નોઈડાઃ ઉત્તર પ્રદેશના નોઈડામાં ગત સોમવારે શ્રમિકોએ કરેલા વિરોધી પ્રદર્શનને લઈને શ્રમ વિભાગે પગલાં લેવાના શરૂ કરી દીધા છે. મંત્રાલયે એક્શન લેવાનું શરૂ કરી દીધું છે. આ વિરોધ પ્રદર્શનમાં ઉશ્કેરણીના આરોપમાં અનેક લોકોની ધરપકડ કરવામાં આવી છે.આ ઉપરાંત શ્રમિકોના હિતની સુરક્ષા અને ઔદ્યોગિક શાંતિના હેતુથી કેટલાક પગલાં પણ લેવામાં આવી રહ્યા છે. આ કડીમાં શનિવારે શ્રમ વિભાગે 43 એકમોને કાયદેસરની નોટીસ ફટકારી છે. શ્રમાયુક્ત રાકેશ દ્વિવેદીના નેતૃત્વમાં ચલાવવામાં આવી રહેલા અભિયાન અંતર્ગત કાયદાનો ભંગ કરનારા એકમો સામે પણ આંખ લાલ કરવામાં આવી છે.
અનેક પ્રકારની વિસંગતતા દેખાઈ
અધિક શ્રમ કમિશનરે માહિતી આપતા જણાવ્યું હતું કે, જિલ્લાના વિવિધ ઔદ્યોગિક એકમોમાં સતત નિરિક્ષણ અને અમલીકરણની કામગીરી ચાલી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે, શનિવારે શ્રમ કાયદાના ઉલ્લંઘન બદલ 43 ઠેકેદારોને નોટિસ જારી કરવામાં આવી છે. નિરિક્ષણ દરમિયાન અનેક સ્થળોએ શ્રમિકોના વેતનમાં વિસંગતતા, સુરક્ષાના ધોરણોનો અભાવ, કામના કલાકોમાં નિયમભંગ અને અન્ય શ્રમ કાયદાઓના ગંભીર ઉલ્લંઘનો સામે આવ્યા હતા. વહીવટીતંત્રની આ આકરા પગલાંની કાર્યવાહીથી ઔદ્યોગિક ક્ષેત્રમાં ફફડાટ વ્યાપી ગયો છે અને નિયમોનું પાલન ન કરનારા એકમોમાં ખળભળાટ મચી ગયો છે. ઘણા એકમોએ યુદ્ધના ધોરણે પગલાં લેવાનું શરૂ કરી દીધું છે.
લાયસન્સ રદ-બ્લેકલિસ્ટ કરવાની તૈયારીઓ
શ્રમ કાયદાના અત્યંત ગંભીર ઉલ્લંઘન બદલ વહીવટીતંત્રે કડક વલણ અપનાવતા 10 કોન્ટ્રાક્ટરોના લાયસન્સ તાત્કાલિક અસરથી રદ કરી દીધા છે,જ્યારે કેટલાક એકમોને બ્લેકલીસ્ટ કરવા માટે ઉત્તર પ્રદેશના શ્રમાયુક્તને પત્ર પણ લખવામાં આવ્યો છે, જેથી ભવિષ્યમાં કોઈ પ્રકારની આવી ઘટના ફરીવાર ન બને. વિભાગ સાથે જોડાયેલા કેટલાક અધિકારીઓએ કહ્યું હતું કે, આ કોઈ એક દિવસ પૂરતી કાર્યવાહી નથી. આ એક પ્રકારનું અભિયાન છે જે શ્રમિકાના હિતમાં ચાલું રહેશે. ઔદ્યોગિક એકમોમાં શાંતિ જળવાઈ રહે અને ઉત્પાદન સારૂ થાય એ માટે શ્રમિકોના હિતની સુરક્ષા એ વિભાગની સૌથી પહેલી તેમજ મોટી પ્રાથમિકતા છે.
નિયમોનું પાલન કરો અથવા પરિણામ ભોગવો
શ્રમ વિભાગે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જે પણ કોન્ટ્રાક્ટરો અથવા ઔદ્યોગિક એકમો શ્રમ કાયદાઓનું ઉલ્લંઘન કરશે, તેમની સામે આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે. નિયમોને નેવે મૂકનારા તત્વો સામે તંત્ર હવે લાલ આંખ કરી છે. અધિકારીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, નિયમોના પાલનમાં કોઈપણ પ્રકારની બેદરકારી રાખનારાઓને કોઈપણ સંજોગોમાં બક્ષવામાં આવશે નહીં. ભવિષ્યના આકરા પગલાં લેવાશે. જો સ્થિતિમાં સુધારો નહીં આવે, તો આગામી સમયમાં આનાથી પણ વધુ કઠોર કાયદાકીય પગલાં ભરવાની તૈયારી વિભાગ દ્વારા બતાવવામાં આવી છે.