Fri May 08 2026

Logo

રાજકોટમાં રૂ. 74 કરોડના ખર્ચે નવો ‘સાંઢિયા પુલ’ તૈયાર, આઇકોનિક બ્રિજનું પણ 40 ટકા કામ પૂર્ણ

2026-05-08 21:46:48
Author: Devayat Khatana
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ:
 સૌરાષ્ટ્રના પાટનગર અને વેપાર-ઉદ્યોગના કેન્દ્ર રાજકોટમાં ટ્રાફિકને સરળ અને ઝડપી બનાવવા છેલ્લા પાંચ વર્ષમાં 5ફ્લાયઓવર અને 1 અંડરબ્રિજનું નિર્માણ થયું છે, જેના પરિણામે શહેરમાં પરિવહન વ્યવસ્થામાં નોંધપાત્ર સુધારો નોંધાયો છે. હાલ જામનગર તરફ જવા માટે રેલવે લાઈન પર હયાત સાંઢિયા પૂલ પર નવો બ્રિજ બનાવવા માટે મહાનગરપાલિકા દ્વારા રૂ. 74.32 કરોડના ખર્ચે બનતો રેલવે ઓવરબ્રિજ પૂર્ણતાના આરે છે, જેનું લોકાર્પણ ટૂંક સમયમાં કરવામાં આવશે. તે ઉપરાંત રાજકોટના બીજા રીંગ રોડ અને કાલાવડ રોડને જોડતા કટારીયા જંક્શન ખાતે રૂ.167 કરોડના ખર્ચે મલ્ટીલેવલ આઇકોનિક બ્રિજનું નિર્માણ કાર્ય પણ ઝડપથી આગળ વધી રહ્યું છે અને તેનું આશરે 40 ટકા જેટલું બ્રિજ નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ચુક્યું હોવાનું તંત્રએ જણાવ્યું હતું.

છેલ્લા પાંચ વર્ષમાં નિર્માણ પામેલા ફ્લાયઓવર અને અંડરબ્રિજમાં હોસ્પિટલ ચોક – થ્રી આર્મ ફ્લાયઓવર બ્રિજ, શહેરના 150 ફીટ રીંગ રોડ પર કે.કે.વી. ચોક સ્થિત સેકન્ડ લેવલ બ્રિજ કાલાવડ રોડને જોડતો ડબલ ડેકર બ્રિજ, નાના માવા ચોક સ્થિત ફ્લાયઓવર બ્રિજ ગોંડલ ચોકડી તરફ જતા વાહન ચાલકોને સિગ્નલ પર અટક્યા વગર મદદરૂપ બન્યો છે. જ્યારે રામદેવપીર ચોક પર નિર્મિત ફ્લાયઓવર બ્રિજ અને કાલાવાડ રોડ પર પ્રેમ મંદિર - મોટા મવા વચ્ચેના ફ્લાયઓવર બ્રિજથી લોકોની સુવિધામાં વધારો થયો છે. વધુમાં લક્ષ્મીનગર નાળું કે જ્યાંથી રેલવે લાઈન પસાર થાય છે તે જગ્યાએ જનરલ બીપીન રાવત રેલવે અંડરબ્રિજ નિર્માણ પામતાં ચોમાસા દરમ્યાન પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને પડતી સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો છે તેમ તંત્રએ જણાવ્યું હતું.