ભુજ: માંડવી શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી રાંધણગેસની અછત સર્જાશે તેવી અફવાઓએ જોર પકડતા જનમાનસમાં ભારે ફાળ પડી છે.ખાસ કરીને અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે હોર્મુઝની ખાડી પર યાતાયાત ખોરવાતા ક્રૂડ ઓઇલ અને ગેસની સપ્લાય ચેઇનને માઠી અસર થઇ છે ત્યારે સોશિયલ મીડિયાના માધ્યમ વડે ફેલાવવામાં આવેલી નકારાત્મક વાતોને પરિણામે શહેરમાં ગેસ બુકિંગનો ધસારો જોવા મળી રહ્યો છે, જેના કારણે ગેસ એજન્સીઓ બહાર ગ્રાહકોની લાંબી લાઈનોના દ્રશ્યો સર્જાયા છે.
સામાન્ય રીતે માંડવીમાં દૈનિક 500 થી 600 સિલિન્ડરનું બુકિંગ નોંધાતું હોય છે. પરંતુ વર્તમાન સ્થિતિમાં 'પેનિક બુકિંગ'ને કારણે આ આંકડો સીધો 2000ને પાર કરી ગયો છે. વિતરણ વ્યવસ્થા સંભાળતા દીપભાઈ થાનકીએ જણાવ્યું હતું કે, રાબેતા મુજબનો સપ્લાય ક્યાંય ખોરવાયો નથી. માત્ર કાલ્પનિક ભયને કારણે એકાએક માંગ વધી જવાથી વિતરણ વ્યવસ્થા પર દબાણ આવ્યું છે. અલબત્ત સ્થાનિક તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે, ગભરાવાની કોઈ જરૂર નથી.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ પેટ્રોલ, ઓઈલ અને રાંધણગેસનો પર્યાપ્ત જથ્થો સુરક્ષિત હોવાની ખાતરી આપી છે. આમ છતાં, સોશિયલ મીડિયા પર સક્રિય નકારાત્મક તત્વો નાગરિકોને ભયભીત કરી રહ્યા છે, જે દુર્ભાગ્યપૂર્ણ છે. ઓનલાઇન બુકિંગની વ્યવસ્થા કાર્યરત છે, ગ્રાહકો 35 થી 40 દિવસના અંતરે સરળતાથી સિલિન્ડર મેળવી શકે છે.
બિનજરૂરી સંગ્રહખોરી કે ઉતાવળ ટાળવી જેથી જરૂરિયાતમંદ લોકો સુધી સમયસર ગેસ પહોંચી શકે તેમ પુરવઠા વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. હાલમાં તંત્ર અને એજન્સીઓ દ્વારા પરિસ્થિતિને થાળે પાડવા માટે વધારાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે અને નાગરિકોને સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે.
(ઉત્સવ વૈદ્ય)