નાશિક: મહારાષ્ટ્રના નાશિકમાં સિન્નર MIDC બાયપાસ પાસે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. ફ્લાયઓવર પરથી પસાર થઈ રહેલો એક ટ્રક અચાનક કાબૂ બહાર જઈ રસ્તાની બાજુમાં લગાવેલા બેરિયર સાથે અથડાઈને સીધો ફ્લાયઓવરની નીચે પટકાયો હતો. સમગ્ર ઘટના નજીકમાં લગાવવામાં આવેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને તેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
અકસ્માતમાં ટ્રકનો ડ્રાઇવર ગંભીર રીતે ઘાયલ થયો હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના 25 જુલાઈની હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી. જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
CCTV ફૂટેજમાં જોવા મળે છે કે ટ્રક ફ્લાયઓવર પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક અનિયંત્રિત થઈ ગયો હતો. ત્યારબાદ ટ્રકે રસ્તાની બાજુનો બેરિયર તોડી નાખ્યો અને ફ્લાયઓવર પરથી સીધો નીચે રોડ પર પટકાયો હતો. સિન્નર MIDC બાયપાસ પર બનેલી આ ઘટનાને જોઈને લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. જો કે અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી અને આ મામલે હાલ બાકીની તપાસ ચાલી રહી છે.
Nashik Accident Live | ચાલકે કાબૂ ગુમાવતા ઓવરબ્રિજ પરથી નીચે પટકાઈ ટ્રક | Mumbai Samachar #NashikAccident #NashikNews #SinnarMIDC #TruckAccident #BreakingNews #GujaratNews #GujaratiNews #AccidentNews pic.twitter.com/zMxFfZEFDs
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) July 27, 2026
છ વર્ષ જૂના ફ્લાયઓવરના એક ભાગમાં મોટું ગાબડું
નાગપુરમાં પણ નેશનલ હાઈવે-44 પર ફ્લાયઓવરની સ્થિતિને લઈને સવાલો ઊભા થયા છે. નાગપુર-જબલપુર માર્ગ પર મન્સર નજીક આશરે છ વર્ષ જૂના ફ્લાયઓવરના એક ભાગમાં મોટું ગાબડું પડ્યું છે. નાગપુરથી આશરે 55 કિલોમીટર દૂર બનેલી આ ઘટના નાગપુર તરફ જતા બે લેનના ફ્લાયઓવર પર બની હતી. સદનસીબે, રસ્તો ધસી પડ્યો ત્યારે ત્યાંથી કોઈ વાહન પસાર થઈ રહ્યું નહીં હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી.
નેશનલ હાઈવેના બાંધકામની ગુણવત્તા અંગે ગંભીર સવાલ
ક્ષતિગ્રસ્ત થયેલો ભાગ આશરે અઢી ફૂટ લાંબો અને દોઢથી બે ફૂટ પહોળો છે. પ્રાથમિક તપાસમાં ડામરનું સ્તર અને તેની નીચેનો કૉન્ક્રિટનો આધાર ધસી પડ્યો હોવાનું જણાયું છે, જેના કારણે અંદરની લોખંડના સળિયા પણ જોવા મળ્યા છે. આશરે છ વર્ષ પહેલાં બનાવવામાં આવેલા આ ફ્લાયઓવરના આ બનાવે નેશનલ હાઈ-વેના બાંધકામની ગુણવત્તા અને લાંબા ગાળાની મજબૂતાઈ અંગે ફરી સવાલો ઊભા કર્યા છે.