Sun Oct 04 2026

Logo

રવિવારે લોકલ ટ્રેનમાં મુસાફરી કરતાં પહેલાં સાવધાન, નહીંતર પસ્તાવવાનો વારો આવશે...

2026-09-26 15:56:08
Author: Darshana Visaria
રવિવારે લોકલ ટ્રેનમાં મુસાફરી કરતાં પહેલાં સાવધાન, નહીંતર પસ્તાવવાનો વારો આવશે...

મુંબઈઃ મુંબઈગરાઓની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનમાં દરરોજ લાખો મુસાફરો મુસાફરી કરે છે. ગણેશોત્સવને કારણે ગયા સપ્તાહના અંતે મુસાફરોની સગવડ ખાતર મેગા બ્લોક રાખવામાં આવ્યો નહોતો. જોકે, ટ્રેક અને સિગ્નલિંગ સિસ્ટમના નિયમિત સમારકામ અને જાળવણી માટે આ રવિવારે મધ્ય રેલવે અને હાર્બર લાઇન પર દિવસ દરમિયાન મોટો મેગા બ્લોક લેવામાં આવશે.

બીજી તરફ, પશ્ચિમ રેલવે પર મુસાફરોને દિવસ દરમિયાન રાહત મળશે, કારણ કે ત્યાં શનિવારની મધ્યરાત્રિથી રવિવારની વહેલી સવાર સુધી નાઇટ બ્લોક રાખવામાં આવ્યો છે, જેથી રવિવારે દિવસે ટ્રેનો સામાન્ય શેડ્યૂલ મુજબ દોડશે.

મધ્ય રેલવે પર માટુંગાથી મુલુંડ વચ્ચે અપ-ડાઉન સ્લો લાઈન પર સવારે 11થી સાંજે 4 વાગ્યા સુધી મેગા બ્લોક હાથ ધરવામાં આવશે. બ્લોકના સમયગાળા દરમિયાન આ સેક્શનમાં લોકલ સેવાઓ પ્રભાવિત થશે. ટ્રેનોને ધીમા માર્ગ પરથી ફાસ્ટ માર્ગ પર વાળવામાં આવશે, જેના લીધે કેટલીક ટ્રેન ફેરીઓ રદ રહેશે અને ટ્રેનો 15થી 20 મિનિટ મોડી દોડશે.

હાર્બર લાઈન પર કુર્લાથી વાશી વચ્ચે અપ-જાઉન લાઈન પર સવારે 11.10 કલાકથી સાંજે 4.10 વાગ્યા સુધી મેગા બ્લોક હાથ ધરવામાં આવશે. બ્લોકના સમયગાળા દરમિયાન સીએસએમટીથી વાશી/બેલાપુર/પનવેલ વચ્ચે અપ અને ડાઉન લોકલ સેવાઓ સંપૂર્ણ બંધ રહેશે. 

જોકે, મુસાફરોની સુવિધા માટે સીએસએમટીથી કુર્લા અને પનવેલ થી વાશી વચ્ચે વિશેષ લોકલ ટ્રેનો ચલાવવામાં આવશે. ટ્રાન્સ હાર્બર લાઈન પર થાણે-વાશી/નેરૂલ અને ઉરણ પોર્ટ માર્ગ પરની લોકલ ટ્રેનો રાબેતા મુજબ દોડશે. સમગ્ર હાર્બર લાઇન પર લોકલ ટ્રેનો 15થી 20 મિનિટ મોડી ચાલશે.

પશ્ચિમ રેલવે ભાયંદરથી વસઈ રોડ વચ્ચે અપ-ડાઉન સ્લો લાઈન પર આજે રાતે 12.30 કલાકથી રવિવારે વહેલી સવારે 4.30 કલાક સુધી બ્લોક હાથ ધરવામાં આવશે. બ્લોકના સમયગાળા દરમિયાન વિરાર/વસઈ રોડથી બોરીવલી/ભાયંદર વચ્ચે દોડતી સ્લો લોકલ ટ્રેનોને ફાસ્ટ ટ્રેક પર દોડાવવામાં આવશે. કેટલીક મોડી રાતની લોકલ સર્વિસ રદ રહેશે. ટૂંકમાં રવિવારે દિવસે વેસ્ટર્ન રેલવે પર કોઈ ડે-બ્લોક રહેશે નહીં રહે જેને કારણે પ્રવાસીઓને રાહત રહેશે.