Fri Sep 04 2026

Logo

મિની વાવાઝોડાએ કેસર કેરીના પાકનો ઓથ વાળ્યો, બગીચાઓમાં કેરીના ઢગલા

2026-03-20 15:33:00
Author: Devayat Khatana
મિની વાવાઝોડાએ કેસર કેરીના પાકનો ઓથ વાળ્યો, બગીચાઓમાં કેરીના ઢગલા

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: અમરેલી જિલ્લાના ધારી તાલુકા સહિતના વિસ્તારોમાં ત્રાટકેલા તોફાની પવન અને મિની વાવાઝોડા સાથેના કમોસમી વરસાદે બાગાયતી ખેતીને પાયમાલ કરી દીધી હતી. ખાસ કરીને કેસર કેરીના ગઢ ગણાતા ધારી તાલુકામાં કુદરતી પ્રકોપને કારણે આંબા પર લાગેલી કેરીઓ મોટા પ્રમાણમાં જમીનદોસ્ત થઈ ગઈ હતી. બગીચાઓમાં ઠેર-ઠેર કેરીના ઢગલા જોવા મળી રહ્યા છે, જેનાથી ખેડૂતોની આખી સીઝનની મહેનત પર પાણી ફરી વળ્યું હતું. અચાનક આવેલી આ આફતે તૈયાર પાકને વ્યાપક નુકસાન પહોંચાડતા જગતનો તાત અત્યારે આર્થિક સંકટમાં મુકાયો હતો.

કેસર કેરીના ઉત્પાદન માટે જાણીતા આ વિસ્તારમાં પાક નિષ્ફળ જતાં આગામી સમયમાં બજારમાં કેરીની આવક પર માઠી અસર પડવાની શક્યતા છે. પાક મોટા પાયે ખરી જતાં કેસર પ્રેમીઓ માટે કેરી મેળવવી મુશ્કેલ બનશે અને તેના ભાવમાં પણ તોતિંગ વધારો થઈ શકે છે. હાલમાં ખેડૂતોમાં ભારે ચિંતા અને નિરાશાનો માહોલ જોવા મળી રહ્યો છે.  આ નુકસાનીનો તાત્કાલિક ધોરણે સર્વે કરવામાં આવે અને પાયમાલ થયેલા બાગાયતદારોને યોગ્ય વળતર ચૂકવીને વહારે આવે તેવી માંગ ખેડૂતોએ કરી હતી.