સંજય છેલ
ભ્રષ્ટાચાર સાથે આમ તો આપણો પરિચય બાળપણથી જ થઈ જાય છે. જન્મ લેતા વેંત જ બાળકને ખબર પડી જાય છે કે નર્સ કે ડોક્ટરની સાથે કાંઈ લીધા-દીધા વિના એની સુવાવડ ના થઈ શકે. બાળકનો બાપ પણ જાણે જ છે કે છેલ્લી ઘડીએ હોસ્પિટલમાં બેડ મેળવવા એણે શું શું કરવું પડેલું. પણ બાળક ખુશ છે કે ચલો, જે કોઈ રીતે ને જે કાંઈ થયું પણ છેવટે મારો જન્મ તો થઈ ગયો ને! શું છે કે કામ ચાલતું રહેવું જોઈએ. પૈસાની સામું જોશો તો આગળ કેમ ચાલશે? આજે ખર્ચો કરીએ છીએ તો કાલે કમાઈ પણ લેશું! શું કહો છો?
બાળકને ઘરે લઈ ગયા બાદ પણ બધી સરસ વ્યવસ્થા જોઈએ. અરે, કેટલી જાતના સામાન મળે છે બજારમાં. બાળક જાહેરાતો જુએ છે અને એને ખબર છે કે ‘ઉસ કો ક્યા ક્યા માંગતા!’ આ એના જીવનો સવાલ છે. છેવટે એક જ જીવન જીવવા મળ્યું છે એને. પ્રોટીન ને વિટામિન મોંઘા હોય તો ભલે હોય. એને એ જોઈએ એટલે જોઇએ જ! એ તો ઊંચામાંના રમકડાથી રમવા માગે છે. એ ઇચ્છે છે કે એનોયે વિકાસ અમેરિકા-જાપાનના બાળક જેવો જ થાય! એ મા પર દબાણ લાવે છે કે એની પોતાની ખુશી માટે બાપ પર ભ્રષ્ટ થવાનો આગ્રહ કરે! મા બાળકની ખુશીમાં પોતાની ખુશી જુએ છે.
વળી બાપ પત્નીની ખુશીમાં જીવનની સફળતા માને છે. એ બાળક માટે મોંઘા રમકડાં, મોંઘી સ્કૂલ, મોંઘી આયા, મોંઘા ટીચર અને બાળકની ઓકાતથી મોંઘા એવા દોસ્તોની દોસ્તીનો પ્રબંધ કરી આપે છે. આ બધા માટે એ જરૂરી ભ્રષ્ટાચાર કરીને પૈસા કમાઈ લે છે અને એ પૈસાથી પોતાના બાળકને દેશ માટે એક શ્રેષ્ઠ, ઉપયોગી ને કમાઉ નાગરિકના રૂપમાં વિકસીત કરવા માટે એક સરસ ઘર બનાવે છે.
કારણ કે આ નિર્મોહી દુનિયા તો ગમે ત્યારે તમને ફૂટપાથ પર લાવવા તૈયાર જ છે. એવામાં એ બાળકને સારું ઘર આપી શકે અને પોતે પણ બૂઢાપામાં ત્યાં જીવી શકે. જમીનથી લઈને ટાઈલ્સ, ચૂના કે રંગરોગાન સુધી બધું મોંઘું છે. એટલે એણે હવે વધારે ભ્રષ્ટાચાર કરવો પડે છે ને પછી ઘર બની જાય છે.
હવે ભ્રષ્ટાચારમાં ઉછરેલ બાળક મોટું થઈ ગયું છે. એ હવે પોતાના વિકાસ અને ઘરની સુખ-સમૃદ્ધિનું રહસ્ય બરોબર સમજી ચૂકયો છે. હવે એણે માત્ર બાપના કામમાં એને સાથ જ નથી દેવાનો પણ બાપે ઘરમાં જે સુખ-સમૃદ્ધિ આપી છે એને આગળ પણ વધારવાની છે ર્થાત્,વધુ એક ભ્રષ્ટ નાગરિક તૈયાર છે દેશની સેવામાં!
વિતેલા થોડાં વરસોમાં સિસ્ટમે માણસના જીવનની બધી સુરક્ષા ને સલામતીઓને ઓછી કરીને, એને છીનવી લેનારી બજારુ આઈટેમોથી દાટી દીધી છે.
રિટાયર્ડ ઓફિસર પણ હવે આરામથી બેસતો નથી. હવે એ પ્રાઈવેટ પાર્ટીઓને સરકારી રહસ્યો વેંચે છે, પોતાની જૂની લાગવગ વાપરીને ટેંડરો પાસ કરાવતો ફરે છે. પ્રાઈવેટમાં નોકરીઓ શોધે રાખે છે જેથી કરીને જીવનની સલામતી બની રહે અને જીવન જીવવા માટે વધુ એશો આરામની સામગ્રી ખરીદે છે.
ધારો કે ભ્રષ્ટ ઓફિસર કમાણી કરીને જાતે રિટાયર થઈ જાય કે પછી નોકરીમાંથી એને તગેડી મૂકવામાં આવે પણ સવાલ એ છે કે નવા ઉત્સાહી ઓફિસરોને ભ્રષ્ટ બનતા તમે કઈ રીતે રોકી શકશો? જે પૂરી નોકરી દરમ્યાન ઈમાનદાર રહે ને સરકારને ફાયદો કરાવતો રહે એને તમે શું ઈનામ આપશો? જેનો સર્વિસનો રેકોર્ડ સારો છે એનું પેંશન આપોઆપ વધી તો નથી જતું ને?
એટલે ટૂંકમાં, ભ્રષ્ટાચાર એ ખોટા આર્થિક અને સામાજિક રચનાની દેણગી છે.
દસેક ભ્રષ્ટ લોકોને નોકરીમાંથી તગેડી મૂકવાથી એ રાતોરાત ખતમ નહીં થાય. હા, મનમાં થોડો ડર જરૂર પેદા થશે પણ એની જરૂરિયાતો, ભ્રષ્ટાચાર કરવા માટે વધારે નાજુક, બારીક અને નવનવા આઈડિયાઓ પેદા કરશે.
એનાથી બચવાનો કોઈ ઉપાય છે ખરો?