Thu Sep 03 2026

Logo

નવસારીમાં 14 વર્ષની દીકરી પર દુષ્કર્મ ગુજારનાર નરાધમ પિતાની ધરપકડ

2026-06-05 15:56:00
Author: Devayat Khatana
નવસારીમાં 14 વર્ષની દીકરી પર દુષ્કર્મ ગુજારનાર નરાધમ પિતાની ધરપકડ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: નવસારી જિલ્લામાં એક હચમચાવી દે તેવી ઘટના બહાર આવી હતી, જેમાં એક પિતા પર જ પોતાની 14 વર્ષની સગીર પુત્રી પર વારંવાર બળાત્કાર ગુજારવાનો આરોપ લાગતા ખળભળાટ મચી ગયો હતો. પીડિતાની માતાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, આરોપી પિતાએ સળંગ ત્રણ દિવસ સુધી પોતાની જ દીકરી પર દુષ્કર્મ આચર્યું હતું. આ જઘન્ય અપરાધ બાદ તેણે દીકરીને ગર્ભનિરોધક ગોળીઓ ખવડાવી હતી અને જો તે આ વિશે કોઈને પણ જાણ કરશે તો તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો.  પિતાની આ ધમકીથી અત્યંત ડરી ગયેલી દીકરી કોઈને કંઈ કહી શકી ન હતી, પરંતુ અંતે માતાએ આગળ આવીને પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

સગીરાની માતા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આ ગંભીર મામલે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ (પોકસો) એક્ટ હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગુનો નોંધાયાની જાણ થતાં આરોપી પિતાએ ભાગી છૂટવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસે સતર્કતા દાખવીને ગણતરીના કલાકોમાં જ આરોપીનું લોકેશન ટ્રેસ કરીને તેની ધરપકડ કરી લીધી હતી અને તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.