Sun Sep 13 2026

Logo

ટ્રેડિશન અને મોર્ડન લાઈફસ્ટાઈલનું મિશ્રણ: જુઓ પરિણીતી-રાઘવના ઘરની અંદરની ઝલક

2026-04-08 16:13:00
Author: Mumbai Samachar Team
ટ્રેડિશન અને મોર્ડન લાઈફસ્ટાઈલનું મિશ્રણ: જુઓ પરિણીતી-રાઘવના ઘરની અંદરની ઝલક

નવી દિલ્હી: ફિલ્મી દુનિયાની સુંદર અભિનેત્રી પરિણીતી ચોપરા અને રાજનીતિના યુવા ચહેરા રાઘવ ચઢ્ઢાની જોડી ચાહકોમાં ખૂબ જ લોકપ્રિય છે. લગ્ન બાદ આ કપલ દિલ્હીના ન્યૂ રાજેન્દ્ર નગર સ્થિત એક ભવ્ય બંગલામાં રહે છે. આ ઘર માત્ર ઈંટો અને પથ્થરોનું બનેલું માળખું નથી, પરંતુ તેમાં ભારતીય પરંપરા અને અંગત યાદોનો સુંદર સંગમ જોવા મળે છે. ખાસ કરીને તાજેતરમાં તેમના પુત્ર 'નીર'ના આગમન બાદ આ ઘરની સુંદરતા અને રોનકમાં ઓર વધારો થયો છે.

રાઘવ ચઢ્ઢાના આ ઘરની સૌથી મોટી વિશેષતા તેમાં રહેલી એન્ટીક ચીજવસ્તુઓ છે. રાઘવના પિતા ભારતીય સંસ્કૃતિ અને જૂની અમૂલ્ય વસ્તુઓના શોખીન છે, જેની ઝલક ડાઇનિંગ એરિયામાં સ્પષ્ટ દેખાય છે. અહીં રાખવામાં આવેલા હાથી અને સિંહના સ્ટેચ્યુ તેમજ ગ્રીન કલરના ટેબલ-ચેર સેટ ઘરને વિન્ટેજ લુક આપે છે. આખું ઘર વ્હાઇટ થીમ પર આધારિત હોવાથી અહીં આવતાની સાથે જ શાંતિનો અનુભવ થાય છે. ઘરના દરેક ખૂણે ઈન્ડોર અને આઉટડોર પ્લાન્ટ્સ રાખવામાં આવ્યા છે, જે પ્રકૃતિ સાથેનો લગાવ દર્શાવે છે.

રાઘવ ચઢ્ઢાએ પોતાની ઓફિસ બનાવવા માટે એક ગેરેજનો ઉપયોગ કર્યો છે. તેને ગેરેજને એક કોઝી ઓફિસમાં ફેરવ્યુ છે. આ ઓફિસમાં સીએ (CA) ના અભ્યાસ માટેની અસંખ્ય પુસ્તકો અને એક ચાહક દ્વારા ભેટમાં આપવામાં આવેલી મહાત્મા ગાંધીની હસ્તનિર્મિત મૂર્તિ આકર્ષણનું કેન્દ્ર છે. ઘરના પ્રવેશદ્વાર પાસે એક વિન્ટેજ ઝૂલો અને રોકિંગ ચેર રાખવામાં આવી છે. એક ઇન્ટરવ્યુ દરમિયાન રાઘવે જણાવ્યું હતું કે, આ ઝૂલો પરિણીતીની ફેવરિટ જગ્યા છે અને તે અવારનવાર ત્યાં બેસવાનું પસંદ કરે છે.

પરિણીતી અને રાઘવે તેમના પુત્ર નીર માટે એક અત્યંત સુંદર નર્સરી તૈયાર કરી છે, જેને તેઓ ઘરનું 'હૃદય' માને છે. પરિણીતી આ રૂમને ક્લાસિક અને વિન્ટેજ લુક આપવા માંગતી હતી, તેથી અહીં સોફ્ટ અને સૂથિંગ કલર્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રૂમની બારીઓ પર પારદર્શક પડદા લગાવાયા છે જેથી કુદરતી પ્રકાશ અને બહારનો નજારો જોઈ શકાય. આ નર્સરીમાં વિન્ટેજ કારના પેઇન્ટિંગ્સ પણ લગાવવામાં આવ્યા છે, જે આખા રૂમના એસ્થેટિક લુકને કમ્પ્લીટ કરે છે.