નવી દિલ્હીઃ દિલ્હી કૅપિટલ્સ (20 ઓવરમાં 8/142)નો અહીં શુક્રવારે કોલકાતા નાઇટ રાઇડર્સ (14.2 ઓવરમાં 2/147) સામે આઠ વિકેટે પરાજય થયો અને દિલ્હી (Delhi)ની ટીમ આ પરાજય બદલ પ્લે-ઑફની રેસમાંથી લગભગ આઉટ થઈ ગઈ છે, જ્યારે ખરા સમયે પાછા ફૉર્મમાં આવીને ઉપરાઉપરી ચાર મૅચ જીતનારી કોલકાતાની ટીમ એક્ઝિટથી બચી ગઈ છે. 27 વર્ષીય કિવી બૅટ્સમૅન ફિન ઍલન (100 અણનમ, 47 બૉલ, 10 સિક્સર, પાંચ ફોર)એ ધમાકેદાર સદીથી કોલકાતાની ટીમની આબરૂ સાચવી લીધી હતી. તેની અને કૅમેરન ગ્રીન (33 અણનમ, 27 બૉલ, બે સિક્સર) વચ્ચે ત્રીજી વિકેટ માટે ફક્ત 64 બૉલમાં 116 રનની અતૂટ ભાગીદારી થઈ હતી. કોલકાતાના 147 રનમાંથી 100 રન ફિન ઍલનના હતા. તેણે સિક્સર ફટકારીને સેન્ચુરી પૂરી કરવાની સાથે કોલકાતાને વિજય પણ અપાવ્યો હતો. તે જે છેલ્લા 13 બૉલ રમ્યો એમાંથી સાત બૉલમાં તેણે છગ્ગો ફટકાર્યો હતો. ખાસ કરીને કુલદીપ યાદવની ઓવરમાં તેણે હૅટ-ટ્રિક સિક્સર ફટકારી હતી.

દિલ્હીના કૅપ્ટન અક્ષર પટેલે પરાજય બાદ નિરાશામાં કહ્યું હતું કે `અમે આ વખતે કઈ ભૂલો કરી એના પર ચર્ચા કરીશું અને આવતા વર્ષની યોજના અત્યારથી જ તૈયાર કરીશું. કયા ખેલાડીઓને આ વખતે રમાડ્યા જ નથી તેમને રમાડવા બાબતમાં અમે ચર્ચા કરીશું.'
કોલકાતાના કૅપ્ટન અજિંક્ય રહાણેની આ વખતની આઇપીએલમાં 10 મૅચમાં ફક્ત એક હાફ સેન્ચુરી છે અને શુક્રવારે તેને બીજી સદી ફટકારવાની સારી તક હતી, પરંતુ કમનસીબે તે રનઆઉટ થઈ ગયો હતો. તેણે બનાવ્યા હતા માત્ર 13 રન, પણ બન્યું એવું કે ફિન ઍલનના શૉટમાં બૉલ દિલ્હીના ફાસ્ટ બોલર મિચલ સ્ટાર્ક તરફ જ આવ્યો અને ડાબા હાથે રોકવાની સ્ટાર્કની કોશિશમાં બૉલ તેના હાથને વાગ્યા બાદ સ્ટમ્પ્સમાં ગયો હતો અને અગાઉથી જ બે ડગલાં બહાર આવી ગયો હોવાથી રનઆઉટ થઈ ગયો હતો.

29 રનના કુલ સ્કોર પર રહાણેની વિકેટ પડ્યા બાદ 31મા રને વિકેટકીપર અંગક્રિશ રઘુવંશી (એક રન)ને અક્ષર પટેલે ક્લીન બોલ્ડ કરી દીધો હતો. ત્યાર બાદ ઍલન-ગ્રીને જવાબદારી ઉપાડીને કોલકાતાને આસાન વિજય અપાવ્યો હતો.
એ પહેલાં, દિલ્હીએ પ્રથમ બૅટિંગ મળ્યા પછી 20 ઓવરમાં આઠ વિકેટે 142 રન બનાવ્યા હતા. દિલ્હીએ 49મા રન પર પહેલી વિકેટ ગુમાવી હતી અને 74મા રને એની બીજી વિકેટ પડી હતી. જોકે જોત જોતામાં એક પછી એક વિકેટ પડતી ગઈ અને 89મા રને પાંચમી વિકેટ પડી હતી. ઓપનર પથુમ નિસન્કા 50 રન પૂરા કરીને આઉટ થયો હતો. કેએલ રાહુલે 23 રન બનાવ્યા હતા, જ્યારે નીતીણ રાણા (આઠ રન), સમીર રિઝવી (ત્રણ રન) અને ટ્રિસ્ટેન સ્ટબ્સ (બે રન) સસ્તામાં વિકેટ ગુમાવી બેઠા હતા. પાંચમાંથી બે વિકેટ અનુકૂલ રૉયે મેળવી હતી. દિલ્હીના 148 રનમાં પથુમ નિસન્કાના 50 રન તથા આશુતોષ શર્માએ છેલ્લી ઓવર્સમાં ત્રણ સિક્સર અને ત્રણ ફોરની મદદથી બનાવેલા 39 રનનું યોગદાન હતું.