Fri Sep 11 2026

Logo

સોમનાથ અમૃતપર્વ-2026: મંદિરના પુનઃ નિર્માણના 75 વર્ષ નિમિત્તે પંચદિવસીય ભક્તિ મહોત્સવનો પ્રારંભ

2026-05-08 21:54:32
Author: Vimal Prajapati
સોમનાથ અમૃતપર્વ-2026: મંદિરના પુનઃ નિર્માણના 75 વર્ષ નિમિત્તે પંચદિવસીય ભક્તિ મહોત્સવનો પ્રારંભ

સોમનાથઃ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજથી પાઠાત્મક અતિરૂદ્ર સાથે પાંચ દિવસીય સોમનાથ અમૃતપર્વ-2026નો ભક્તિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે. 9મી મે ને શનિવારથી ત્રણ દિવસ હોમાત્મક મહારૂદ્ર યજ્ઞનો પ્રારંભ થશે. દરમિયાન મહાદેવના દર્શન માટે વિવિધ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં શિવ ભક્તો ઉમટી રહ્યા છે.  11મી મે 2026ના રોજ સોમનાથ મંદિરના પુનઃ નિર્માણના 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. 

ધાર્મિક આયોજનો સાથે અનેકવિધ કાર્યક્રમો યોજાશે

આ નિમિત્તે સોમનાથ અમૃતપર્વ-2026નું આયોજન કરવામાં આવ્યું છે. આજથી શરૂ થયેલો આ ઉત્સવ પાંચ દિવસ સુધી ચાલશે. જે દરમિયાન વિવિધ ધાર્મિક આયોજનો સાથે અનેકવિધ કાર્યક્રમો યોજાશે. પુરોહિત સોમપુરા બ્રાહ્મણ સમાજ દ્વારા અમૃતપર્વના પ્રથમ દિવસથી મંદિરની યજ્ઞશાળામાં પાઠાત્મક અતિરૂદ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

શનિવારથી ત્રણ દિવસ માટે હોમાત્મક મહા રૂદ્રનો પણ આરંભ

આ અંગે સોમપુરા સમાજના પ્રમુખ હેમલભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે, કુલ 51 બ્રાહ્મણો દ્વારા અમૃતપર્વના પાંચ દિવસ સુધી સવાર-સાંજ ત્રણ-ત્રણ કલાક પાઠાત્મક અતિરૂદ્ર કરવામાં આવશે. આ ઉપરાંત શનિવારથી ત્રણ દિવસ માટે હોમાત્મક મહા રૂદ્રનો પણ આરંભ કરાશે. જેમાં 45 બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોકત વિધિવિધાન સાથે આશરે સવા લાખ જેટલી આહુતિઓ આપવામાં આવશે. 

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સોમનાથ મંદિરના પુન: નિર્માણને 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે, હાલમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિવિધ દેશો વચ્ચે ચાલતા યુદ્ધના સમયમાં વૈશ્વિક શાંતિ, માનવ કલ્યાણ અને અમૃત પર્વની ઉજવણી અને હેતુસર આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.  ઉલ્લેખનીય છે કે, અમૃતપર્વ દરમિયાન 11મી મેના રોજ મંદિરના શિખર પર 11 તીર્થોના જળથી શાસ્ત્રોકત મંત્રોચ્ચાર સાથે કુંભાભિષેક કરવામાં આવશે. 

અમૃતપર્વ દરમ્યાન સોમનાથ મહાદેવને વિશેષ શણગાર કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન મંદિરમાં દર્શન માટે દેશના વિવિધ રાજ્યોમાંથી અનેક શિવભક્તો ભક્તો સોમનાથ આવી રહ્યા છે અને મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે.