Tue Jul 21 2026

Logo

બેફામ બેસ્ટ માનખુર્દમાં ડિવાઈડર સાથે ટકરાયેલી બસે સિનિયર સિટીઝનનો જીવ લીધો: 10 જખમી

2026-07-20 20:50:28
Author: Yogesh C. Patel
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બેફામ બનેલી બેસ્ટની બસો દ્વારા અકસ્માતની ઘટનાઓ ઉપરાછાપરી બની રહી છે ત્યારે સોમવારે વધુ એક બસે માનખુર્દમાં હાહાકાર મચાવી દીધો હતો. વાશી તરફ જતી બસે સાયન-પનવેલ હાઈવે પર ડિવાઈડર સાથે ટકરાઈને ત્યાં ઊભેલા સિનિયર સિટીઝન સહિત અન્યોને અડફેટે લીધા હતા. આ ઘટનામાં સિનિયર સિટીઝનનું મૃત્યુ થયું હતું, જ્યારે બસ ડ્રાઈવર અને ક્ધડક્ટર સહિત 10 જણ ઘવાયા હતા. અકસ્માતને પગલે હાઈવે પર વાહનોની લાંબી લાઈન લાગી હતી.

માનખુર્દ પોલીસના જણાવ્યા મુજબ ઘટના સોમવારની સવારે 8.30 વાગ્યાની આસપાસ સાયન-પનવેલ હાઈવે પર માનખુર્દ નજીક વિશ્ર્વકર્મા હૉસ્પિટલ સામે બની હતી. બેસ્ટની બસે કચડતાં મૃત્યુ પામેલા રાહદારીની ઓળખ ભાસ્કર રાવસાહેબ પાંડે (65) તરીકે થઈ હતી.બેસ્ટના અધિકારીએ જણાવ્યું હતું કે 501 રૂટ પરની વેટ લીઝ ઑપરેટરની બસ કુર્લા રેલવે સ્ટેશન પૂર્વથી ઐરોલી વચ્ચે દોડતી હતી. સવારે વાશી તરફ બસ જઈ રહી હતી ત્યારે માનખુર્દમાં આ ઘટના બની હતી. 

બસના ડ્રાઈવર બનવારી શ્રીરામ પ્રસાદ શર્મા (51)એ દાવો કર્યો હતો કે એકાએક રિક્ષા બસની સામે આવી ગઈ હતી. રિક્ષાને બચાવવા તેણે બસને બ્રેક લગાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બ્રેક લાગી નહોતી. કદાચ બ્રેક ફેઈલ થવાને કારણે બસ બેકાબૂ બની હતી અને ડિવાઈડર સાથે ટકરાઈ હતી.કહેવાય છે કે ફ્લાયઓવરને કિનારેથી રાહદારીઓ રસ્તો ઓળંગતા હોય છે અને લાંબા અંતરની બસો પણ ત્યાં પ્રવાસીઓ માટે રોકાતી હોય છે. પરિણામે તે સ્થળે હંમેશાં લોકોની ખાસ્સી ભીડ હોય છે. બસ ફ્લાયઓવરની દીવાલ સાથે ઘસાયા પછી ડિવાઈડર સાથે ટકરાઈ હતી.

અકસ્માતમાં રાહદારી પાંડે સહિત ડ્રાઈવર શર્મા અને ક્ધડક્ટર વૈભવ વાઘમારે (41) ગંભીર રીતે ઘવાયા હતા. ત્રણેયને રાજાવાડી હૉસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં પાંડેને મૃત જાહેર કરાયો હતો. ડ્રાઈવર અને ક્ધડક્ટરને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા.અકસ્માતમાં બસના પ્રવાસીઓ અને રાહદારી મળી અન્ય આઠ જણ ઘવાયા હતા. જખમીઓમાં શિવમંગલ મૈતી (42), ગણેશ પટેલ (24), લતા વાઘેલા (43), રાજેશ વારુગામીના (35) અને અંકિતા જાધવ (22)નો સમાવેશ થાય છે. સારવાર માટે તેમને ગોવંડીની શતાબ્દી હૉસ્પિટલમાં લઈ જવાયાં હતાં. ગણેશ પટેલની હાલત નાજુક હોવાથી તેને વધુ સારવાર માટે સાયન હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો.

સવારે પિકઅવર્સમાં બસને અકસ્માત નડતાં હાઈવે પર ટ્રાફિક જૅમ થઈ ગયો હતો. વાહનોની લાંબી લાઈન જોવા મળી હતી.દરમિયાન બનાવની જાણ થતાં માનખુર્દ પોલીસ સ્ટેશનના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અકસ્માતગ્રસ્ત બસને ટોઈંગ કરીને પોલીસ સ્ટેશને લઈ જવાયા પછી વાહનવ્યવહાર પૂર્વવત્ કરવામાં આવ્યો હતો. બસની ટેક્નિકલ તપાસ કરવામાં આવશે, એમ પોલીસે જણાવ્યું હતું.

બસમાં કોઈ ટેક્નિકલ ખામી નહીં: બેસ્ટ
મુંબઈ: માનખુર્દમાં કદાચ બ્રેક ફેઈલને કારણે અકસ્માત થયો હોવાનો દાવો બસના ડ્રાઈવરે કર્યો હતો, પરંતુ બેસ્ટે આ વાતની ચોખ્ખી ના પાડી દીધી હતી. બેસ્ટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સંબંધિત બસમાં કોઈ ટેક્નિકલ ખામી નહોતી. એ સિવાય 19 જુલાઈ પછી અત્યાર સુધી એ બસમાં કોઈ ખરાબી થઈ હોવાની નોંધ ડેપોમાં થઈ નથી. જોકે તેમ છતાં પોલીસ દ્વારા બસની તપાસ કરવામાં આવી રહી છે. 

કોન્ટ્રાક્ટરને નોટિસ
મુંબઈ: માનખુર્દમાં એકના મૃત્યુ અને 10ને ઇજા પહોંચાડવા માટે જવાબદાર બેસ્ટની બસ વેટ લીઝ ઑપરેટરની હતી. 30 વર્ષથી ડ્રાઈવિંગ કરતો શર્મા છેલ્લાં બે વર્ષથી કોન્ટ્રાક્ટર માતેશ્ર્વરી અર્બન ટ્રાન્સપોર્ટમાં કાર્યરત હતો. બેસ્ટ દ્વારા તેને જરૂરી તાલીમ પણ આપવામાં આવી હતી. માનખુર્દની ઘટનાને ગંભીરતાથી લઈને બેસ્ટે હવે કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

મહિનામાં ત્રીજો ગંભીર અકસ્માત
મુંબઈ
: જુલાઈ મહિનો બેસ્ટની બસ માટે અકસ્માતનો હોવાનું દૃશ્ય ઊભું થઈ રહ્યું છે. સોમવારે માનખુર્દમાં બનેલી ઘટના પહેલાં આ જ મહિનામાં બેસ્ટની બસે અંધેરી અને ભાંડુપમાં અકસ્માત સર્જ્યો હતો. 10 જુલાઈએ અંધેરી પશ્ર્ચિમમાં રેલવે સ્ટેશન નજીક બ્રેક ફેઈલ થવાને કારણે બસે 14 વાહનને કચડ્યાં હતાં. મિલ્લત નગરની આ બસની અડફેટે આવતાં આઠ જણ ઘવાયા હતા. તે પહેલાં આઠમી જુલાઈએ ભાંડુપમાં ડ્રાઈવરે બેદરકારીથી બસ રિવર્સ લીધી હતી. પાછળ આવેલી બસ અને છોડના મોટા કૂંડા વચ્ચે રાહદારી ફસાયો હતો. સદ્નસીબે રાહદારીને માત્ર ઈજા થઈ હતી, પરંતુ બસે નજીકમાં પાર્ક કરાયેલાં ચારથી પાંચ વાહનને ટક્કર મારતાં ઘણું નુકસાન થયું હતું.