Sun Sep 06 2026

Logo

કોંગ્રેસ અધ્યક્ષના નિવેદનથી ગુજરાતમાં રાજકીય ભૂકંપ: ભાજપ-કોંગ્રેસ વચ્ચે વાકબાણ છૂટયા!

2026-04-06 11:19:00
Author: Devayat khatana
કોંગ્રેસ અધ્યક્ષના નિવેદનથી ગુજરાતમાં રાજકીય ભૂકંપ: ભાજપ-કોંગ્રેસ વચ્ચે વાકબાણ છૂટયા!

નવી દિલ્હી: કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા એક ચૂંટણી સભા દરમિયાન ગુજરાતની જનતા સંદર્ભે કરવામાં આવેલી કથિત ટિપ્પણીથી રાજ્યના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. ખડગેએ કથિત રીતે ગુજરાતના લોકોને "અભણ" ગણાવ્યા હતા અને દાવો કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેઓને મૂરખ બનાવવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષના આ નિવેદન બાદ ભાજપે આક્રમક વલણ અપનાવ્યું છે અને તેને ગુજરાતની અસ્મિતા અને 6 કરોડ ગુજરાતીઓનું અપમાન ગણાવ્યું છે.

ખડગેના આ નિવેદન પર મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર આકરી પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ગુજરાતની જનતા વિશે કરવામાં આવેલા આવા નિવેદનો અત્યંત વાંધાજનક અને દુર્ભાગ્યપૂર્ણ છે. તેમણે ઉમેર્યું કે આ ટિપ્પણી માત્ર 6 કરોડ ગુજરાતવાસીઓનું અપમાન નથી, પરંતુ મહાત્મા ગાંધી અને સરદાર પટેલની પવિત્ર ધરતીની ગરિમાને પણ ઠેસ પહોંચાડે છે. મુખ્યમંત્રીએ કટાક્ષ કરતા કહ્યું કે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભાજપને મળી રહેલા જનસમર્થનથી કોંગ્રેસ અસુરક્ષિત અનુભવી રહી છે અને ગુજરાતની જાગૃત જનતા આવા નિવેદનોનો જડબાતોડ જવાબ આપતા જાણે છે.

ગુજરાત નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ પણ આ મુદ્દે ટિપ્પણી કરી હતી, તેમણે કહ્યું હતું કે,  કોંગ્રેસને ગુજરાત પ્રત્યે આટલી નફરત કેમ છે? તેમણે કહ્યું કે જે ગુજરાતે દેશને ગાંધી, સરદાર અને વડાપ્રધાન મોદી આપ્યા તે ધરતીના લોકોનું અપમાન કરવું એ કોંગ્રેસની હતાશા દર્શાવે છે. સંઘવીએ વધુમાં ઉમેર્યું કે શું ગુજરાતની જનતાએ તમને સત્તા બહાર કર્યા એટલે તમે વારંવાર તેમને નિશાન બનાવી બદલો લો છો? ગાંધી અને પટેલની આ પવિત્ર ધરતીનું અપમાન કરનાર કોંગ્રેસને ગુજરાત ક્યારેય માફ નહીં કરે.

સામે પક્ષે, ભાજપના નેતાઓના પ્રહારોનો વળતો જવાબ આપતા કોંગ્રેસ નેતા કે.કે. શાસ્ત્રીએ ભાજપના ગુજરાત મોડેલ પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે ભાજપના ગુજરાત મોડેલનો વિરોધ કરવો એ ગુજરાતની જનતાનું અપમાન ક્યારેય નથી. તેમણે ભાજપ સરકારને ઘેરતા કહ્યું કે ગુજરાતમાં ગોડસેના નાટકો બતાવવાની મંજૂરી અપાય છે અને સરદાર પટેલનું નામ સ્ટેડિયમ પરથી હટાવવામાં આવે છે, શું આ ગાંધીજી અને સરદાર સાહેબનું સન્માન છે? આમ, ખડગેના એક નિવેદનથી ગુજરાતમાં સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાયું છે.