નવસારીઃ નવસારીમાં ભાજપના નેતાના ભત્રીજાએ ઓડી કારની આધેડને ઉડાવીને મારી નાંખ્યા હતા. નવસારી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 9ના ભાજપના કોર્પોરેટર ધર્મેશ પટેલના ભત્રીજાએ આ અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત બાદ તે ઓડી કાર મુકીને ફરાર થઈ ગયો હતો.
શું છે સમગ્ર મામલો
નવસારીના એરુ ચાર રસ્તા પાસે ભાજપના નેતાના ભત્રીજાએ ઓડી કારથી આધેડને અડફેટે લીધા હતા. જેમાં તેમને ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માત બાદ સારવાર અર્થે લઈ જતી વખતે દમ તોડ્યો હતો. ભાજપ નેતાનો ભત્રીજો ઓડી કાર લઈને એરુ ચાર રસ્તા તરફ આવતો હતો ત્યારે કાર પરથી કાબુ ગુમાવતા આ ઘટના બની હતી.
આધેડ અરુણ ઉપાધ્યાય રાત્રે 10.30 વાગ્યે એરુ ચાર રસ્તા પાસે આવેલી પોતાની જ્યુસની દુકાન બંધ કરીને ઘરે જઈ રહ્યા હતા. તે સમયે ગાંધી ફાટક તરફથી પૂરઝડપે આવેલી એક ઓડી કારના ચાલક શિવાંશ પટેલે તેમને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે અરુણ ઉપાધ્યા. હવામાં ઉછળીને રોડ પર પટકાયા હતા. જેના કારણેતેમને માથા તેમજ શરીરે ગંભીર ઈજાઓ થઈ હતી.
અકસ્માત બાદ લોકોએ 108 એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો, પરંતુ તે સમયસર ન પહોંચી નહોતી. આથી લાચાર બનેલા સ્થાનિક લોકો તેમને ખાનગી વાહનમાં નવસારી સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. 108 મોડી પહોંચવાને કારણે લોકોએ વીડિયો બનાવીને તંત્ર સામે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસે આવીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો અને કારચાલક શિવાંશ પટેલ સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી હતી.