Mon Aug 31 2026

Logo

મુંબ્રામાં બાલ્કનીનો સ્લેબ તૂટી પડતાં ચાર પરિવારનું સ્થળાંતર

2026-07-01 17:55:28
Author: Sapna Desai
મુંબ્રામાં બાલ્કનીનો સ્લેબ તૂટી પડતાં ચાર પરિવારનું સ્થળાંતર

(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે:
ભારે  વરસાદને પગલે થાણે જિલ્લાના મુંબ્રામાં બે માળની ઇમારતની બાલ્કનીનો એક ભાગ તૂટી પડતાં તકેદારીના પગલારૂપે પાલિકાએ ઈમારતમાં  રહેતા ચારે પરિવારોને સ્થળાંતર કરાવ્યા હતા. મંગળવારે રાત્રે મુંબ્રા વિસ્તારમાં અમૃતનગરમાં એમ.ટી.એન.એલ. કમ્પાઉન્ડમાં  ગ્રાઉન્ડ પ્લસ બે માળની હિના કોટેજ નામની બિલ્ડિંગ આવેલી છે. મંગળવારે મોડી સાંજે ૭.૩૦ વાગ્યાની આસપાસ આ ઘટનામાં બની હતી. સદ્નસીબે કોઈને ઈજા થઈ નહોતી.

થાણે પાલિકાના ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારી યાસીન તડવીએ જણાવ્યું હતું કે ઇમારતના પહેલા માળની બાલ્કનીનો સ્લેબ તૂટી પડ્યો હતો, જ્યારે માળખાનો બાકીનો ભાગ જોખમી સ્થિતિમાં હોવાનું જાણવા મળ્યું હતું. તેથી બિલ્ડિંગને અસુરક્ષિત જાહેર કરવામાં આવી છે અને સાવચેતીના પગલા તરીકે બિલ્ડિગમાં રહેતા ચાર પરિવારને તેને ખાલી કરવવાની સૂચના આપવામાં આવી હતી. તેથી આ પરિવારો તેમના સંબંધીઓ સાથે અસ્થાયી રૂપે રહેવા ગયા હતા.

એ દરમ્યાન મંગળવારે મોડી રાતના લગભગ ૧૧ વાગ્યાની આસપાસ થાણેના વાગલે એસ્ટેટમાં રિટેનિંગ વોલ ધરાશાયી થવા અને જમીન ધસી પડવાની બે અલગ અલગ ઘટનાઓમાં બની હતી, જેમાં કોઈને ઈજા થઈ નથી. પાલિકાના જણાવ્યા મુજબ  મંગળવારે સાંજે નૌપાડાના ગાવંડ પથ પર ભાંજેવાડી ખાતે મનીષા બિલ્ડિંગ પાસે ઘટના બની હતી, જ્યાં પુનર્વિકાસ પ્રોજેક્ટ માટે ખોદકામ ચાલી રહ્યું હતું ત્યારે જમીનનો એક ભાગ ધરાશાયી થઈ ગયો હતો.