શ્રીલેખા યાજ્ઞિક
ભારતીય સંસ્કૃતિ તેમ જ ભારતીય આહાર વિજ્ઞાન વિશ્ર્વમાં શ્રેષ્ઠ ગણાય છે. આપણી સંસ્કૃતિની ઓળખ વિવિધ ક્ષેત્રમાં સમાયેલાં આપણાં ઉચ્ચ આચાર-વિચાર-પરંપરાગત રીત-રસમમાં જોવા મળે છે. યોગ જેનું સર્વોત્તમ ઉદાહરણ ગણાવી શકાય. વાર-તહેવારે આપણાં ધર્મમાં ઉપવાસ-એકટાણાં તેમ જ નિર્જળા સાધનાનું અત્યંત મહત્ત્વ જોવા મળે છે. તો બીજી તરફ અન્નને કઈ રીતે ખાવા યોગ્ય બનાવવું તેની ચોક્કસ પદ્ધતિનો ઉલ્લેખ જોવા મળે છે.
ભોજન હંમેશાં ધીમા તાપે પકાવવું જોઈએ. ઓછા મસાલા સાથે તૈયાર કરવું જોઈએ. અનેક શાકભાજીને બને ત્યાં સુધી કાચા ખાવાની સલાહ આપવામાં આવેલી છે. દાળ-શાકભાજીને શુદ્ધ ઘીમાં ધીમા તાપે પકાવવાથી તેના પોષણ મૂલ્યો જળવાઈ રહે છે. મસાલાનો ઉપયોગ લઘુતમ કરવાનાં ખાસ સૂચનો જોવા મળે છે.
તીખાશ માટે મરી પાઉડર વધુ યોગ્ય ગણાયો છે. ભોજન બાદ છાતીમાં બળતરાંથી બચવું હોય તો ગોળની ગાંગડી ચાવી જવાની સલાહ તેમાં જોવા મળે છે. આજે આપણે જે મિશ્રી વિશે વાત કરવાનાં છીએ તેમાં અનેક આરોગ્યવર્ધક ગુણો સમાયેલાં છે. તેને કેમ શુભ ગણવામાં આવે છે તે વિશે પણ વાત કરીશું.
મિશ્રીને અંગ્રેજીમાં રૉક શુગર કે શુગર કૅન્ડી તરીકે ઓળખવામાં આવે છે. એવું કહેવાય છે કે પ્રાચીન કાળમાં મીઠાઈ તૈયાર કરવામાં આવતી ત્યારે મિશ્રીનો ઉપયોગ ગળપણ તરીકે થતો. ભારતીય સંસ્કૃતિમાં શેરડીના સાઠાને ધાર્મિક વિધિમાં ખાસ ઉપયોગમાં લેવામાં આવે છે. તેમ જ શરેડીના રસની ધારા શ્રાવણ માસમાં ભગવાન શંકરને રિઝવવા ખાસ કરવામાં આવે છે. ‘મિશ્રી’ શેરડીના રસમાંથી તૈયાર થાય છે. શેરડીના રસને ધીમી આંચ ઉપર એવી રીતે પકાવવામાં આવતો કે જેથી પારદર્શક મિશ્રી તૈયાર થતી. તેનો સ્વાદ સાદી ખાંડ કરતાં વધુ મીઠો લાગતો.
ભારતીય સંસ્કૃતિમાં મિશ્રી કે સાકરને શુભતાનું પ્રતીક ગણવામાં આવે છે. આપણાં કોઈપણ મંદિરમાં સૌ પ્રથમ ભોગ મિશ્રીનો લગાવવામાં આવે છે. કેસરવાળા કઢિયેલ દૂધનો ભોગ ધરાવવામાં આવે છે તેમાં પણ સાકરની જગ્યાએ મોટે ભાગે મિશ્રીનો જ ઉપયોગ કરવામાં આવતો હોય છે. તેની પાછળ એવી માન્યતા જોવા મળે છે કે ભગવાન કૃષ્ણને રાધા અતિ પ્રિય છે. સૌરાષ્ટ્રમાં આવેલ દ્વારિકાધામમાં સ્થિત દ્વારિકાધીશજીને મંગલા ભોગમાં માખણ-મિશ્રીનો ભોગ ધરાવવામાં આવે છે. જે મિશ્રીનો ઉપયોગ કરવામાં આવે છે તે રાધાજીને પ્રથમ ધરાવ્યા બાદ ભગવાન કૃષ્ણની પાસે લાવવામાં આવે છે.
આમ મિશ્રને રાધાજીનું સ્વરૂપ ગણવામાં આવે છે. જેથી તે પવિત્ર-તેમજ શુભતાનું પ્રતીક ગણાય છે. ભગવાન બ્રહ્મ મુહૂર્તમાં ઊઠે છે. તેથી પ્રથમ ભોગ જો મિશ્રી તેમ જ કેસરિયા દૂધનો લગાવવામાં આવે તો તેમને કફ-શરદી-સળેખમની તકલીફ થાય નહીં. દેવોને ભોગમાં ધરાવેલી મિશ્રીનો ઉપયોગ ભક્તજનોની તંદુરસ્તી જળવાઈ રહે તે માટે ખાસ કરવામાં આવતો હોય છે. એવું પણ કહેવાય છે કે મુખવાસ તરીકે મિશ્રીનો ઉપયોગ કરવાથી પાચન સારી રીતે થાય છે. વળી પાચન બાદ ખાટા ઓડકાર કે છાતીમાં બળતરા જેવી સમસ્યાથી બચી શકાય છે.
મિશ્રી એટલે કે ખડી સાકરના વિવિધ પ્રકાર જોવા મળે છે. જેમાં તેની પકાવવાની વિધિમાં થોડો ફેરફાર જોવા મળે છે. આયુર્વેદમાં મિશ્રીનો ઉપયોગ ખાસ સૂચવવામાં આવ્યો છે. મિશ્રી કે સાકર જે દેખાવમાં એક સરખી હોતી નથી. પારદર્શક ગાંગડામાં જોવા મળે છે. એવું કહેવાય છે કે તે મિશ્રી અનપ્રોસેસ્ડ્ હોય છે. એટલે કે તેમાં કેમિકલનો ઉપયોગ થયો હોતો નથી. જેથી તેમાં પ્રાકૃતિક ગુણોની માત્રા વધુ હોય છે.
મિશ્રીના વિવિધ પ્રકાર જોઈએ તો પ્રથમ ધાગા મિશ્રી, દાણા મિશ્રી, તાડ મિશ્રી તેમ જ બ્રાઉન મિશ્રી ગણાવી શકાય.
ધાગા કે દોરામાં મિશ્રી : આ પ્રકારની મિશ્રી તૈયાર કરવા માટે ખાસ પ્રકારના જાડા સુતરાઉ દોરાનો ઉપયોગ મિશ્રી બનાવવા માટે કરવામાં આવે છે. દોરાને શેરડીના રસના મિશ્રણમાં ડૂબાડવામાં આવે છે. જેથી દોરાની આસપાસ ધીમે ધીમે પારદર્શક સાકર જમા થવા લાગે છે. જે આયુર્વેદમાં સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ મિશ્રી પ્રાકૃતિક રીતે તૈયાર થતી હોવાથી તે સ્વાસ્થ્ય માટે વધુ ગુણકારી ગણાય છે. કેમ કે તે ઓછી પ્રોસેસ્ડ્ હોય છે. હોળીમાં ધાગા મિશ્રીના હારને હોળીની આસપાસ વિંટાળવામાં આવે છે.
પાસા મિશ્રી કે દાણા મિશ્રી : આ પ્રકારની સાકર પારદર્શક હોવાની સાથે એક સરખી હોય છે. જે મશીનમાં તૈયાર કરવામાં આવે છે. તેનો ઉપયોગ મીઠાઈઓમાં, શરબત, રોજબરોજની વિવિધ રીતે બનતી ખાદ્ય સામગ્રીમાં કરી શકાય છે. પ્રભુને મિશ્રીનો અચૂક ભોગ લગાવવામાં આવે છે. મંદિરમાં દર્શન બાદ ભક્તોનાં હાથમાં થોડી થોડી પૂજારીજી દ્વારા મિશ્રીનો પ્રસાદી આપવામાં આવે છે. તે દાણા મિશ્રીને નામે ઓળખાય છે. તેમાં સુતરાઉ દોરીનો ઉપયોગ થતો નથી. તેથી એકસમાન જોવા મળે છે. દોરાનો ઉપયોગ ન થવાને કારણે તે ઝડપથી તૈયાર થાય છે. દેખાવમાં પારદર્શક મિશ્રી સ્વાદની સાથે આકર્ષક લાગે છે.
તાડ મિશ્રી : તાડના વૃક્ષના રસમાંથી બનતી હોવાથી તેને તાડ મિશ્રી કહેવામાં આવે છે. જે વધુ સ્વાદિષ્ટ તેમજ પ્રાકૃતિક ગણાય છે. તેનો રંગ આછો લાલાશ પડતો તેમજ સ્વાદ કૅરમલ જેવો હોય છે. તેમાં ખનીજની માત્રા વધુ હોય છે. તેનો ગ્લાઈસેમિક ઈન્ડેક્સ રિફાઈન્ડ સાકરથી ઓછો હોય છે. દક્ષિણ ભારતીય વ્યંજનોમાં તેનો ઉપયોગ મોટા પ્રમાણમાં થતો હોય છે.
બ્રાઉન મિશ્રી : તેનો રંગ આછો બ્રાઉન હોવાની સાથે તે વધુ ગુણકારી ગણાય છે. કેમ કે તેને સફેદ મિશ્રીની સરખામણીમાં ઓછી પ્રોસેસ કરવામાં આવતી હોય છે.
મિશ્રીના સ્વાસ્થ્ય વર્ધક લાભ : પાચનમાં લાભકારી : મિશ્રીને ભોજન બાદ જો મુખવાસ તરીકે ખાવામાં આવે તો સ્વાસ્થ્ય માટે ગુણકારી ગણાય છે. કેમ કે મિશ્રીમાં રહેલી મીઠાશ પાચન ઍન્ઝાઈમ્સના સ્રાવને વધારવામાં મદદ કરે છે. જેને કારણે ભોજન પચાવવામાં મદદ મળે છે. થોડી મિશ્રી અપચાની સમસ્યાથી રાહત અપાવે છે.
ગળાની ખારાશ તેમજ કફમાં રાહત : વડીલો વારંવાર એવું કહેતાં કે મિશ્રીની સાથે થોડો મરી પાઉડર તેમજ ઘી ભેળવીને ચાવી જવાથી ગળાની ખારાશ તેમજ કફની તકલીફમાં ઝડપથી રાહત મળે છે.
શરીરને શક્તિ પ્રદાન કરે છે : ઘરની બહાર નીકળતી વખતે પ્રસાદી તરીકે પણ જો મિશ્રીનો ઉપયોગ કરવામાં આવે તો શરીરને બહારની ભીડભાડ તેમજ મોસમના બદલાવ સામે ટકી રહેવાની ઊર્જા મળી રહે છે. કેમ કે આજકાલ ઘરથી બહાર નીકળતી વખતે મોટેભાગે બહુ ઓછા લોકો પાસે શાંતિથી નાસ્તો કરવાનો કે એક કપ દૂધ પીવાનો સમય રહે છે. જેને કારણે અનેક વખત જોવા મળે છે કે ચક્કર આવવાને કારણે કે શરીરમાં નબળાઈ વર્તાવાને કારણે વ્યક્તિ અચાનક બેસી જાય છે. અથવા બેભાન બની જાય તેવું જોવા મળે છે. આવા સંજોગોથી બચવું હોય તેમણે ઘરની બહાર નીકળતી વખતે થોડી મિશ્રી મોંમાં મૂકવી લાભકારી બની રહેશે.
શરીરને ઠંડક આપે છે : મિશ્રીનો ઉપયોગ જો કાચી ખાવાનો ના ફાવતો હોય તો મિશ્રીને પાણીમાં ભેળવીને તેમાં વરિયાળી, ગુલાબ કે લીંબુનો રસ ભેળવીને શરબત તરીકે પીવાથી વાતાવરણમાં જોવા મળતાં બદલાવની અસરથી શરીરને બચાવી શકાય છે. મિશ્રીવાળું પાણી પીવાથી શરીરને ટાઢક મળે છે.
હિમોગ્લોબીન સુધારવામાં મદદરૂપ : તાડ મિશ્રીનો ઉપયોગ લોહીમાં હિમોગ્લોબીનની માત્રા વધારવામાં મદદ કરે છે. વ્યક્તિને ઍનિમિયાની તકલીફથી બચાવવામાં મદદ કરે છે.
મોંની દુર્ગંધને દૂર કરવામાં ફાયદાકારક : અનેક વ્યક્તિ આપને એવી જોવા મળશે કે જેમના મોંમીથી સતત દુર્ગંધ આવતી જ રહેતી હોય છે. આવા સંજોગોમાં વરિયાળીની સાથે મિશ્રીને ચાવી જવાથી મોંની વાસ ધીમે ધીમે ઓછી થતી જોવા મળે છે.
ડાયાબિટીસના દર્દીઓએ મિશ્રીનું સેવન કરતાં પહેલાં નિષ્ણાત ડૉક્ટરની સલાહ લેવી આવશ્યક બની જાય છે.
તાડ મિશ્રીનો ઉપયોગ પ્રસૂતિ બાદ કરવાથી સ્તનપાન કરાવતી માતા માટે ફાયદાકારક ગણાય છે. પ્રસૂતિબાદ માતાનું માનસિક સ્વાસ્થ્ય વધારવામાં મદદ કરે છે. દૂધને વધારવામાં મદદ કરે છે. ઓછી ગળપણ ધરાવતી હોવાને કારણે તેના સેવનથી વજન વધવાની સમસ્યાથી બચી શકાય છે.
મિશ્રીનો ઉપયોગ વિવિધ રીતે કરી શકાય છે. ગણેશ-ચતુર્થીના ખાસ બનતાં ઘઉંના લાડુમાં પાસા સાકરને દળીને ઉપયોગ કરવામાં આવે છે. જો ગોળનો લાડુ બનાવવામાં આવ્યો હોય તો તેમાં 2-3 ચમચી પાસા સાકરને ભેળવવામાં આવે છે. તેની સાથે કોપરાને તળીને ઉપયોગમાં લેવાય છે. જે લાડુનો સ્વાદ વધારવામાં મદદ કરે છે. જેમને કફ-શરદીની તકલીફ હોય કે છાતીમાં બળતરાં રહેતી હોય તેવી વ્યક્તિએ પાસા સાકરનો ઉપયોગ કરવો જોઈએ.
ગરમીના દિવસોમાં લીંબુનું શરબત પીવાની ઈચ્છા થતી હોય તેમણે ખાંડની જગ્યાએ ખડી સાકરનો ઉપયોગ કરવો જોઈએ. રાયતું બનાવતી વખતે દહીંમાં ખડી સાકરનો ઉપયોગ કરવો વધુ યોગ્ય ગણાય છે.
વરિયાળી-બદામ-ખડી સાકરનો મુખવાસ
સામગ્રી: 1 વાટકી બદામ ધીમા તાપે શેકેલી, 1 વાટકી શેકેલી વરિયાળી, 1 વાટકી ખડી સાકરનો ભૂકો.
બનાવવાની રીત : સૌ પ્રથમ ખડી સાકરનો પાઉડર બનાવી લેવો. શેકેલી બદામનો પાઉડર બનાવી લેવો. વરિયાળીને શેકીને તેનો પાઉડર તૈયાર કરવો. હવે બધી જ સામગ્રી ભેળવીને કાચની બરણીમાં ભરી લેવી. ભોજન બાદ પ્રતિદિન એક ચમચી ફાંકી જવું. આ મિશ્રણ શરીરને શક્તિ પ્રદાન કરે છે. વરિયાળીનોે સ્વાદ ખડીસાકર સાથે અત્યંત સ્વાદિષ્ટ લાગે છે.