Mon Oct 05 2026

Logo

જંગ વિદેશમાં, ઝટકો ભારતમાં: મિડલ ઈસ્ટના તણાવની ભારતની નિકાસ પર અસર, 2,000 કાર દરિયામાં ફસાઈ

2026-03-10 16:12:39
Author: Devayat Khatana
જંગ વિદેશમાં, ઝટકો ભારતમાં: મિડલ ઈસ્ટના તણાવની ભારતની નિકાસ પર અસર, 2,000 કાર દરિયામાં ફસાઈ

નવી દિલ્હી: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવની અસર હવે  ભારતીય બંદરો અને નિકાસ વેપાર પર જોવા મળી રહી છે. ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચેના સંઘર્ષને કારણે સમુદ્રી માર્ગો અસુરક્ષિત બનતા માલવાહક જહાજોએ પોતાના રસ્તા બદલવાની ફરજ પડી છે. આ પરિસ્થિતિને કારણે ભારતનું એક્સપોર્ટ પ્લાનિંગ ખોરવાયું છે, જેની સૌથી મોટી અસર ઓટોમોબાઈલ અને ટેક્સટાઇલ સેક્ટર પર પડી રહી છે. જંગનું મેદાન ભલે ભારતથી દૂર હોય, પરંતુ તેનાથી દેશના આર્થિક હિતો પ્રભાવિત થઈ રહ્યા છે.

તાજેતરના અહેવાલો મુજબ, હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા દ્વારા ગલ્ફ દેશો માટે મોકલવામાં આવેલી અંદાજે 2,000 કારને હવે ચેન્નઈના પોર્ટ પર પરત લાવવાની નોબત આવી શકે છે. અગાઉ આ ગાડીઓને શ્રીલંકાના હંબનટોટા બંદર થઈને પશ્ચિમ એશિયા મોકલવાનું આયોજન હતું, પરંતુ સમુદ્રમાં વધતા જોખમને કારણે શિપિંગ કંપનીઓ કાર્ગો મૂવમેન્ટ પર ફરીથી વિચારણા કરી શકાય છે. માત્ર કાર જ નહીં, પણ અંદાજે 4,000 જેટલા કન્ટેનરને પણ તેમના નિર્ધારિત માર્ગો પરથી ડાઇવર્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી મોટા ભાગના ચેન્નઈથી મોકલવામાં આવ્યા હતા.

ફેબ્રુઆરીના અંતથી તમિલનાડુના બંદરો પર જહાજોની અવરજવર નોંધપાત્ર રીતે ધીમી પડી ગઈ છે. ખાસ કરીને હૂથુબુડીમાં આવેલું વી. ઓ. ચિદમ્બરનાર પોર્ટ, જે ગલ્ફ દેશોમાં કપડાં, ખાદ્ય સામગ્રી અને એન્જિનિયરિંગ સામાન મોકલવાનું મુખ્ય કેન્દ્ર છે, ત્યાં ગંભીર અસર જોવા મળી રહી છે. 

અનેક જહાજોને અધવચ્ચેથી પરત વળવું પડ્યું છે અથવા અન્ય પોર્ટ પર માલ ઉતારવો પડ્યો છે. ઉદાહરણ તરીકે 250 કન્ટેનર લઈને રવાના થયેલા એક જહાજને રસ્તો બદલીને જવાહરલાલ નેહરુ પોર્ટ પર માલ ખાલી કરવો પડ્યો હતો.

આ કટોકટીનો સામનો કરવા માટે ચેન્નાઈ પોર્ટ ઓથોરિટી અને નિકાસકારો વચ્ચે સતત બેઠકોનો દોર ચાલી રહ્યો છે. બંદરો પર વધારાના માલના સંગ્રહ માટે કામચલાઉ યાર્ડ બનાવવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. 

'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' અને લાલ સમુદ્ર જેવા જોખમી વિસ્તારોથી બચવા માટે હવે વૈકલ્પિક સમુદ્રી માર્ગો શોધવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે, જેથી ભારતીય નિકાસકારોને થતું નુકસાન ઘટાડી શકાય.