(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે વહીવટને વધુ સરળ, ઝડપી અને પારદર્શક બનાવવા માટે 'સુગમ પોર્ટલ' નામની એક નવી પહેલ શરૂ કરી છે. રાજ્ય સરકાર દ્વારા નાગરિકોની સુવિધામાં વધારો કરવા અને વહીવટી પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા માટે 'સુગમ પોર્ટલ' લોન્ચ કરવામાં આવ્યું હતું. મહાત્મા મંદિર ખાતે મુખ્યપ્રધાનની વિશેષ ઉપસ્થિતિમાં અને સાયન્સ એન્ડ ટેક્નોલોજી પ્રધાનની હાજરીમાં આ ક્રાંતિકારી ડિજિટલ પહેલનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.
સુગમ પોર્ટલના આવવાથી હવે સરકારી કચેરીઓમાં લાંબી લાઈનોમાં ઊભા રહેવું કે એજન્ટોના ધક્કા ખાવા એ ભૂતકાળ બની જશે. નાગરિકો હવે ઘરે બેઠા આવકનો દાખલો કઢાવવા, જાતિનું પ્રમાણપત્ર મેળવવા કે પછી રેશનકાર્ડમાં નામ ઉમેરવા-કમી કરવા સહિતની 20 જેટલી વિવિધ સેવાઓ માટે ઓનલાઈન અરજી કરી શકશે અને પોતાની અરજીની સ્થિતિ પણ ટ્રેક કરી શકશે.
આ પોર્ટલ અંતર્ગત મુખ્યત્વે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ (11 સેવાઓ), SEBC પ્રમાણપત્ર (ગ્રામીણ અને શહેરી), નોન-ક્રીમી લેયર સર્ટિફિકેટ (ગુજરાત અને ભારત સરકાર માટે), SC (અનુસૂચિત જાતિ) પ્રમાણપત્ર, EWS (આર્થિક રીતે નબળા વર્ગ) નું પ્રમાણપત્ર, આવકના દાખલા, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ (6 સેવાઓ), રેશનકાર્ડમાં નવું નામ ઉમેરવું કે કમી કરવું, અલગ રેશનકાર્ડ કઢાવવું, નવું કે ડુપ્લીકેટ રેશનકાર્ડ મેળવવું, આદિજાતિ વિકાસ વિભાગ (1 સેવા): ST (અનુસૂચિત જનજાતિ) નું પ્રમાણપત્ર, કાયદા વિભાગ (1 સેવા): અન્ય તૈયાર સોગંદનામું (એફિડેવિટ) મેળવવા સહિતની સેવાઓનો સમાવેશ થાય છે.
આગામી દિવસોમાં આવી બીજી ઘણી બધી સેવાઓને આ 'સુગમ પોર્ટલ' પહેલ હેઠળ આવરી લેવામાં આવશે અને ગુજરાતી ભાષામાં AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) મોડલ તૈયાર કરવાનું સરકારનું આયોજન છે.