Thu Jul 23 2026

Logo

પહેલી જુલાઈથી વૃક્ષો અને ડાળીઓ પડવાની ૧૭૧૧ ઘટના નોંધાઈ

2026-07-10 08:54:00
Author: Sapna Desai
Article Image


(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં છેલ્લા થોડા દિવસો દરમ્યાન પડેલા ભારે વરસાદ અને સુસવાટાભર્યા પવનને કારણે પહેલી જુલાઈથી મુંબઈમાં વૃક્ષો અને ડાળીઓ પડવાની ૧,૭૦૦ થી વધુ ફરિયાદો નોંધાઈ છે, જે ગયા વર્ષ કરતા લગભગ બમણી સંખ્યામાં છે. ગયા વર્ષે  આ જ સમયગાળામાં આ સંખ્યા  ૮૫૫ હતી.

પાલિકાના ચોમાસાના અહેવાલ મુજબ ગુરુવારે સવારે આઠ વાગ્યા સુધી મહાનગરમાં ૧,૭૧૧ વૃક્ષો અને ઝાડની ડાળીઓ પડવાની ઘટનાઓ નોંધાઈ હતી, જેમાં પશ્ર્ચિમ ઉપનગરમાં ૬૯૩ અને દક્ષિણ મુંબઈમાં ૫૧૦ તથા પૂર્વ ઉપનગરમાં ૫૦૮નો સમાવેશ થાય છે.  પાછલાં વર્ષોની સરખામણીમાં વૃક્ષો અને ડાળીઓ પડવાની ઘટનાઓમાં વધારો થયો હોવાનું આંકડા પરથી જણાઈ આવે છે.

પાલિકાના ડેટા અનુસાર ૨૦૨૩માં શહેરમાં ૬૮૭ વૃક્ષ પડવાની ઘટના નોંધાઈ હતી, જેમાં પાલિકાની જમીન પર ૧૮૦ અને ખાનગી જમીન પર ૫૦૭નો સમાવેશ થાય છે. ૨૦૨૪માં આ સંખ્યા ઘટીને ૬૫૩ થઈ ગઈ હતી, જેમાં પાલિકાની જમીન પર ૧૭૧ અને ખાનગી જમીન પર ૪૮૨ ઘટનાઓ બની, જે ૨૦૨૫માં વધીને ૮૫૫ થઈ ગઈ હતી.

પાલિકાના આંકડા મુજબ સૌથી વધુ એક દિવસમાં પાંચ જુલાઈએ વૃક્ષો અને ઝાડની ડાળીઓ પડવાની ઘટનાઓ નોંધાઈ હતી, જ્યારે સમગ્ર શહેરમાં ૫૨૩ વૃક્ષો અને ઝાડની ડાળીઓ પડવાની ઘટનાઓ નોંધાઈ હતી. ત્યારબાદ છ જુલાઈએ ૪૨૮ ઘટનાઓ બની હતી. બંને દિવસે મુંબઈમાં ૯૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા ભારે વરસાદ સાથે ભારે વરસાદ પડ્યો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

પાલિકાએ પહેલી જુલાઈએ વૃક્ષો અને ઝાડની ડાળીઓ પડવાની ૯૦ ઘટનાઓ નોંધી હતી, બીજી જુલાઈએ કુલ ૧૨૧, ત્રીજી જુલાઈએ વધુ ૯૧, ચોથી જુલાઈએ ૧૬૪, પાંચમી જુલાઈએ ૫૨૩ અને છઠ્ઠી જુલાઈએ ૪૨૮, સાતમી જુલાઈ, ૧૬૮ અને આઠ જુલાઈ સવારના આઠ વાગ્યા સુધી ૧૨૬ વૃક્ષો પડવાના બનાવ બન્યા હતા.

ચાલુ ચોમાસા દરમ્યાન વૃક્ષો અને ઝાડની ડાળીઓ પડવાની ઘટનાઓ એક મુખ્ય પડકાર તરીકે ઊભરી આવી છે. ભારે વરસાદ અને ભારે પવનને કારણે શહેરમાં વ્યાપક ઘટનાઓ બની છે, જેના કારણે ટ્રાફિક ખોરવાઈ ગયો છે અને વાહનો અને સંપત્તિને નુકસાન થયું છે. આ વર્ષે ચોમાસાની શરૂઆતથી આવી ઘટનામાં ત્રણનાં મોત થયાં છે, જેમાં ૩૦ જૂનના ચેમ્બુરમાં સ્કૂલ બસ પર પીપળાનું ઝાડ પડવાથી ૧૧ વર્ષના વિદ્યાર્થીનું મોત થયું હતું. ચાર જુલાઈના ભારે વરસાદ દરમ્યાન આરે કોલોનીમાં મિત્રો સાથે મોટરસાઈકલ ચલાવતી વખતે ૧૮ વર્ષના કુમાર હસન રઝા જહાંગીર આલમ સૈયદના માથા પર ઝાડની ડાળી પડતાં તેનું મોત થયું હતું.ત્યારબાદ પાંચ જુલાઈના રોજ કુર્લા (પશ્ર્ચિમ) માં એક દુકાન પર ઝાડ પડવાથી ૬૩ વર્ષીય વ્યક્તિ, યુનુસ કુંડાવાલાનું મૃત્યુ થયું હતું.