Mon Jul 27 2026

Logo

મમતાએ નાટકો છોડી સુપ્રીમ કોર્ટમાં જવું જોઈએ

2026-05-07 09:39:00
Author: Bharat Bharadwaj
Article Image

 


એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ આવી ગયાં ને ભાજપને સ્પષ્ટ બહુમતી મળી ગઈ ત્યાં મમતા બેનરજીએ નવું નાટક આદર્યું છે. મમતા બેનરજીએ બંગાળનાં મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપવાનો ઈનકાર કરી દીધો છે. મમતાનું કહેવું છે કે, ભાજપ ગરબડો કરીને જીત્યો છે અને પોતે ચૂંટણી  હાર્યાં નથી  તેથી રાજીનામું નહીં આપે. વિધાનસભાની  ચૂંટણી હાર્યાં પછી પોતાની પહેલી પ્રેસ કોન્ફરન્સમાં મમતાએ ભાજપ સામે ખોટી રીતે ચૂંટણી જીતવાનો આક્ષેપ મૂકીને  કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કૉંગ્રેસની હાર માટે ભાજપ અને ચૂંટણીપંચે કરેલી ઘાલમેલ જવાબદાર છે. આ આખી ચૂંટણી પ્રક્રિયામાં ચૂંટણી પંચને સૌથી મોટો ‘વિલન’ ગણાવતાં મમતાએ ઈવીએમમાં ગરબડ કરવાના તથા પંચની  ભાજપ સાથે સાંઠગાંઠ હોવાના આક્ષેપો પણ કર્યા. મમતાના કહેવા પ્રમાણે પોતાને ષડયંત્ર રચીને હરાવાયાં હોવાથી રાજીનામું આપવાનો સવાલ જ પેદા થતો નથી.

મમતા રાજીનામું આપવાનો ઈનકાર કરીને વધુ એક તાયફો કરી રહ્યાં છે એ સ્પષ્ટ છે, કેમ કે મમતા રાજીનામું આપવાનો ઈન્કાર કરે તેનાથી કોઈ ફરક પડતો નથી. મમતાએ રાજીનામું આપવાનો ઈનકાર કરીને બંધારણીય કટોકટી પેદા કરી દીધી છે એવી વાતો થાય છે પણ વાસ્તવમાં કોઈ બંધારણીય કટોકટી નથી. કોઈ પણ રાજ્યમાં વિધનાસભાની ચૂંટણી થાય પછી જૂની સરકારનું શું થશે એ વિશે આપણું બંધારણ બિલકુલ સ્પષ્ટ છે. આગલી સરકારનાં મુખ્યમંત્રી રાજીનામું આપવાની ઔપચારિકતા કરતાં હોય છે, બાકી આ ઔપચારિકતા ના નિભાવે તો પણ એ દૂર જ થઈ જાય. જૂની વિધાનસભાની મુદત પતે એટલે જૂની સરકાર પણ ઘરભેગી થઈ જતી હોય છે. 

આ સંજોગોમાં મમતા રાજીનામું ના આપે તો પણ એક વાર નવી વિધાનસભાની રચનાનું જાહેરનામું બહાર પડે એટલે આપોઆપ જ મુખ્યમંત્રીપદેથી દૂર થઈ જશે. બંગાળના રાજ્યપાલ ધારે તો એ પહેલાં પણ મમતાને દૂર કરી શકે છે કેમ કે બંધારણની કલમ 164 હેઠળ રાજ્યમાં મંત્રીમંડળની રચના માટે કોને નિમંત્રણ આપવું તેની સત્તા રાજ્યપાલ પાસે છે. વિધાનસભાની ચૂંટણી પછી રાજ્યપાલ વિધાનસભામાં પક્ષોની ક્યા પક્ષ પાસે કેટલી બેઠકો છે તેના આધારે બહુમતી ધરાવતા પક્ષને સરકાર બનાવવા માટે આમંત્રણ આપે છે.  બંગાળમાં ભાજપ પાસે બહુમતી છે તેથી રાજ્યપાલ ભાજપના વિધાનસભા પક્ષના નેતાને સરકાર રચવા નિમંત્રણ આપશે ને પછી શપથવિધિ કરાવશે એ સાથે મમતા ઘરભેગાં થઈ જશે. 

બંધારણીય જોગવાઈઓને જોતાં મમતા રાજીનામું ના ધરે તેનાથી કોઈ ફરક પડતો નથી પણ સવાલ ફરક પડે કે ના પડે તેનો નથી પણ મમતાના વલણનો છે. મમતા પોતે હારી જ ના શકે એવું વલણ અપનાવીને બેઠાં છે એ હાસ્યાસ્પદ છે. મમતાએ કરેલા આક્ષેપો પણ હાસ્યાસ્પદ જ કહેવાય કેમ કે, ચૂંટણી પંચે કે ભાજપે ઈવીએમમાં ગરબડો કરી હોય કે બીજી ઘાલમેલ કરી હોય તેના કોઈ પુરાવા મમતાએ આપ્યા નથી. ચૂંટણી પંચ ભાજપનું કહ્યાગરું છે ને તેના ઈશારે વિપક્ષોને હરાવે છે એવા આક્ષેપો નવા નથી. આ વાત સાચી હોય તો પણ પુરાવા વિના તેને સાચી ના માની શકાય ને મમતા કોઈ પુરાવા આપી શક્યાં નથી. 

મમતાનું વલણ લોકશાહી મૂલ્યોને અનુરૂપ પણ નથી. લોકશાહીમાં જનાદેશના આધારે કોણ સત્તામાં રહેશે એ નક્કી થાય છે. બંગાળમાં જનાદેશ સ્પષ્ટ રીતે ભાજપની તરફેણમાં છે. 293 બેઠકોની વિધાનસભામાં ભાજપે 207 બેઠકો જીતીને બે તૃતિયાંશ કરતાં વધારે બેઠકો મેળવી છે. મમતા પોતે આ ચૂંટણી પ્રક્રિયાનો હિસ્સો હતાં ને હવે પરિણામ પોતાની તરફેણમાં ના આવ્યાં એટલે મમતા ભાજપ ને ચૂંટણી પંચે અંચઈ કરી હોવાનું જાહેર કરીને ઊભાં થઈ જાય એવું થોડું ચાલે ? તમે ચૂંટણી લડ્યાં છો તો તેનાં પરિણામોને સ્વીકારવાની હિંમત પણ બતાવવી પડે. તેના બદલે મમતા બેનરજી સાવ હલકટાઈ પર ઉતરી આવ્યાં છે. 

મમતાને ચૂંટણી પરિણામો સામે વાંધો હોય તો તેમની પાસે સુપ્રીમ કોર્ટમાં જવાનો વિકલ્પ ખુલ્લો જ છે ને આ બધાં નાટકો કરવાના બદલે મમતાએ એ વિકલ્પ અજમાવવો જોઈએ. મમતાએ ચૂંટણી પહેલાં સ્પેશિયલ ઈન્ટેન્સિવ રીવિઝન (એસઆઈઆર) દ્વારા મતદાર યાદીમાં થઈ રહેલા સુધારા સામે વાંધો લીધો હતો. મમતા બેનરજીએ આક્ષેપ કરેલો કે, ચૂંટણી પંચ ભાજપના ઈશારે મતદાર યાદીમાંથી પોતાના ચુસ્ત સમર્થકોનાં નામ કમી કરીને ભાજપની જીતનો તખ્તો ઘડી રહ્યું છે. એસઆઈઆર મામલે મમતા સરકારની અરજી  સુપ્રીમ કોર્ટમાં પડતર છે. એ વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવેલા મતોની સંખ્યા જીતના અંતરથી ઓછી હશે તો  કોર્ટ દખલ નહીં કરે કારણ કે તેમના કારણે પરિણામ પર અસર થતી નથી પણ દૂર કરવામાં આવેલા મતદારોની સંખ્યા જીતના અંતરથી વધારે હશે તો પોતે દખલ કરશે. 

અત્યારે જે સ્થિતી છે તેમાં મમતાની પાર્ટી સુપ્રીમ કોર્ટમાં પરિણામોને પડકારી શકે છે કેમ કે રાજ્યમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર) દ્વારા કુલ 91 લાખ મતદારો દૂર થયા જ્યારે ભાજપને ટીએમસી કરતાં 32 લાખ જેટલા વધારે મત મળ્યા છે. સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર) દ્વારા  દરેક બેઠક પર સરેરાશ 30 હજાર મતદારોના નામ દૂર થયાં છે જ્યારે ભાજપને દરેક બેઠક પર સરેરાશ 10,960 મત વધુ મળ્યા છે. કપાયેલા સરેરાશ મતદારો લગભગ ત્રણ ગણા છે એ જોતાં તૃણમૂલ કૉંગ્રેસનો કેસ મજબૂત છે તેથી મમતાએ બધું છોડીને સુપ્રીમ કોર્ટમાં જવાની જરૂર છે. 

બંગાળ વિધાનસભાની  કુલ 293 બેઠકોમાંથી 176 બેઠકો પર જીતનો તફાવત 30 હજારથી ઓછો રહ્યો છે. તેમાંથી 128 બેઠકો ભાજપ જીત્યો છે. મમતા આ મુદ્દે પરિણામોને કોર્ટમાં પડકારી શકે છે. મમતા એ બધું કરવાના બદલે બીજાં નાટક કરી રહ્યાં છે. આ નાટકો બંધ કરીને તેમણે કોર્ટમાં પોતાનો મુદ્દો સાબિત કરવો જોઈએ. સુપ્રીમ કોર્ટ પણ થઈ ગયેલી ચૂંટણી રદ કરે એ વાતમાં માલ નથી પણ ચૂંટણી પંચની કામગીરીને શંકાસ્પદ ગણાવે કે કોઈ અયોગ્ય કોમેન્ટ કરે તો પણ એ મમતાનો વિજય જ હશે. મમતા પોતાના મુદ્દાને સાચો સાબિત કરી શક્યાં એ વાત સાબિત થશે.

બંગાળમાં 9 મેએ નવી સરકારની શપથવિધિ છે એ જોતાં પણ મમતાના ધમપછાડા નિરર્થક છે. મમતા ગમે તેટલા ઉધામા કરે પણ નવી સરકારની શપથવિધિ રોકી શકવાનાં નથી કે નવી સરકારને કામ કરતી પણ રોકી શકવાનાં નથી. આ સંજોગોમાં તેમણે જનાદેશને માથે ચડાવીને માનભેર ખસી જવાની જરૂર છે. તેમાં મમતાનું ગૌરવ પણ જળવાઈ જશે ને લોકશાહીનું ગૌરવ પણ જળવાઈ જશે. બાકી આ બધા ઉધામા કરીને કશા કાંદા કાઢવાના નથી.