રાજસ્થાનના ભિવાડીમાં આજે સોમવારે સવારે એક કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ બાદ આગ ફાટી નીકળતા મોટી દુર્ઘટના સર્જાઈ છે, અહેવાલ મુજબ આ ઘટનામાં સાત કામદારોના મોત નીપજ્યા છે, હજુ પણ 2 કામદારો ફસાયા હોવાના અહેવાલ છે.
અહેવાલ મુજબ આ ઘટના ભિવાડી શહેરના ખુશખેરા-કરોલી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં બની હતી. આજે સવારે 10 વાગ્યે જોરદાર વિસ્ફોટ સાથે આગ ફાટી નીકળી હતી, નજીકની ફેકટરીઓમાં કામ કરતા કામદારો અને કર્મચારીઓ બહાર દોડી આવ્યા હતા.
વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ ઘટનાની જાણ થતાં તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. નવ લોકો અંદર ફસાયા હતા, સાત મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. બાકીના બે લોકોને બચાવવા માટે પ્રયાસો ચાલી રહી છે.
ઘટનાની જાણકારી મળતા ફાયર બ્રિગેડના 6 વાહનો ઘટનાસ્થળે પહોંચ્યા હતાં અને આગ બુઝાવવાની કાર્યવાહી શરૂ કરી હતી. નજીકમાં આવેલી ફેક્ટરીઓને ખાલી કરાવવામાં આવી છે અને વીજ પુરવઠો પણ અસ્થાયી રૂપે કાપી નાખવામાં આવ્યો છે.
ફાયર બ્રિગેડના અધિકારીના જણાવ્યા મુજબ ઇન્ડસ્ટ્રીયલ એરિયાના પ્લોટ નંબર G-1, 118માં આવેલી આ ફેક્ટરી કેટલાક મહિનાઓથી બંધ પડી હતી. ફેક્ટરી મોટા પ્રમાણમાં કાર્ડબોર્ડ રાખવામાં આવ્યા હતાં, આજે સવારે અચાનક આગ ફાટી નીકળી હતી. સાત લોકો જીવતા બળી ગયા.
સ્થાનિકોના જણાવ્યા મુજબ આગ દરમિયાન ત્રણથી ચાર વાર વિસ્ફોટ થયા, જેનો અવાજ દુર સુધી સંભળાયો હતો, જેને કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો.
આગ લાગવા કેમ લાગી એનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.