Tue Sep 08 2026

Logo

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી કયા બીચ કરવામાં આવ્યા બંધ ?

2026-07-31 11:57:00
Author: Mayur Patel
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી કયા બીચ કરવામાં આવ્યા બંધ ?

સુરતઃ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. નવસારીમાં પણ સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેના કારણે શહેરના રસ્તાઓ પાણી પાણી થઈ ગયા છે. નવસારીમાં વરસાદથી અનેક વિસ્તારમાં ઘૂંટણ સમા પાણી ભરાતાં ફરીથી તંત્રની કામગીરી પર સવાલ ઉભા થયા છે. આ દરમિયાન ઉભરાટ બીચ, દાંડી બીચ અને ઓંજલનું ચાંગલી ફળીયા બીચ આગામી સૂચના સુધી જાહેર જનતા માટે બંધ કરવામાં આવ્યા છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. નાગરિકોને વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા, અફવાઓથી દૂર રહેવા અને કોઈપણ પ્રકારનું જોખમ ન લેવા અપીલ કરવામાં આવી છે.

આગામી ત્રણ કલાકમાં અહીં તૂટી પડશે ધોધમાર વરસાદ

ભારતીય હવામાન વિભાગ અમદાવાદ દ્વારા  જાહેર કરાયેલા નાઉકાસ્ટ અનુસાર આગામી ત્રણ કલાક દરમિયાન ડાંગ જિલ્લામાં અલગ-અલગ સ્થળોએ ગાજવીજ અને 41 થી 61 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે મધ્યમ વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.. વરસાદ દરમિયાન નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા, વીજળીના થાંભલા, મોટા વૃક્ષો તથા નબળાં મકાનો તેમજ નદી-નાળાથી દૂર રહેવા અનુરોધ કરાયો સાથે જ ખેડૂતોને પશુધનને સુરક્ષિત સ્થળે રાખવા, કૃષિ કામગીરીમાં સાવચેતી રાખવા તથા ગાજવીજ દરમિયાન ખુલ્લા ખેતરમાં ન રહેવાની સલાહ આપવામાં આવી છે.

સવારે 6 થી 10 સુધીમાં રાજ્યના 104 તાલુકામાં વરસાદ વરસ્યો છે. છેલ્લા 4 કલાકમાં ગરુડેશ્વરમાં 5.59 ઇંચ, સાગબારમાં 5.28 ઇંચ, વસોમાં 4.88 ઇંચ, નડીયાદમાં 4.76 ઇંચ, બોરસદમાં 4.61 ઇંચ, ઉમરપાડામાં 4.57 ઇંચ, નાંદોદમાં 4.51 ઇંચ, પેટલાદમાં 4.25 ઇંચ, તિલકવાડામાં 4.06 ઇંચ, આણંદમાં 3.94 ઇંચ, મહુધામાં 3.90 ઇંચ, નેત્રંગમાં 3.58 ઇંચ, સોનગઢમાં 3.19 ઇંચ, સોજીત્રામાં 3.15 ઇંચ, ખંભાતમાં 3.03 ઇંચ, ઉકાઈમાં 3.03 ઇંચ, કઠલાલમાં 2.91 ઇંચ, ડેડિયાપાડામાં 2.72 ઇંચ, માંગરોળમાં 2.64 ઇંચ, બાલાસિનોરમાં 2.64 ઇંચ, નસવાડીમાં 2.52 ઇંચ, ડભોઈમાં 2.17 ઇંચ , સિનોરમાં 2.13 ઇંચ, વડોદરામાં 1.97 ઇંચ, અરેઠમાં 1.85 ઇંચ, તારાપુરમાં 1.77 ઇંચ, ઉચ્છલમાં 1.65 ઇંચ, ભરૂચમાં 1.57 ઇંચ, ઉમરેઠમાં 1.54 ઇંચ, ચીખદામાં 1.43 ઇંચ, હાંસોટમાં 1.42 ઇંચ, વાઘોડિયામાં 1.34 ઇંચ, અંકલેશ્વરમાં 1.30 ઇંચ, ફાગવેલમાં 1.22 ઇંચ, પાદરામાં 1.14 ઇંચ વરસાદ નોંધાયો છે.