Sun Apr 12 2026

Logo

ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂકવાનો કોઈ પ્રસ્તાવ નથી, લઘુુતમ વેચાણ ભાવમાં વધારો વિચારણા હેઠળઃ ખાદ્ય સચિવ

2026-04-08 21:10:12
Author: Ramesh Gohil
Article Image

નવી દિલ્હીઃ સ્થાનિકમાં ખાંડનો પુરવઠો વધારવા માટે નિકાસ પર પ્રતિબંધ મૂકવાનો કોઈ પ્રસ્તાવ નથી અને ઉદ્યોગની અરજને ધ્યાનમાં લેતા સરકાર ખાંડના લઘુતમ વેચાણ ભાવમાં વધારો કરવા અંગે વિચારણા કરી રહી હોવાનું ખાદ્ય સચિવ સંજીવ ચોપ્રાએ આજે જણાવ્યું હતું. 

હાલમાં ખાંડના ભાવ સ્થિર છે તેમ જ સ્થાનિક સ્તરે પુરવઠો પણ પર્યાપ્ત હોવાથી ભાવમાં ઉછાળો આવે તેવી શક્યતા નથી, એમ જણાવતા તેમણે ઉમેર્યું હતું કે ઈથેનોલની વધારાની ઉત્પાદન ક્ષમતાનો ઉપયોગ કરવા અંગે વિચારણા કરવા સરકારી અધિકારીઓની કમિટીની રચના કરવામાં આવી છે, જેમાં પેટ્રોલ સાથે ઈથેનોલની ભેળવણી જે હાલ 20 ટકા છે તેમાં વધારો કરવાનો પણ સમાવેશ થાય છે. વધુમાં તેમણે ખાદ્યતેલની આયાત જકાતમાં ઘટાડો કરવાનો કોઈ પ્રસ્તાવ ન હોવાનું તેમણે ઉમેર્યું હતું. 

વધુમાં તેમણે જણાવ્યું હતું કે તાજેતરમાં ઘઉંના પાકની લણણી થઈ છે અને આ વર્ષે પાક સારો છે. જોકે તાજેતરના વરસાદને કારણે સરકાર શક્યતઃ ખાદ્યાન્નની પ્રાપ્તિ માટે ગુણવત્તાનાં ધોરણો હળવા કરી શકે છે. અત્રે ઈસ્મા દ્વારા આયોજિત સુગર નેક્સ્ટ 2026 પરિસંવાદ પશ્ચાત્્‌‍ પત્રકાર વર્તુળો દ્વારા સ્થાનિકમાં પુરવઠો વધારવા માટે ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવશે કે કેમ એવા પ્રશ્નના ઉત્તરમાં તેમણે જણાવ્યું હતું કે ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂકવાનો હાલમાં કોઈ પ્રસ્તાવ નથી. તેમણે કહ્યું હતું કે હાલ વૈશ્વિક સ્તરે ભાવમાં મક્કમતા જોવા મળી રહી છે તેનું કારણ પશ્ચિમ એશિયાનો વિવાદ છે, પરંતુ તેને કારણે ભારતથી નિકાસની શક્યતા પણ વધી છે. 

વર્તમાન વર્ષ 2025-26ની ખાંડ મોસમ (ઑક્ટોબર-સપ્ટેમ્બર) માટે અનાજ મંત્રાલયે 15 લાખ ટન ખાંડની નિકાસ મંજૂરી આપી છે, જે મિલો માટે એક પડકાર છે. જો, મિલો મંજૂર કરવામાં આવેલી ખાંડ કરતાં ઓછી નિકાસ કરશે તો મોસમના અંતે ખાંડનો સ્ટોક વધુ રહેશે અને આગામી મોસમમાં ઈથેનોલ માટેની ફાળવણીમાં વધારો થશે. વધુમાં ઉદ્યોગની ખાંડના લઘુતમ વેચાણ ભાવ વધારીને કિલોદીઠ રૂ. 31 કરવાની માગણી બાબતે તેમણે કહ્યું હતું કે આ પ્રસ્તાવ વિચારણા હેઠળ છે. તેમ જ પશ્ચિમ એશિયાની કટોકટીને પગલે ક્રૂડતેલના ભાવમાં વધી આવ્યા છે અને ઈથેનોલની પેટ્રોલમાં ભેળવણીની ટકાવારી જે હાલ 20 ટકા છે તે વધારવા અંગે કહ્યું હતું કે હાલ આપણી પાસે ઈથેનોલના અતિરિક્ત 2000 કરોડ લિટર ઈથેનોલ ઉત્પાદનની ક્ષમતા છે.

આમ અતિરિક્ત ઉત્પાદન ક્ષમતાનો કેવી રીતે ઉપયોગ કરવો તેના માટે સરકારી સમિતિ રચવામાં આવી છે અને આગામી ઈથેનોલ પુરવઠા વર્ષ પૂર્વે કોઈ સમાચાર આવશે, એમ તેમણે ઉમેર્યું હતું. 
વધુમાં તેમણે ઈથેનોલ માટે વિકેન્દ્રિત થયા પૂર્વે વર્તમાન ખાંડ મોસમ માટેનાં ઉત્પાદનનો અંદાજ 320થી 325 લાખ ટનનો મૂક્યો હતો અને 35 લાખ ટન ખાંડ ઈથેનોલ માટે વિકેન્દ્રિત થવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો.