(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં વધતા વાયુ પ્રદૂષણની અસર હવાની ગુણવત્તાને થઈ રહી છે. પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા માટે પાલિકાએ હવામાં રહેલા ધૂળના કણોને ઓછા કરવા માટે કમર કસી છે, જે અંતર્ગત રસ્તા પરથી ઉડનારી ધૂળને રોકવા માટે હવે આખા વર્ષ દરમ્યાન રસ્તા ધોવામાં આવવાના છે. ચોમાસાને છોડીને બાકીના દિવસો દરમ્યાન રસ્તા ધોવા માટે ૧૨૫ પાણીના ટેન્કર ભાડા પર લેવાની છે. તો શહેરની ગલીઓમાં રહેલા રસ્તાને ધોવા માટે નાના ટેન્કર લેવામાં આવવાના છે.
મુંબઈમાં છેલ્લા થોડા વર્ષોથી પ્રદૂષણનું પ્રમાણ સતત વધી રહ્યું છે. ચોમાસાના ચાર મહિના બાદ કરતા મોટાભાગના સમયે વાતાવરણમાં પ્રદૂષણનું પ્રમાણ વધવાથી હવાની ગુણવત્તાને પણ અસર થઈ રહી છે. મોટા પ્રમાણમાં થઈ રહેલા વિકાસના કામ, ક્ધસ્ટ્રકશન, રસ્તા પર વાહનોની વધતી અવરજવરને કારણે ધૂળનું પ્રમાણ વધી રહ્યું છે અને તેની સીધી અસર પ્રદૂષણને થઈ રહી છે.
તેથી પાલિકાએ રસ્તા પર જમા થતી ધૂળને દાબી દેવાના ઉપાય તરીકે પાલિકાએ રસ્તાને પાણીથી ધોવાનું નક્કી કર્યું હતું. તે માટે ટેન્ડર પ્રક્રિયા અમલમાં મૂકી હતી, જેમાં હવે અત્યાધુનિક મોબાઈલ વોટર મિસ્ટિંગ અને સ્પ્રિંકલર સિસ્ટમ મશીન ભાડા પર લેવામાં આવવાના છે, જેમાં વાહન આધારિત મોબાઈલ મિસ્ટિંગ યુનિટનો પણ સમાવેશ રહેશે. આ અગાઉ પણ ધૂળ હટાવવા માટે રસ્તાને પાણીથી ધોવાનો પર્યાય મુંબઈ મહાનગરપાલિકાએ અમલમાં મૂકયો હતો. તે માટે ટેન્કર પણ ભાડેથી લેવામાં આવ્યા હતા પણ ટેન્કરના કૉન્ટ્રેક્ટ પૂરા થઈ ગયા હતા. તેથી હવે નવેસરથી ૧૨૫ ટેન્કર ભાડા પર લેવામાં આવવાના છે.