મોસ્કો/નવી દિલ્હીઃ મધ્યપૂર્વમાં ચાલી રહેલા યુદ્ધના માહોલ વચ્ચે ભારત માટે એક મહત્ત્વનું ડેવલપમેન્ટ જાણવા મળી રહ્યું છે. વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના સંકટ વચ્ચે ભારત સરકાર માટે મિત્ર રાષ્ટ્ર રશિયાએ મહત્ત્વની ઓફર મૂકી છે. રશિયા ભારતને ક્રૂડ ઓઈલ આપી શકે એવા મીડિયા અહેવાલ મળ્યા છે. સંભવિત પુરવઠા વિક્ષેપની અસરને ઓછી કરવા માટે રશિયા ભારતને ક્રૂડ તેલ મોકલવા તૈયાર છે, પરંતુ શું ભારત રશિયા પાસેથી ઓઈલની ખરીદી કરશે? અત્યારે ભારત દ્વારા કેવો નિર્ણય લેવામાં આવે છે તેના પર સૌની નજર રહેશે.
રશિયા ભારતને ક્રૂડ ઓઈલ આપતા તૈયાર
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે લગભગ 9.5 મિલ્યન બેરલ રશિયન ક્રૂડ ઓઇલ ભરેલા જહાજો પહેલાથી જ ભારતીય દરિયાઈ સીમા નજીક છે અને અઠવાડિયામાં રિફાઇનરી સુધી પહોંચી શકે છે, જે ભારત માટે ખુશીના સમાચાર છે, તેવામાં હજી પણ રશિયા વધારે ક્રૂડ ઓઈલ આપવા માટે તૈયાર છે. જેથી એક વાત એ સમજી શકાય કે, મધ્યપૂર્વમાં ચાલી રહેલા યુદ્ધની અસર ભારતને ઓછી થશે. શું ભારતે પહેલેથી જ રસ્તો શોધી રાખ્યો હતો? ભારતે કોઈ પણ વસ્તુ માટે એક જ દેશ પર નિર્ભર નથી રહ્યું, ભારતની આ નીતિ અત્યારે ફાયદો અપાવી રહી છે.
ભારતે ક્રૂડ ઓઇલની ખરીદી માટે વિકલ્પ શોધ્યો?
ભારત અત્યારે ક્રૂડ ઓઇલની ખરીદી માટે બીજો વિકલ્પ કેમ શોધી રહ્યું છે? સૂત્રોના જણાવ્યાં પ્રમાણે ભારત પાસે અત્યારે માત્ર 25 દિવસ ચાલે એટલું જ ક્રૂડ ઓઇલ છે. આ સાથે રિફાઇનર્સ પાસે ગેસોઇલ, ગેસોલિન અને લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (એલપીજી)નો સ્ટોક ઘટી રહ્યો છે. તેવામાં રશિયા જો ભારતને ક્રૂડ ઓઇલ આપે છે તો તે ફાયદાકારક સાબિત થશે.
વિશ્વનો સૌથી મહત્વપૂર્ણ તેલ નિકાસ માર્ગ બંધ
સૌથી મહત્વની વાત એ છે કે, ભારતની લગભગ 40 ટકા ક્રૂડ આયાત હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈને આવે છે, જે વિશ્વનો સૌથી મહત્વપૂર્ણ તેલ નિકાસ માર્ગ છે. પરંતુ અહીં ચાલી રહેલા યુદ્ધના કારણે આ માર્ગ અવરોધ ઊભી કરી રહ્યો હોવાથી ભારતની ચિંતા વધી હતી. આ રૂટ બંધ થતા અનેક દેશોએ બીજો માર્ગ પસંદ કરવો પડ્યો છે.
શું ભારતીય રિફાઈનરીઓ રશિયા પાસેથી ક્રૂડ ખરીદશે?
ભારતની વાત કરવામાં આવે તો દેશની રિફાઇનરી કંપનીઓ રોજનું 5.6 મિલિયન બેરલ ક્રૂડ ઓઇલનું પ્રોસેસિંગ કરે છે. અત્યારે રશિયા ભારતમાં 40 ટકા સુધીમાં ક્રૂડની જરૂરિયાતોને પૂર્ણ કરી શકે છે. અમેરિકા સાથે વધેલા તણાવ વચ્ચે ભારતે જાન્યુઆરીમાં રશિયન ક્રૂડ ખરીદવાનું ઘટાડ્યું હતું. જેથી ભારતે અત્યારે આ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. અત્યારે ભારતની રિફાઈનરીઓ અત્યારે રશિયાન ક્રૂડ વેચતી કંપનીઓ સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહી છે. પરંતુ મહત્વની વાત એ છે કે, રશિયા પાસેથી આયાતમાં વધારો કરવો કે નહીં તે સરકારના માર્ગદર્શન પર આધાર રાખશે.