Tue Aug 25 2026

Logo

ભુજ: પાલારા જેલની સુરક્ષામાં ફરી ગાબડું, ગટરની કુંડી પાસેથી બે મોબાઈલ જપ્ત

2026-03-13 14:02:00
Author: Mumbai Samachar Team
ભુજ: પાલારા જેલની સુરક્ષામાં ફરી ગાબડું, ગટરની કુંડી પાસેથી બે મોબાઈલ જપ્ત

ભુજઃ કચ્છની હાઈ-સિક્યોરિટી ઝોન ગણાતી ભુજની પાલારા ખાસ જેલ ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવી છે. જેલ પ્રશાસનની સુરક્ષા વ્યવસ્થાને પડકાર ફેંકતા આ કિસ્સામાં, અમદાવાદની ઝડતી સ્ક્વોડે દરોડા પાડીને જેલ પરિસરમાંથી બે મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. વારંવાર મોબાઈલ મળી આવવાની ઘટનાઓએ જેલની આંતરિક સુરક્ષા અને નિરીક્ષણ પ્રણાલી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, અમદાવાદથી આવેલી જેલ ઝડતી સ્ક્વોડના જેલર દેવશી રમણલાલ કરંગિયા અને તેમની ટુકડીએ ગત સાંજે પાલારા જેલમાં ઓચિંતું ચેકિંગ હાથ ધર્યું હતું. આ તપાસ દરમિયાન જેલના દવાખાના વિભાગ પાસે શંકાસ્પદ હલચલ જણાતા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી હતી. ઇ.સી.જી. રૂમની પાછળ, બારીની નીચે આવેલી ગટરની કુંડી પાસે જમીનમાં ખાડો કરી, પ્લાસ્ટિકમાં વ્યવસ્થિત રીતે વીંટીને છુપાવેલા બે સેમસંગ કંપનીના મોબાઈલ હેન્ડસેટ મળી આવ્યા હતા. 

આ મોબાઈલ કોના દ્વારા અને કયા હેતુસર વાપરવામાં આવતા હતા તે હજુ સુધી જાણી શકાયું નથી. ઝડતી ટીમે આ બિનવારસુ મોબાઈલ કબજે કરી બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે પ્રિઝન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ફોન કોના સંપર્કમાં હતા અને તેમાં કઈ વિગતો છે તે જાણવા માટે બંને હેન્ડસેટને ફિંગરપ્રિન્ટ અને સાયબર પૃથક્કરણ માટે મોકલી આપવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ભુજ-ખાવડા માર્ગ પરની પાલારા જેલમાંથી પ્રતિબંધિત વસ્તુઓ મળી આવવી એ હવે જાણે સામાન્ય બાબત બની ગઈ હોય તેમ લાગે છે. અગાઉ પણ અનેકવાર અહીંથી મોબાઈલ મળી આવ્યા છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે અત્યાર સુધી એક પણ કિસ્સામાં આ ફોન જેલની અંદર પહોંચાડનાર 'માસ્ટરમાઈન્ડ' કે તેના ચોક્કસ ઉપયોગકર્તા સુધી પોલીસ પહોંચી શકી નથી. શું આમાં જેલના જ કોઈ કર્મચારીની મિલીભગત છે કે પછી સુરક્ષામાં કોઈ મોટી ખામી છે, તે તપાસનો વિષય છે.

(ઉત્સવ વૈદ્ય)

કચ્છની હાઈ-સિક્યોરિટી ઝોન ગણાતી ભુજની પાલારા ખાસ જેલ ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવી છે. જેલ પ્રશાસનની સુરક્ષા વ્યવસ્થાને પડકાર ફેંકતા આ કિસ્સામાં, અમદાવાદની ઝડતી સ્ક્વોડે દરોડા પાડીને જેલ પરિસરમાંથી બે મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. વારંવાર મોબાઈલ મળી આવવાની ઘટનાઓએ જેલની આંતરિક સુરક્ષા અને નિરીક્ષણ પ્રણાલી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.