની વયે મહાન ગણિતશાસ્ત્રી અને ખગોળવિદ આર્યભટે ‘આર્યભટીય’ ગ્રંથ રચીને વિશ્વને ચોંકાવી દીધું હતું. તેમણે નિર્ભયપણે ઘોષણા કરી કે પૃથ્વી ગોળ છે અને તે પોતાની ધરી પર ભ્રમણ કરે છે, જેના કારણે દિવસ-રાત થાય છે. સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ રાહુ-કેતુ નામના કોઈ કાલ્પનિક રાક્ષસના ગળવાથી નહીં, પરંતુ પૃથ્વી અને ચંદ્રના એકબીજા પર પડતા પડછાયાને કારણે થાય છે. આવાં વૈજ્ઞાનિક સત્ય તેમણે પશ્ર્ચિમી જગત જાગૃત થયું તે પહેલાં સદીઓ અગાઉ સાબિત કર્યું હતું.

ગુરુત્વાકર્ષણથી કાળગણના: આ પરંપરાને વરાહમિહિર, બ્રહ્મગુપ્ત અને પાછળથી ભાસ્કરાચાર્ય જેવા ઋષિતુલ્ય વિજ્ઞાનીઓએ આગળ ધપાવી. ભાસ્કરાચાર્યે તેમના ‘સિદ્ધાંત શિરોમણી’ ગ્રંથમાં પૃથ્વીની આકર્ષણ શક્તિ વિશે લખ્યું હતું, જેને તેમણે ‘ધારણાત્મિકા શક્તિ’ કહી, જે ન્યૂટનના ગુરુત્વાકર્ષણ નિયમની પ્રાચીન વૈજ્ઞાનિક સમજ હતી. સમયના સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભાગ ‘ત્રુટિ’થી લઈને બ્રહ્માંડના આયુષ્યની ગણતરી કરતી ‘મહાયુગ’ અને ‘કલ્પ’ જેવી સમયરેખાઓ ભારતીય ગણિતજ્ઞોની અસાધારણ બુદ્ધિમત્તા દર્શાવે છે.

જંતર મંતર: પથ્થર પર કોતરાયેલી ખગોળીય કવિતા: સમય બદલાયો છતાં ભારતની આકાશી શોધ ધીમી ન પડી. મધ્યકાળમાં જયપુરના ખગોળપ્રેમી મહારાજા સવાઈ જયસિંહે દિલ્હી, જયપુર, ઉજ્જૈન, વારાણસી અને મથુરા ખાતે સ્થાપેલી જંતરમંતર વેધશાળાઓ પથ્થર પર કોતરેલી ગણિતની અદ્ભુત કવિતા સમાન છે. ટેલિસ્કોપના વ્યાપક ઉપયોગ પહેલાં માત્ર ભૌમિતિક રચનાઓ, સમ્રાટ યંત્ર અને જયપ્રકાશ યંત્ર જેવાં સાધનો દ્વારા સૂર્યની સ્થિતિ, ગ્રહોનું ભ્રમણ અને સમયની સેક્ધડોની ચોકસાઈ માપવાની આ પદ્ધતિ સ્થાપત્ય અને વિજ્ઞાનનો બેજોડ સમન્વય હતી.

ડો. સારાભાઈનું વિઝનસામાન્ય માનવીના ઉત્થાન માટે અવકાશ વિજ્ઞાન: ગુલામીના લાંબા અને અંધકારમય કાળખંડ બાદ સ્વતંત્ર ભારતે જ્યારે પુનર્નિર્માણ શરૂ કર્યું ત્યારે દેશ ગરીબી અને ભૂખમરા સામે લડી રહ્યો હતો. આવા વિષમ સંજોગોમાં પણ આકાશી સપનાં જોવાની હિંમત ડો. વિક્રમ સારાભાઈ અને ડો. હોમી ભાભા જેવા દીર્ઘદૃષ્ટાઓએ દાખવી. ડો. સારાભાઈએ સ્પષ્ટ દૃષ્ટિકોણ આપ્યો હતો કે ભારતે અન્ય વિકસિત દેશો સાથે માત્ર પ્રતિષ્ઠા કે હરીફાઈ માટે અવકાશમાં નથી જવું, પરંતુ સમાજના છેવાડાના માનવીના જીવનમાં ગુણાત્મક પરિવર્તન લાવવા માટે આ ટેક્નોલોજીનો ઉપયોગ કરવો છે.

થુમ્બાના ચર્ચથી શરૂ થયેલી અપ્રતિમ સ્પેસ યાત્રા: કેરલમ્ના થુમ્બાના દરિયાકિનારે આવેલા એક નાનકડા સેન્ટ મેરી મેગ્ડલીન ચર્ચમાંથી ભારતીય અવકાશ યુગનું મંગળાચરણ થયું. સાઈકલ પર રોકેટના ભાગો અને બળદગાડા પર સેટેલાઇટ મૂકીને કરેલી એ નમ્ર શરૂઆત વિશ્વ માટે આશ્ર્ચર્યનો વિષય હતી. 1975માં ભારતે પોતાના પ્રથમ ઉપગ્રહનું નામ ‘આર્યભટ્ટ’ રાખીને પોતાની પ્રાચીન જ્ઞાન-વિરાસતને આધુનિક રોકેટ વિજ્ઞાન સાથે સન્માનપૂર્વક જોડી દીધી. ઇસરોના વિજ્ઞાનીઓએ સંસાધનોના અભાવ વચ્ચે પણ અપ્રતિમ નિષ્ઠાથી ક્રાયોજેનિક એન્જિન, પીએસએલવી (ઙજકટ) અને જીએસએલવી (ૠજકટ) જેવા પ્રક્ષેપણ વાહનો સ્વદેશી રીતે વિકસાવીને ભારતને સ્વાવલંબી બનાવ્યું.

ઇસરોનો સુવર્ણ યુગ: મંગળયાનથી ચંદ્રયાન-3 ની ઐતિહાસિક સિદ્ધિ: આજે એકવીસમી સદીમાં ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઈંજછઘ)ની ગણના વિશ્વની ટોચની અવકાશ એજન્સીઓમાં થાય છે. પ્રથમ જ પ્રયાસમાં મંગળની કક્ષામાં સફળતાપૂર્વક પહોંચનાર ‘માર્સ ઓર્બિટર મિશન’ (મંગળયાન), ચંદ્રના દુર્ગમ અને અણદીઠા દક્ષિણ ધ્રુવ નજીક તિરંગો લહેરાવનાર ‘ચંદ્રયાન-3’ નું અદ્ભુત સોફ્ટ લેન્ડિંગ અને સૂર્યના પ્રચંડ તાપ વચ્ચે રહસ્યો ઉકેલવા મોકલાયેલું ‘આદિત્ય-ક1’ મિશન, ઈત્યાદિ સિદ્ધિઓએ વૈશ્વિક સ્તરે ભારતની વૈજ્ઞાનિક ક્ષમતાનો ડંકો વગાડ્યો છે. ચંદ્રયાન-3 ના લેન્ડિંગ પોઇન્ટને અપાયેલું ‘શિવશક્તિ’ નામ એ પ્રાચીન આધ્યાત્મિક સંકલ્પ અને આધુનિક વૈજ્ઞાનિક પુરુષાર્થનું પ્રતીકાત્મક ઐક્ય છે.

‘યત્ પિંડે તત્ બ્રહ્માંડે’: વિશ્વ કલ્યાણ ને સેવાભાવનો પથ: ભારતીય સંસ્કૃતિનો મૂળભૂત ઉપનિષદિક મંત્ર રહ્યો છે: ‘યત્ પિંડે તત્ બ્રહ્માંડે’ જે સૂક્ષ્મ શરીરમાં છે તે જ આ વિરાટ બ્રહ્માંડમાં છે. ભારતે અવકાશને ક્યારેય શસ્ત્રો મૂકવાનો કે કોઈ સામ્રાજ્યવાદી વિજય મેળવવાનો વિસ્તાર નથી માન્યો, પરંતુ સમગ્ર ‘વસુધૈવ કુટુંબકમ્’ ના કલ્યાણ માટે જાણવાનું અને તેની સાથે સામંજસ્ય સાધવાનું ક્ષેત્ર માન્યું છે. આપણી સેટેલાઇટ ટેક્નોલોજી આજે દેશના સામાન્ય ખેડૂતને હવામાનની આગાહી આપે છે, 
માછીમારોને દરિયામાં સલામતી બક્ષે છે અને ટેલિકોમ્યુનિકેશનથી દેશના ખૂણે-ખૂણાને જોડે છે.

ગગનયાન - ભારતીય અંતરિક્ષ સ્ટેશન વૈદિક ઋષિઓનાં સપનાંની સાકારતા:આજે જ્યારે ભારત ’ગગનયાન’ મિશન દ્વારા ભારતીય અવકાશયાત્રીઓને સ્પેસમાં મોકલવા, પોતાનું સ્પેસ સ્ટેશન સ્થાપવા અને ઊંડા અવકાશના અન્વેષણ તરફ મક્કમ ડગ માંડી રહ્યું છે ત્યારે આ યાત્રા કોઈ એક સંસ્થા પૂરતી સીમિત નથી. તે વેદકાલીન ઋષિઓની એ જિજ્ઞાસાની સાતત્યપૂર્ણ ફળશ્રુતિ છે જેણે આકાશ તરફ જોઈને પૂછ્યું હતું કે ‘આપણે કોણ છીએ?’ પ્રાચીન ઋષિઓની તપોભૂમિ અને આધુનિક વૈજ્ઞાનિકોની કર્મભૂમિ જ્યારે એક બિંદુ પર એકાકાર થાય છે ત્યારે ભારતની આ અવકાશ યાત્રા સમગ્ર વિશ્વ માટે સંયમ, શાંતિ અને કલ્યાણકારી વિજ્ઞાનનો દીવાદાંડીરૂપ માર્ગ બની રહે છે.