Sat Sep 05 2026

Logo

"હવે આપણે એવી ચિપ બનાવીશું જેનાથી આખી દુનિયા ચાલે છે": સાણંદમાં PM મોદીએ દેશના ત્રીજા સેમિકન્ડક્ટર પ્લાન્ટનું કર્યું ઉદ્ઘાટન

2026-07-04 19:01:09
Author: Devayat Khatana
"હવે આપણે એવી ચિપ બનાવીશું જેનાથી આખી દુનિયા ચાલે છે": સાણંદમાં PM મોદીએ દેશના ત્રીજા સેમિકન્ડક્ટર પ્લાન્ટનું કર્યું ઉદ્ઘાટન

ChatGTP Ai Generated Image


સાણંદ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે અને આજે તેમણે સાણંદમાં દેશના ત્રીજા સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે. સાણંદ સ્થિત સીજી સેમી (CG Semi) ના ઓએસએટી (OSAT) પ્લાન્ટમાં આજથી જ ઉત્પાદન પણ શરૂ થઈ ગયું છે. આ ઐતિહાસિક અવસરે પીએમ મોદીએ જણાવ્યું હતું કે, આ પ્લાન્ટમાં શરૂઆતમાં દર વર્ષે 20 કરોડ ચિપ્સનું ઉત્પાદન કરવામાં આવશે, જ્યારે ભવિષ્યમાં અહીં પ્રતિ વર્ષ 500 કરોડ ચિપ બનાવવાના વિશાળ લક્ષ્યાંકને હાંસલ કરવાની નેમ રાખવામાં આવી છે.

વડાપ્રધાને ભારતની ગ્રોથ સ્ટોરી પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, આજે ભારત દુનિયાનો બીજો સૌથી મોટો મોબાઈલ ઉત્પાદક અને નિકાસકાર દેશ બની ગયો છે. હવે આપણે માત્ર મોબાઈલ અને ઈલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સ પૂરતા સીમિત નહીં રહીએ, પરંતુ તે ચિપ પણ બનાવીશું જેનાથી આખી દુનિયા ચાલે છે.

આ ઉપરાંત, પીએમ મોદીએ 20 વર્ષ જૂના એક પ્રસંગને યાદ કરતા તત્કાલીન કેન્દ્ર સરકાર પર કટાક્ષ પણ કર્યો હતો. તેમણે કહ્યું કે, 20 વર્ષ પહેલાં મેં ગુજરાતમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ લગાવવા માટે સંપૂર્ણ પ્લાનિંગ કર્યું હતું. તે સમયે કેન્દ્ર સરકાર મોટા નિવેદનો આપી રહી હતી અને ઘણી કંપનીઓ પણ રસ દાખવીને આવી હતી, પરંતુ ખબર નહીં તે સમયે કેન્દ્ર સરકારને શું થઈ ગયું કે તેમના પગમાં બેડીઓ પડી ગઈ અને વાત આગળ જ વધી શકી નહોતી." પરંતુ હવે આ પ્લાન્ટ શરૂ થતાં ભારતનું સેમિકન્ડક્ટર હબ બનવાનું સપનું સાકાર થઈ રહ્યું છે.

આ ઉદ્ઘાટન પ્રસંગે કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી પ્રધાન અશ્વિની વૈષ્ણવે સંબોધન કરતાં જણાવ્યું હતું કે, આ પ્લાન્ટમાં મુખ્યત્વે ઓટોમોટિવ અને ઔદ્યોગિક ક્ષેત્રો માટે ચિપ્સનું ઉત્પાદન કરવામાં આવશે. તેમણે વધુમાં ઉમેર્યું કે, આ ફેસિલિટીમાં બનતી ચિપ્સનો ઉપયોગ કાર, સ્કૂટર અને વિવિધ ઔદ્યોગિક કામગીરીઓમાં થશે. સૌથી નોંધપાત્ર વાત એ છે કે અહીં બનેલી 'મેડ ઇન ઇન્ડિયા' ચિપ્સ જાપાન, અમેરિકા અને યુરોપ જેવા વિકસિત દેશોમાં નિકાસ કરવામાં આવશે, જેનાથી ભારતીય ટેકનોલોજીને વૈશ્વિક સ્તરે નામના મળશે.