Thu Sep 10 2026

Logo

એમટીએનએલના અંડરગ્રાઉન્ડ કૉપર કેબલ  ચોરતી બે ટોળકીના સાત સભ્યોની ધરપકડ

2026-08-04 18:23:51
Author: Yogesh D. Patel
એમટીએનએલના અંડરગ્રાઉન્ડ કૉપર કેબલ  ચોરતી બે ટોળકીના સાત સભ્યોની ધરપકડ

મુંબઈ: દક્ષિણ મુંબઈમાં જે. જે. માર્ગ પોલીસ સ્ટેશનની હદમાં મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ (એમટીએનએલ)ના અંડરગ્રાઉન્ડ કૉપર કેબલ ચોરતી બે ટોળકીના સાત સભ્યોને પોલીસે પકડી પાડી લોકઅપભેગા કરી દીધા હતા. આરોપીઓ પાસેથી ચોરેલા કેબલ, કેબલ કાપવા માટે લાગતાં સાધનો સહિત પંચાવન લાખની મતા જપ્ત કરાઇ હતી.

જે.જે. માર્ગ પોલીસે 2 ઑગસ્ટે મળેલી માહિતીને આધારે રેલવે કોલોની સામેની ફૂટપાથ પર જમીન ખોદી રહેલા બે આરોપીને પકડી પાડ્યા હતા, જ્યારે તેમના બે સાથીદાર ટેમ્પોમાં ત્યાંથી ફરાર થઇ ગયા હતા. પોલીસે પકડી પાડેલા બંને આરોપીની પૂછપરછ કરતાં તેમણે એમટીએનએલના કૉપર કેબલ ચોરી રહ્યાની કબૂલાત કરી હતી. આથી બંને આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી તેમની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે બાદમાં ત્રીજા આરોપીને પણ ઝડપી પાડ્યો હતો અને તેમણે ગુનામાં વાપરેલી સામગ્રી જપ્ત કરી હતી.

દરમિયાન 4 ઑગસ્ટે મળસકે જે. જે. માર્ગ પર બર્કલે પેલેસની ભીંતને લાગીને આવેલી ફૂટપાથ પર અમુક લોકો જેસીબી મશીનથી ખોદકામ કરી અંડરગ્રાઉન્ડ કૉપર કેબલ ચોરી રહ્યા હોવાની માહિતી મળતાં પોલીસ ટીમ ત્યાં પહોંચી ગઇ હતી અને ચાર આરોપીને તાબામાં લીધા હતા, જેઓ ચોરેલી કેબલ ટેમ્પોમાં ભરી રહ્યા હતા. આરોપીઓ પાસેથી ચોરેલા 70 મીટર કેબલ, કેબલ કાપવા માટેનાં સાધનો, કાર અને ટેમ્પો જપ્ત કરાયાં હતાં.