પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેના સંબંધો ફરી એકવાર ગંભીર વળાંક પર આવી ગયા છે. છેલ્લા કેટલાક સમયથી બંને દેશો વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ હવે ખુલ્લા સંઘર્ષમાં ફેરવાઈ હોય તેવું જણાય છે. પાકિસ્તાને અફઘાનિસ્તાનના કંધાર વિસ્તારમાં સર્જિકલ એરસ્ટ્રાઈક કરીને તાલીબાન સાથે જોડાયેલા સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે. આ સૈન્ય કાર્યવાહી બાદ દક્ષિણ એશિયાના આ વિસ્તારમાં સુરક્ષાને લઈને ચિંતાઓ વધી ગઈ છે અને રાજદ્વારી સ્તરે ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે.
પાકિસ્તાની સત્તાધીશોના જણાવ્યા અનુસાર, આ એરસ્ટ્રાઈક તાજેતરમાં પાકિસ્તાનના વિવિધ શહેરો પર થયેલા ડ્રોન હુમલાના પ્રત્યુત્તરમાં કરવામાં આવી છે. પાકિસ્તાની સેનાનો દાવો છે કે છેલ્લા કેટલાક દિવસોમાં અનેક શંકાસ્પદ ડ્રોન પાકિસ્તાની સરહદમાં ઘૂસ્યા હતા. જોકે, મોટાભાગના ડ્રોનને સમયસર તોડી પાડવામાં આવ્યા હતા, પરંતુ તેના મલબાને કારણે જનજીવનને નુકસાન પહોંચ્યું છે. ક્વેટામાં ડ્રોનનો કાટમાળ પડવાથી બે નિર્દોષ બાળકો ઘાયલ થયા હોવાના અહેવાલ પણ મળ્યા હતા છે, જ્યારે કોહાટ અને રાવલપિંડીમાં પણ છૂટાછવાયા નુકસાનના સમાચાર સામે આવ્યા છે.
આ અણધારી ડ્રોન પ્રવૃત્તિઓને પગલે પાકિસ્તાન સરકારે કડક વલણ અપનાવ્યું છે. પાકિસ્તાની નેતૃત્વએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે નાગરિકો અને સુરક્ષા સંસ્થાઓ પર હુમલો એ 'રેડ લાઈન' ઓળંગવા સમાન છે. આ ઘટનાક્રમ એટલો ગંભીર હતો કે સાવચેતીના ભાગરૂપે ઇસ્લામાબાદની આસપાસનું હવાઈ ક્ષેત્ર (Airspace) પણ થોડા સમય માટે બંધ કરી દેવામાં આવ્યું હતું. પાકિસ્તાનનો સીધો આરોપ છે કે આ ડ્રોન હુમલાનું કાવતરું કંધારમાં આવેલા તાલીબાનના ઠેકાણાઓ પરથી ઘડવામાં આવ્યું હતું.
મીડિયા અહેવાલ મુજબ, પાકિસ્તાની વાયુસેનાએ કંધારમાં ખાસ કરીને એવા સ્થળોને નિશાન બનાવ્યા છે જ્યાં હથિયારોનો સંગ્રહ અને તકનીકી સાધનો રાખવામાં આવ્યા હતા. માનવામાં આવે છે કે આ ઠેકાણાઓનો ઉપયોગ તાલીબાન સમર્થિત લડાયકો પાકિસ્તાન વિરુદ્ધ ગતિવિધિઓ કરવા માટે કરતા હતા. જોકે, આ એરસ્ટ્રાઈક બાદ કાબુલ (અફઘાનિસ્તાન) તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા કે જાનહાનિના આંકડા જાહેર કરવામાં આવ્યા નથી. આ ઓપરેશન બાદ બંને દેશો વચ્ચેના વેપારી અને રાજદ્વારી સંબંધો વધુ વણસે તેવી પૂરેપૂરી શક્યતા છે.