Sun Sep 13 2026

Logo

મુન્દ્રાના રૂ ૧,૧૫૦ કરોડના કોકેઇન કેસમાં મુખ્ય આરોપી જુમા નાસીરના વધુ ૬ દિવસના રિમાન્ડ મંજૂર

2026-06-02 10:16:00
Author: Mumbai Samachar Team
મુન્દ્રાના રૂ ૧,૧૫૦ કરોડના કોકેઇન કેસમાં મુખ્ય આરોપી જુમા નાસીરના વધુ ૬ દિવસના રિમાન્ડ મંજૂર

ભુજઃ મુંન્દ્રાના સમુદ્ર પરથી ઝડપાયેલા ૧,૧૫૦ કરોડ રૂપિયાના આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટના મામલામાં આજે મુન્દ્રાની નામદાર અદાલતે મહત્વનો આદેશ કર્યો છે. પકડાયેલા મુખ્ય આરોપી જુમા નાસીર ઉમરના અગાઉના રિમાન્ડની મુદત પૂર્ણ થતાં, આજે તેને ફરી મુંદરાની અદાલતમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં પોલીસની દલીલો ગ્રાહ્ય રાખી અદાલતે આરોપીના આગામી તારીખ ૬ જૂન સુધીના વધુ છ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મુંન્દ્રાના દરિયાકાંઠે એક માલવાહક જહાજમાંથી ૧૧૮.૯૭૭ કિલોગ્રામ ઉચ્ચ ગુણવત્તાનો કોકેઇનનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત આશરે ૧,૧૫૦ કરોડ રૂપિયા આંકવામાં આવી છે. આ કરોડોના ડ્રગ્સ પ્રકરણમાં સીધી સંડોવણી બદલ આરોપી જુમા નાસીર ઉમરની ધરપકડ કરવામાં આવી હતી અને ગત સોમવાર સુધી તેના રિમાન્ડ મંજૂર કરાયા હતા.

આજે રિમાન્ડની મુદત પૂર્ણ થતાં જ તપાસનીશ એજન્સી દ્વારા આરોપીને કડક સુરક્ષા વચ્ચે અદાલત સમક્ષ રજૂ કરાયો હતો. આ કેસની ગંભીરતા અને ડ્રગ્સ નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે પોલીસ દ્વારા વધુ રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. અદાલતમાં સરકાર પક્ષે ખાસ સરકારી વકીલ (સ્પેશિયલ પી.પી.) કે.એમ. પ્રજાપતિ હાજર રહ્યા હતા અને ધારદાર દલીલો રજૂ કરી હતી, જેના આધારે કોર્ટે આરોપીના ૬ દિવસના રિમાન્ડ લંબાવતો હુકમ કર્યો છે. હવે આ સમયગાળા દરમિયાન ડ્રગ્સની હેરાફેરીના આંતરરાષ્ટ્રીય કનેક્શન અને અન્ય સાગરીતો અંગે મોટા ખુલાસા થવાની સંભાવના સેવાઈ રહી છે. 

(ઉત્સવ વૈદ્ય)