Mon Oct 05 2026

Logo

ભુજ પાસપોર્ટ કેન્દ્રની મદદે આવી 'પાસપોર્ટ સેવા વેન': અરજદારોને 2 મહિનાના વેઈટિંગમાંથી મુક્તિ

2026-08-06 11:07:00
Author: Mumbai Samachar Team
ભુજ પાસપોર્ટ કેન્દ્રની મદદે આવી 'પાસપોર્ટ સેવા વેન': અરજદારોને 2 મહિનાના વેઈટિંગમાંથી મુક્તિ

ભુજઃ કચ્છ જિલ્લામાંથી વિદેશમાં વસવાટ કરતા એનઆરઆઈ , નોકરી-ધંધાર્થે જતા નાગરિકો તેમજ પ્રવાસન ક્ષેત્રે વધેલા ક્રેઝના કારણે પાસપોર્ટ મેળવનારાઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જિલ્લા મથક ભુજ ખાતે આવેલી પાસપોર્ટ કચેરીમાં કામગીરીનું ભારણ ઓછું કરવા અને અરજદારોના કામ ઝડપથી થાય તે હેતુથી વડી કચેરી દ્વારા તમામ આધુનિક સાધનોથી સજ્જ 'પાસપોર્ટ સેવા વેન' ભુજ ખાતે મોકલવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ભુજ મુખ્ય પોસ્ટ ઓફિસ સંકુલમાં કાર્યરત પાસપોર્ટ સેવા કેન્દ્રમાં દૈનિક ધોરણે નવા પાસપોર્ટ તથા રિન્યૂઅલ સંબંધિત આશરે ૮૮ જેટલી ફાઈલો પર કામગીરી કરવામાં આવે છે. અરજીઓની પ્રચંડ સંખ્યાના કારણે હાલમાં ઓનલાઈન એપોઈન્ટમેન્ટ મેળવવા માટે અરજદારોને બે-બે મહિના જેટલો લાંબો રાહ જોવાનો સમય (વેઈટિંગ પીરિયડ) મળતો હતો. જેથી પ્રજાજનોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી.

અરજદારોની આ મુશ્કેલીને ધ્યાને રાખીને પાસપોર્ટ વિભાગની વડી કચેરી દ્વારા ભુજ કેન્દ્ર ખાતે વિશેષ 'પાસપોર્ટ સેવા વેન' ફાળવવામાં આવી છે. આ વેન તમામ જરૂરી ઈલેક્ટ્રોનિક સાધનો અને સુવિધાઓથી સજ્જ હોવાથી હવે પાસપોર્ટ સંબંધિત ફાઈલોના નિકાલમાં નોંધપાત્ર ઝડપ આવશે. આ સેવા કાર્યરત થતાંની સાથે જ પાસપોર્ટ ઈચ્છુક કચ્છના નાગરિકોને વહેલી તકે એપોઈન્ટમેન્ટ મળી રહેશે અને રાહ જોવાની મુદતમાં મોટો ઘટાડો થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.


(ઉત્સવ વૈદ્ય)