Fri Aug 28 2026

Logo

મિચલ સૅન્ટનરે ગંભીર આક્ષેપ કર્યો કે `મુંબઈ ઇન્ડિયન્સે મને...'

2026-06-03 19:49:59
Author: Ajay Motiwala
મિચલ સૅન્ટનરે ગંભીર આક્ષેપ કર્યો કે `મુંબઈ ઇન્ડિયન્સે મને...'

નવી દિલ્હીઃ આઇપીએલ-2026માં 14માંથી 10 મૅચમાં પરાજિત થનાર મુંબઈ ઇન્ડિયન્સ (MI)ના ફ્રૅન્ચાઇઝી સામે કિવી કૅપ્ટન અને ઑલરાઉન્ડર મિચલ સૅન્ટનરે એવો દાવો કર્યો છે કે આ ફ્રૅન્ચાઇઝીએ તેને બે કરોડ રૂપિયાની ફી (FEE)ની માત્ર અડધી રકમ આપી છે.

સૅન્ટનર (SANTNER)નું કહેવું છે કે બન્ને ખભામાં ઈજા થઈ હોવાથી તેણે અધવચ્ચેથી જ આઇપીએલ છોડી દેવી પડી હતી. જોકે તેના મતે નિયમ અનુસાર ઈજાગ્રસ્ત ખેલાડી પૂરી ફીનો હકદાર હોય છે.

લૉર્ડ્સમાં ચોથી જૂને ઇંગ્લૅન્ડ સામે શરૂ થનારી ન્યૂ ઝીલૅન્ડની પ્રથમ ટેસ્ટ પહેલાં એક પૉડકાસ્ટ પર સૅન્ટનરને આ વખતની આઇપીએલ દરમ્યાન થયેલી ઈજા વિશે સવાલ પૂછવામાં આવ્યો હતો. તે ઈજાનું બહાનું કાઢીને આઇપીએલ છોડી ગયો અને ન્યૂ ઝીલૅન્ડની ટેસ્ટ ટીમમાં જોડાઈ ગયો એવી વાતો સોશ્યલ મીડિયામાં ફેલાઈ છે.

સૅન્ટનરે આ બન્ને મુદ્દે જવાબ આપતાં કહ્યું, `મારા બીજા બાળકના જન્મને કારણે હું મુંબઈ ઇન્ડિયન્સની પ્રથમ મૅચ નહોતો રમ્યો. ત્યાર બાદ હું સીધો ભારત પહોંચી ગયો અને દિલ્હી સામેની મૅચમાં રમ્યો હતો જેમાં મને જમણા ખભામાં ઈજા થઈ હતી અને પછીથી થોડા સમય બાદ ટૂર્નામેન્ટમાં વાપસી કર્યા પછી મને ડાબા ખભામાં ઈજા પહોંચી હતી.'

સૅન્ટનરે પૉડકાસ્ટ પરના ઇન્ટરવ્યૂમાં કહ્યું,`મને બે અઠવાડિયામાં બન્ને ખભામાં ઈજા થઈ હતી. મને લાગ્યું કે હું ટીમ માટે મારું શરીર દાવ પર લગાવી રહ્યો છું. જોકે વાસ્તવમાં કદાચ એવું નહીં માનવામાં આવ્યું હોય. આ ઈજાઓ બાદ મુંબઈ ઇન્ડિયન્સે મને બે કરોડ રૂપિયાની ફીનો અડધો હિસ્સો જ આપ્યો. આ વાત મને ખૂબ ખૂંચી રહી છે. ડૉક્ટરે મને આઠ અઠવાડિયા ક્રિકેટથી દૂર રહેવા કહ્યું હતું, પણ મારી રિકવરી ધાર્યા કરતાં ઘણી ઝડપથી થઈ.'

આ વખતની આઇપીએલમાં સૅન્ટનર ચાર મૅચ રમ્યો હતો જેમાં તેણે કુલ પાંચ વિકેટ લીધી હતી. 8.92 તેનો ઇકોનોમી-રેટ હતો અને 25.00 તેની બોલિંગ-ઍવરેજ હતી. 26મી એપ્રિલે જ તેને સત્તાવાર રીતે ટૂર્નામેન્ટની બહાર થયેલો ઘોષિત કરવામાં આવ્યો હતો અને તેના સ્થાને સાઉથ આફ્રિકન સ્પિનર કેશવ મહારાજને સ્ક્વૉડમાં સમાવવામાં આવ્યો હતો.

આઇપીએલના નિયમ મુજબ જો કોઈ ખેલાડી આઇપીએલની ટૂર્નામેન્ટ દરમ્યાન ઈજા પામે તો તેને ઑક્શનમાં નક્કી થયેલી અથવા ટ્રેડ ડીલમાં ફિક્સ કરવામાં આવેલી પૂરી રકમ મળે એવી જોગવાઈ છે. જોકે બીસીસીઆઇનો એવો કોઈ નિયમ નથી કે ટૂર્નામેન્ટ પૂરી થતાં જ ખેલાડીને નક્કી થયેલી પૂરી ફી મળી જાય. આ ફી ક્યારેક બે-ત્રણ હપ્તામાં અપાતી હોય છે. બની શકે કે સૅન્ટનરને આ નિયમની જાણ નહીં હોય.