Fri Jun 19 2026

Logo

કચ્છમાં પવનની ગતિ વધતાં તાપમાનમાં આંશિક ઘટાડો: શનિ-રવિ ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદની સંભાવના

2026-05-29 10:13:00
Author: Mumbai Samachar Team
Article Image

ભુજઃ રણપ્રદેશ કચ્છમાં લાંબા સમયથી પડી રહેલી અસહ્ય ગરમી વચ્ચે પવનની ગતિ વધતાં જનજીવને ગરમીથી આંશિક રાહત અનુભવી છે. જિલ્લામાં મહત્તમ તાપમાનનો પારો થોડો નીચે ઉતરતાં તડકાની તીવ્રતા ઘટી હતી, પરંતુ હવામાં ભેજનું પ્રમાણ વધવાના કારણે બપોરના સમયે ભારે બફારો અને ઉકળાટ વર્તાયો હતો. જો કે, સાંજ પડતાં જ વાતાવરણમાં પ્રસરેલી ઠંડકે લોકોને મોટી રાહત આપી હતી.

હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી શનિ અને રવિવારે કચ્છ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે કલાકના ૪૦ કિલોમીટરની ઝડપે તેજ પવન ફૂંકાવાની પણ સંભાવના છે. કંડલા એરપોર્ટ પર પારો ૪૦ ડિગ્રી નોંધાયો હતો, જ્યારે તે સિવાય સૂરજબારીથી લઈને સરહદી વિસ્તારો સુધી તાપમાન ૪૦ ડિગ્રીથી નીચે રહ્યું હતું. જિલ્લા મથક ભુજમાં તાપમાન ૩૭.૮ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યાં કલાકના ૧૦ કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા પવને ગરમીની અસર ઓછી કરી હતી. 

બીજી તરફ, સીમાવર્તી રાપર અને ખાવડા પંથકમાં ૩૯ ડિગ્રી તાપમાન સાથે બપોરે સીમાવર્તી ગામડાઓમાં સીધો તડકો વર્તાયો હતો. લાંબા સમયથી આકરા ઉનાળાથી અકળાયેલા કચ્છી માડુઓ હવે ચોમાસાના આગમનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

(ઉત્સવ વૈદ્ય)