ડ્રગ્સના કેસમાં પુત્ર નવીન ચિંચકરને પ્રત્યર્પણ દ્વારા મલયેશિયાથી લાવ્યા પછી બિલ્ડર પિતાને ત્રાસ આપવામાં આવતો હતો, જેને પગલે તેણે આત્મહત્યા કર્યાનો આક્ષેપ
મુંબઈ: નવી મુંબઈની ઑફિસમાં ગયા વર્ષે પોતાને લમણે ગોળી મારી બિલ્ડરે આત્મહત્યા કર્યાના કેસમાં પોલીસે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી)ના ઝોનલ ડિરેક્ટર અમિત ઘાવટે વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. ડ્રગ્સ સિન્ડિકેટના કથિત સૂત્રધાર નવીન ચિંચકરને પ્રત્યર્પણ દ્વારા મલયેશિયાથી લાવવામાં આવ્યા પછી નવીનના બિલ્ડર પિતાને ત્રાસ આપવામાં આવતો હતો, એવો આક્ષેપ ફરિયાદમાં કરાયો હતો.
આ પ્રકરણે કોર્ટના નિર્દેશ બાદ 2008ની બૅચના ઈન્ડિયન રેવેન્યૂ સર્વિસ (આઈઆરએસ) અધિકારી ઘાવટે વિરુદ્ધ નવી મુંબઈ પોલીસે ગુનો નોંધ્યો હતો. ભારતીય ન્યાય સંહિતાની આત્મહત્યા માટે ઉશ્કેરવાની કલમ સહિત ગુનાહિત કાવતરું, ખંડણી જેવી અન્ય ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
નવી મુંબઈના બિલ્ડર ગુરુનાથ ચિંચકરે 25 એપ્રિલ, 2025ના રોજ કથિત આત્મહત્યા કરી હતી. એનસીબીના અધિકારીઓના ત્રાસથી કંટાળીને ગુરુનાથે નવી મુંબઈની ઑફિસમાં પિસ્તોલથી પોતાના લમણે ગોળી મારી દીધી હતી. વિવિધ દેશોમાં ફેલાયેલી ડ્રગ સિન્ડિકેટની તપાસના ભાગ રૂપે એનસીબી ગુરુનાથના પુત્ર નવીનને શોધી રહી હતી ત્યારે ગુરુનાથની પૂછપરછ કરવામાં આવી હતી. આ દરમિયાન એનસીબી દ્વારા વારંવાર ગુરુનાથને ત્રાસ આપવામાં આવતો હતો, એવો આક્ષેપ કરાયો હતો.
ગુરુનાથે આત્મહત્યા કરી ત્યારે પોલીસને એક સુસાઈડ નોટ મળી આવી હતી, જેમાં એનસીબી અને પોલીસના ત્રાસથી તે કંટાળી ગયો હોવાનું નોંધ્યું હતું. નવી મુંબઈ પોલીસે આ મામલે એડીઆર નોંધી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ઘાવટેની ભૂમિકા સ્પષ્ટ થઈ હોવાનું કહેવાય છે.
ગુરુનાથના પુત્ર નવીનને ગયા વર્ષના જૂનમાં પ્રત્યર્પણ દ્વારા મલયેશિયાથી ભારત લાવવામાં આવ્યો હતો. પછી ડ્રગ સિન્ડિકેટની તપાસ માટે એનસીબીએ નવીનની ધરપકડ કરી હતી. તેની વિરુદ્ધ ડ્રગ્સ સંબંધી અનેક ગુના નોંધાયેલા હોવાનું પોલીસનું કહેવું છે. નવીનના ભાઈ ધીરજની પણ બાદમાં ધરપકડ કરાઈ હતી.
(પીટીઆઈ)