Sun Jul 05 2026

Logo

છોટાઉદેપુર : ઓરસંગના પુલમાં પડ્યું ગાબડું, એનએચ-56ની ધમધમતી જીવાદોરી થંભી ગઈ

2026-07-04 17:08:19
Author: Pooja Shah
Article Image

અમદાવાદઃ વરસાદી મોસમ વચ્ચે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નજીક આવેલી ઓરસંગ નદીના પુલ પર અચાનક પડેલા મોટા ગાબડાએ સમગ્ર પંથકને ચિંતામાં મૂકી દીધો છે. પુલના છેવાડે સર્જાયેલી આ ગંભીર સ્થિતિને પગલે સુરક્ષાને સર્વોપરી માનતા તંત્રએ તાત્કાલિક અસરથી તમામ પ્રકારના વાહનવ્યવહાર પર પ્રતિબંધ મૂકી દીધો હતો. પરિણામે સતત ધમધમતો નેશનલ હાઇવે નં. 56 પળવારમાં જાણે નિર્જન બની ગયો અને હજારો વાહનચાલકો રસ્તા વચ્ચે જ અટવાઈ પડ્યા હોવાના અહેવાલો પ્રાત્ત થયા છે. 

ઓરસંગનો આ પુલ ગુજરાતને મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન સાથે જોડતી જીવનરેખા સમાન કડી છે. રોજબરોજ હજારો નાના-મોટા વાહનો આ માર્ગ પરથી પસાર થાય છે. પરંતુ ગાબડું પડતાં જ વાહનવ્યવહારના પૈડાં થંભી ગયા અને હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી.  આ પુલનું મહત્વ માત્ર આંતરરાજ્ય પરિવહન પૂરતું મર્યાદિત નથી. બોડેલી પંથકના 100થી વધુ ગામો માટે આ બ્રિજ રોજિંદા જીવનની ધબકતી નસ સમાન છે.


દૂધ લઈને શહેર તરફ દોડતા ખેડૂતો, શાકભાજી વેચવા નીકળેલા વેપારીઓ, શિક્ષણ માટે શાળા-કોલેજે જતા વિદ્યાર્થીઓ અને રોજીરોટી માટે આવનજાવન કરતા હજારો લોકો માટે આ માર્ગ જ મુખ્ય આધાર છે. પુલ બંધ થતાં સમગ્ર વિસ્તારનું જનજીવન જાણે થંભી ગયું હોય તેવું દૃશ્ય સર્જાયું હતું. 


વાહનવ્યવહાર બંધ થતાં અનેક લોકો મજબૂરીમાં જીવના જોખમે પગપાળા પુલ પાર કરી રહ્યા છે. એક બાજુ વરસાદી મોસમ અને બીજી બાજુ પુલની જોખમી હાલત લોકોના મનમાં ભય અને અસુરક્ષાની લાગણી ઉભી કરી રહી છે. દરેક નજર હવે તંત્ર તરફ મંડાઈ છે કે ક્યારે પુલનું સમારકામ પૂર્ણ થશે અને ફરી એકવાર આ ધમધમતી જીવનરેખા પર વાહનવ્યવહાર પૂર્વવત્ શરૂ થશે.