Tue Jul 07 2026

Logo

'ઘૂસખોર પંડિત' ફિલ્મનું નામ બદલાશે, જાણો સમગ્ર મામલો?

2026-02-20 16:05:11
Author: Mumbai Samachar Team
Article Image

Ghuskhor Pandit


નવી દિલ્હીઃ દેશની વડી અદાલતે આગામી નેટફ્લિક્સ ક્રાઇમ થ્રિલર 'ઘૂસખોર પંડિત' સામેની અરજીનો નિકાલ કર્યો હતો. ફિલ્મ નિર્માતા નીરજ પાંડેએ ફિલ્મનું શીર્ષક અને તમામ પ્રચાર સામગ્રી પાછી ખેંચી લીધી હોવાનું કોર્ટને જણાવ્યું હતું.

ન્યાયાધીશ બી વી નાગરત્ના અને ઉજ્જલ ભુયાનની ખંડપીઠે પાંડેના એફિડેવિટ રેકોર્ડ પર લીધા પછી ફિલ્મની રિલીઝ પર સ્ટે મૂકવાની માંગ કરતી અરજીનો નિકાલ કર્યો હતો. તેમજ કહ્યું કે આશા છે કે આ વિવાદ બધી રીતે શમી જશે. આ અરજી ભારતના બ્રાહ્મણ સમાજના રાષ્ટ્રીય સંગઠન સચિવ અતુલ મિશ્રા દ્વારા દાખલ કરવામાં આવી હતી.

પાંડેએ સોગંદનામામાં જણાવ્યું કે મનોજ બાજપેયી અભિનીત ફિલ્મનું નવું શીર્ષક હજુ નક્કી થયું નથી. પરંતુ તે પહેલાવાળા નામ જેવું નહીં હોય. તેમણે કહ્યું કે હું સંપૂર્ણ આદર સાથે કહેવા માંગુ છું કે અગાઉનું શીર્ષક 'ઘૂસખોર પંડિત' પાછું ખેંચી લેવામાં આવ્યું છે. તેનો કોઇ પણ રીતે ઉપયોગ કરવામાં આવશે નહીં.

તેમણે વધુમાં જણાવ્યું કે હું એ પણ જણાવું છું કે અગાઉના શીર્ષક હેઠળનું તમામ પ્રમોશનલ મટીરિયલ, પોસ્ટર, ટ્રેલર અને પ્રચાર સામગ્રી હાલની અરજીના લિસ્ટિંગ પહેલા જ પાછા ખેંચી લેવામાં આવ્યા છે. સુનાવણી દરમિયાન ન્યાયાધીશ નાગરત્નાએ કહ્યું કે 'પંડિત' શબ્દમાં કંઇ ખોટું ન હતું, પરંતુ પંડિત સાથે 'ઘૂસખોર' શબ્દ હતો. અમને બીજા શબ્દ સાથે વાંધો છે, પહેલા શબ્દ સાથે નહીં.

અત્રે ઉલ્લેખનીય છે કે વડી અદાલતે ૧૨ ફેબ્રુઆરીના પાંડેને તેમની ફિલ્મના શીર્ષકને લઇને ઠપકો આપ્યો હતો. તેમજ કહ્યું હતું કે અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામે સમાજના એક વર્ગને બદનામ કરી શકાય નહીં. સુપ્રીમ કોર્ટે ફિલ્મ વિરુદ્ધની અરજીને લઇને માહિતી અને પ્રસારણ મંત્રાલય, સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન અને પાંડેને નોટિસ ફટકારી હતી.