મુંબઈ-પુણે-હૈદરાબાદ અને ચેન્નઈ-બેંગલોર હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટથી મુસાફરીનો સમય ઘટશે, અલાઈનમેન્ટની પ્રક્રિયા શરૂ
મુંબઈ/નવી દિલ્હીઃ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન બાદ હવે મુંબઈથી પુણે થઈને હૈદરાબાદ સુધી હાઈસ્પીડ રેલ કોરિડોર બનાવવાની તૈયારીઓએ જોર પકડ્યું છે. મુંબઈ-પુણે-હૈદરાબાદ અને હૈદરાબાદ-ચેન્નઈ હાઈસ્પીડ રેલવે કોરિડોરનું અલાઈનમેન્ટ નક્કી થઈ ગયું છે અને જમીનસંપાદન પહેલાંની સંયુક્ત સર્વેની પ્રક્રિયા આગળ વધારવામાં આવી રહી છે.
મુંબઈ-પુણે-હૈદરાબાદ કોરિડોરની લંબાઈ આશરે 711થી 767 કિલોમીટર રહેવાની શક્યતા છે. હાલ મુંબઈથી હૈદરાબાદની ટ્રેન મુસાફરીમાં 12થી 14 કલાકનો સમય લાગે છે, જ્યારે પ્રસ્તાવિત હાઈસ્પીડ ટ્રેનથી આ અંતર આશરે 3 કલાકમાં કાપવાનું લક્ષ્ય છે. ટ્રેનની ડિઝાઇન સ્પીડ 350 કિમી પ્રતિ કલાક અને ઓપરેશનલ સ્પીડ 320 કિમી પ્રતિ કલાક રાખવાની યોજના છે.
આ કોરિડોરમાં મુંબઈના બીકેસી અને નવી મુંબઈ બાદ લોનાવાલા, પિંપરી-ચિંચવડ, પુણે, બારામતી, પંઢરપુર અને સોલાપુર જેવા સ્થળોને જોડવાનો પ્રસ્તાવ છે. ત્યારબાદ કર્ણાટકના કાલબુર્ગી અને તેલંગણાના વિકારાબાદ, ઝહીરાબાદ થઈને શમશાબાદ ખાતે હાઈસ્પીડ રેલ હબ બનાવવાની યોજના છે. શમશાબાદમાં લગભગ 500 એકરના મેગા ટર્મિનલ દ્વારા મુંબઈ, ચેન્નાઈ અને બેંગ્લુરુ તરફના કોરિડોરને જોડવાની યોજના છે.
આ સાથે હૈદરાબાદ-ચેન્નઈ હાઈસ્પીડ રેલ કોરિડોર પણ વિકસાવવામાં આવી રહ્યો છે. આશરે 760થી 778 કિમીના આ રૂટથી હૈદરાબાદ અને ચેન્નઈ વચ્ચેની મુસાફરીનો સમય 12 કલાકથી ઘટીને લગભગ અઢીથી ત્રણ કલાક થઈ શકે છે. પ્રસ્તાવિત રૂટમાં અમરાવતી, ગુંટુર, ઓંગોલે, નેલ્લોર અને તિરુપતિ જેવા શહેરોને જોડવાની યોજના છે.
રેલવે મંત્રાલયે દેશભરમાં હાઈસ્પીડ રેલ નેટવર્કના વિસ્તરણ માટે સાત કોરિડોરની પસંદગી કરી છે. તેમાં મુંબઈ-પુણે મુસાફરીનો સમય 48 મિનિટ સુધી ઘટાડવાનો અને પુણે-હૈદરાબાદનો સમય આશરે 1 કલાક 55 મિનિટ સુધી ઘટાડવાનો અંદાજ છે. ચેન્નઈ-બેંગલોર માટે 1 કલાક 13 મિનિટ અને બેંગલોર-હૈદરાબાદની મુસાફરી માત્ર 2 કલાકમાં પૂર્ણ કરી શકાશે.
દરમિયાન, દેશની પ્રથમ મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ સેવા તબક્કાવાર શરૂ કરવાની તૈયારી ચાલી રહી છે. રેલવે મંત્રાલય અનુસાર 508 કિમીના આ કોરિડોરનો પ્રથમ તબક્કો ઓગસ્ટ 2027માં શરૂ થવાની અપેક્ષા છે. આ પ્રોજેક્ટ બાદ મુંબઈ-પુણે-હૈદરાબાદ સહિતના નવા કોરિડોર દેશના હાઈસ્પીડ રેલ નેટવર્કને વધુ વિસ્તૃત કરવાની દિશામાં મહત્વપૂર્ણ પ્રસ્તાવ તૈયાર કરાઈ રહ્યા છે.