આરોપી વિરુદ્ધ 53 ગુનાની નોંધ: ચોરીની કાર ખરીદનારાની ગુજરામાંથી ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આધુનિક પદ્ધતિથી પાંચથી દસ મિનિટમાં જ કાર ચોરનારા ‘હાઈટેક’ ચોરને મીરા-ભાયંદર વસઈ-વિરાર પોલીસની ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડ્યો હતો. આરોપી વિરુદ્ધ 53થી વધુ ગુનાની નોંધ હોઈ ચોરીની કાર ખરીદનારા ગુજરાતના યુવાની પણ પોલીસે ધરપકડ કરી હતી.
ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-3ના અધિકારીઓએ પકડી પાડેલા આરોપીઓની ઓળખ મોહમ્મદ તૌફીક હબિબુલ્લાહ (47) અને વીરેન્દ્ર સીતારામભાઈ શર્મા (38) તરીકે થઈ હતી. આરોપી પાસેથી ચોરીની બે કાર અને એક બાઈક જપ્ત કરવામાં આવી હતી.
નાલાસોપારા પશ્ર્ચિમમાં છેડાનગર પાસે ફરિયાદી અજય મૌર્યએ તેની કાર પાર્ક કરી હતી. 23 જાન્યુઆરીએ અજાણ્યો શખસ કાર ચોરી ફરાર થઈ જતાં અજયે નાલાસોપારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
તાજેતરના ગાળામાં વાહનચોરીની ઉપરાછાપરી ફરિયાદો મળતાં ક્રાઈમ બ્રાન્ચે પણ આ કેસની તપાસ હાથ ધરી હતી. ઘટનાસ્થળ નજીકના સીસીટીવી કૅમેરાનાં ફૂટેજને આધારે પોલીસે આરોપીને ઓળખી કાઢ્યો હતો. આરોપી મોહમ્મદને કલ્યાણથી તાબામાં લેવાયો હતો. તેની વિરુદ્ધ રાજ્યનાં વિવિધ પોલીસ સ્ટેશનોમાં 53થી વધુ ગુના નોંધાયેલા હોવાનું તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું. આરોપીએ આપેલી માહિતી પરથી પોલીસે ગુજરાતના ગાંધીનગર જિલ્લાના માનસા ખાતેથી શર્માને પકડી પાડવામાં આવ્યો હતો.
સીસીટીવી ફૂટેજ અને આરોપીએ કરેલી કબૂલાતથી પોલીસ પણ ચોંકી ગઈ હતી. આરોપી પોતાની સાથે ડિજિટલ લૉકની ચાવી બનાવવા સ્કૅનર મશીન લઈને ફરતો હતો. રસ્તાને કિનારે પાર્ક કારને તે ટાર્ગેટ કરતો. ડ્રાઈવરની બાજુની સીટ તરફના દરવાજાનો કાચ હથોડીની મદદથી તોડી તે દરવાજાને સ્પર્શ કર્યા વિના કારમાં ઘૂસતો હતો. દરવાજાને અડતાં જ સાઈરન વાગતી હોવાથી તે આ તરકીબ અજમાવતો હતો.
કારમાં ઘૂસ્યા પછી આરોપી ટૂલ બૉક્સ ઑપન કરીને ડીસીએમ સર્કિટ ડિસકનેક્ટ કરતો. પછી કારનું બૉનેટ ઑપન કરીને સાયરન મૉડને ડિસકનેક્ટ કરતો અને પછી ફરી કારમાં જઈને ઓસીએમ સર્કિટ બનાવતો અને એક્સટર્નલ વાયરથી બૅટરી ફ્યૂઝ બૉક્સ જોડીને આધુનિક પદ્ધતિના સ્કૅનર મશીનને વાયફાય કનેક્ટ કરતો.
પછી તેની મદદથી કારની સ્વીચ ઑન-ઑફ કી પર ચાવી મૂકીને કોડ ડિકોડ કરતો. આ રીતે ડુપ્લિકેટ ચાવી બનાવીને કાર સાથે રફુચક્કર થઈ જતો. આશ્ર્ચર્યની વાત એટલે આ બધી કામગીરી તે માત્ર પાંચથી દસ મિનિટમાં જ કરી નાખતો હતો. તેની વિરુદ્ધ મુંબઈની કોર્ટે પ્રોક્લેમેશન વૉરન્ટ પણ જારી કર્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું.