Fri Jul 24 2026

Logo

ઉત્તર ગુજરાતમાં મેઘતાંડવ: રાધનપુરમાં 9 ઇંચ વરસાદ, MLA લવિંગજીના ઘરે પાણી ભરાયા

2026-07-24 15:04:00
Author: Mayur Patel
Article Image

અમદાવાદઃ મેઘરાજાએ આજે ઉત્તર ગુજરાતને બાનમાં લીધું છે.  રાધનપુરમાં 9 ઇંચ, ભાભરમાં 7 ઇંચ વરસાદ ખાબક્યો છે.  રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરના ઘર આગળ પણ પાણી ભરાયા છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર મુજબ, સવારે 6 થી બપોરે 2 વાગ્યા સુધીમાં 242 તાલુકામાં વરસાદ પડ્યો છે. એક તાલુકામાં 8 ઇંચથી વધારે, ત્રણ તાલુકામાં 6 ઇંચથી વધારે, એક તાલુકામાં 5 ઇંચથી વધારે, ત્રણ તાલુકામાં 4 ઇંચથી વધારે,  8 તાલુકામાં 3 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે.

પાટણના રાધનપુરમાં સૌથી વધુ 8.9 ઇંચ, વાવ-થરાદના ભાભરમાં 6.77 ઇંચ, વાવ-થરાદના દીયોદરમાં 6.73 ઇંચ, પાટણના સાંતલપુરમાં 6.50 ઇંચ, ખેડાના મહેમદાબાદમાં 5.20 ઇંચ, અરવલ્લીના ધનસુરામાં 4.13 ઇંચ, બનાસકાંઠાના ઓગડમાં 4.06 ઇંચ, ગાંધીનગરના દહેગામમાં 3.98 ઇંચ, મહીસાગરના વિરપુરમાં 3.90 ઇંચ, અમરેલીના લીલીયામાં 3.66 ઇંચ, મહીસાગરના લુણાવાડામાં 3.43 ઇંચ, વાવ-થરાદના સુઈગામમાં 3.19 ઇંચ, મહેસાણાના ખેરાલુમાં 3.15 ઇંચ વરસાદ પડ્યો હતો.

ગુજરાત માટે હજુ 48 કલાક ભારે છે. આજે અને આવતીકાલે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ પટ્ટાના જિલ્લાઓમાં ભારેથી અતિભારે અને કેટલાક વિસ્તારમાં અત્યંત ભારે વરસાદ પડશે. તંત્ર દ્વારા પણ બે દિવસ સુધી લોકોને કામ સિવાય ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે.

ક્યાં આપવામાં આવ્યું રેડ એલર્ટ

હવામાન ખાતાએ આગામી 48 કલાક રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. સક્રિય ચોમાસાની સિસ્ટમને કારણે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર વધુ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે આજે નવસારી અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને રેડ એલર્ટ જાહેર કર્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા, નદીઓના જળસ્તરમાં વધારો અને પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે તેવી શક્યતાને પગલે સ્થાનિક તંત્રને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.

સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં પણ ભારે વરસાદની સંભાવનાને કારણે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં કેટલાક સ્થળોએ અતિભારે વરસાદ પડવાની શક્યતા હોવાથી લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. ખેડા, આણંદ અને ભરૂચ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ખેડૂતો તેમજ નદી કાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને ખાસ સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગે આગામી બે દિવસ દરમિયાન સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરી છે.